સુલતાન હસનની મસ્જિદ અને કબર કેરો (ઇજિપ્ત)

January, 2008

સુલતાન હસનની મસ્જિદ અને કબર, કેરો (ઇજિપ્ત) : ઇજિપ્તની જાણીતી મસ્જિદ. ક્લૌન વંશનો છેલ્લો શાસક સુલતાન હસન 1347માં ગાદીએ આવ્યો. 1351માં તેના ભાઈના તરફેણમાં તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. 1354માં ફરીથી તે તખ્તનશીન થયો અને 1361માં તેનું ખૂન થયું ત્યાં સુધી ગાદીએ રહ્યો. તેની વિશાળ કબર અને મદરેસાનું સંકુલ ઇજિપ્શિયન ઇસ્લામી સ્થાપત્યમાં નોંધપાત્ર સ્મારક છે. 1356માં સંભવત: સિરિયન સ્થપતિ દ્વારા તેનું બાંધકામ શરૂ થયું હતું અને 1359માં તે પૂરું થયું. 1361માં પ્રવેશની જમણી બાજુનો મિનારો તૂટી ગયો હતો. તેનું સમારકામ અને ડાબી બાજુના મિનારાનું બાંધકામ તે પછી પડતું મૂકવામાં આવ્યું. કબર-ખંડની પડખે કાઢેલા બે મિનારા મૂળમાં જળવાઈ રહ્યા; પરંતુ તેમાંનો જમણી તરફનો મિનારો 1660માં પડી ગયો અને તેની જગ્યાએ નવો બાંધવામાં આવ્યો. 1661માં કબર પરનો ઘૂંમટ પડી ગયો. ડુંગળી આકારનો આ ઘુંમટ સંભવત: લાકડાનો હતો અને 1617માં કેરો આવેલા ઇટાલિયન મુસાફર પિયેટ્રો ડેલા વાલે(1586-1652)એ તે ઘુંમટ જોયો હતો. વર્તમાન ઘુંમટ સુલતાનના અવસાનના એક-બે વર્ષ પછી બાંધવામાં આવ્યો. ઘુંમટની અંદરનું વિતાન મુકરના(muqarnas)ના સુશોભન વડે અલંકૃત છે. સંકુલના જટિલ આયોજનમાં મદરેસા છૂટી છે. ચારે તરફના ઈવાન(લિવાન પ્રાર્થના માટેના ખંડ) શાન (પ્રાંગણ) તરફ ખુલ્લા છે. પૂર્વ અને પશ્ચિમના ઈવાન બીજા બે કરતાં ઘણા નાના છે. તેનો પ્રવેશમાર્ગ અલંકૃત છે. પ્રવેશની ફ્રેમના સ્તંભ ઉપર સુધી ચક્રાકારે ચઢતા થર વડે અલંકૃત છે. તેમાં સિરિયન અસર જણાય છે. સુલતાન હસનની મદરેસાના અભિલેખોનો તાજેતરમાં જ એરિકા ક્રુઈકશેન્ક ડોડ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે. તેના ભવ્ય પ્રવેશમાર્ગ પર કુરાને શરીફની 24મી સુરાહની 36મી અને 37મી આયાત કોતરેલી છે.

ચાર ઈવાનના ચારેય ખૂણે મદરેસા ધરાવતી આ મસ્જિદનું સ્મારકીય પરિમાણ સુંદર છે. આ સંકુલની બધી ઇમારતો કિબલાની દિશામાં એક સીધી લીટીમાં બાંધેલી છે. તેના બાંધકામમાં પરદેશી કલાકારો(મોટેભાગે સિરિયા અને ઈરાનના)ની કલાની અસર વરતાય છે.

હુસેનની મસ્જિદ કેરોની મુખ્ય મસ્જિદ છે. મુખ્ય ધાર્મિક ઉત્સવો વખતે રાજ્ય તરફથી તેનું જતન કરવામાં આવે છે. તેની ડિઝાઇનમાં 19મી સદીના યુરોપિયન નિયૉ-ગૉથિક શૈલીની અસર જોવા મળે છે. તેને છ પ્રવેશ છે. તેમાંના ત્રણ શાન તરફ અભિમુખ છે. દક્ષિણપૂર્વનો પ્રવેશ લાઇબ્રેરી અને સ્ત્રીઓ માટેના પ્રાર્થના-ખંડ તરફ છે.

સ્નેહલ શાહ

અનુ. થૉમસ પરમાર