સુલતાન, મહંમદ (. અને . સોળમી સદી, ઈરાન) : સફાવીદ શૈલીમાં સર્જન કરનાર ઈરાનના શ્રેષ્ઠ ચિત્રકારોમાંના એક. તબ્રીઝમાં પંદરમી સદીના અંતમાં સુલતાન મહમ્મદની દોરવણી હેઠળ ઈરાનમાં તુર્કમાન લઘુચિત્રશૈલી પાંગરી હતી. તીવ્ર હિંસક ભડક રંગો, ગતિમાન આકૃતિઓ, વિકૃત પરિપ્રેક્ષ્ય તથા બિહામણાં-વરવાં આલેખનો આ શૈલીની લાક્ષણિકતા હતાં. તત્કાલીન સમ્રાટ શાહ ઇસ્માઇલ પહેલાની રુચિ એ સાથે સુસંગત હતી. 1522માં પ્રસિદ્ધ ઈરાની ચિત્રકાર બિહ્ઝાદ જૈફ ઉંમરે હેરાત છોડીને તબ્રીઝમાં આવી સ્થિર થયા. પરિણામે બિહ્ઝાદની હેરાત શૈલીની ઋજુતાનો પ્રભાવ યુવાન સુલતાન પર પડ્યો. તુર્કમાન શૈલી અને હેરાત શૈલીઓના યોગમાંથી સુલતાને જે શૈલી નિપજાવી તે અફાવીદ શૈલી નામે ઓળખાઈ. સમ્રાટ શાહ ઇસ્માઇલ પહેલાના મૃત્યુ પછી તેમનો યુવાન પુત્ર શાહ તહમાસ્પ પહેલો ગાદીએ બેઠો. આ નવો સમ્રાટ સુલતાન મહંમદની ચિત્રશૈલીનો આશક હતો. એ પોતે શાગિર્દ બનીને સુલતાન પાસેથી ચિત્રકલાના પાઠ ભણતો હતો.

સુલતાન મહંમદનું શ્રેષ્ઠ સર્જન 1520થી 1538 દરમિયાન થયું એમ ગણાય છે, જેમાં આ પોથીઓ સમાવેશ પામે છે. અન્ય દરબારી ચિત્રકારો સાથે સુલતાને તહમાસ્પ પહેલાની જીવનકથા ‘શાહનામા’માં પ્રસંગચિત્રો આલેખ્યાં. બિહ્ઝાદના શાગિર્દ શાઇખ-ઝાદેહના સહયોગમાં તેમણે બે પોથીઓમાં ચિત્રો આલેખ્યાં : હાફિજનો એક કાવ્યસંગ્રહ (દીવાન) તથા તુર્કી કવિ મીર અલી શિર નવાઈનો એક કાવ્યસંગ્રહ (દીવાન). નિઝામીની પોથી ‘ખામેશ’ માટે પણ તેમણે ચિત્રો આલેખ્યાં. આ પછી અચાનક જ આશ્રયદાતા તહમાસ્પ ચિત્રકલાથી વિમુખ થઈ ગયો. તેમને ચિત્રકલા ઇસ્લામથી વિરુદ્ધ તથા મૂળ ધ્યેયથી વિચલિત કરતી ક્ષુલ્લક પ્રવૃત્તિ જણાઈ. પરિણામે સુલતાનની ચિત્રપ્રવૃત્તિ પણ બંધ પડી. સુલતાન એમના જીવનકાળમાં ઈરાનના શ્રેષ્ઠ ચિત્રકાર લેખાયા. ભાવનાનું ઊંડાણ આલેખવામાં અને રંગાયોજનમાં તેઓ વિરલ ગણાયા. આજે પણ ઈરાની ચિત્રકલાના સર્જકોમાં એમનું નામ બિહ્ઝાદની સાથે મૂકવામાં આવે છે. એમના પુત્ર મિર્ઝા અલી મહમ્મદી પણ ચિત્રકાર હતા.

અમિતાભ મડિયા