સુલતાન ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ ગટ્ટીફેરીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Calophyllum inophyllum Linn. (સં. નાગચંપા; હિં., બં. સુલતાન ચંપા; મ. ઊંડી, સુરંગી; તે. પૌના; તા. પુન્નાઈ, પિન્નાય; ક. વુમા, હોન્ને; મલા. પુન્ના; અં. ઍલેક્ઝેન્ડ્રિયન લોરેલ) છે. તે મધ્યમ કદનું, સદાહરિત, ઉપ-સમુદ્રતટીય (sub-maritime) વૃક્ષ છે અને સુગંધિત પુષ્પો ધરાવે છે. તે દક્ષિણ ભારત, આંદામાનના ટાપુઓ, મ્યાનમાર અને શ્રીલંકાના દરિયાકિનારે થાય છે. તેને શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. દક્ષિણ ભારત અને આંદામાનમાં થતી આ વનસ્પતિનો પાટડો (log) 3.6 મી. લાંબો અને 1.2 મી.ના ઘેરાવાવાળો હોય છે; પરંતુ દક્ષિણ તેનાસ્સેરિમમાં તેનું પ્રકાંડ 9.0 મી. લાંબું હોય છે. સુલતાન ચંપો રેતાળ પ્રદેશમાં બીજ દ્વારા ઉગાડી શકાય છે.
સુલતાન ચંપો
તેનું કાષ્ઠ રતાશ પડતા સફેદથી માંડી રાતું-બદામી, મધ્યમસરનું ભારે (વિ.ગુ. 0.55થી 0.90; વજન 609થી 929 કિગ્રા./ઘમી.), અંતર્ગ્રથિત-કણિકામય (interlocked-grained) અને મધ્યમ ગઠનવાળું (textured) હોય છે. કાષ્ઠ પ્રમાણમાં મજબૂત, તેનું અનુપ્રસ્થ સામર્થ્ય (transverse strength) સાગના સામર્થ્યના 24 % જેટલું; તેનું વિભંજન-સામર્થ્ય (breaking strength) 9340; યંગ-પ્રત્યાસ્થતાંક (Young’s modulus) 10,60,000; સંપીડન-સામર્થ્ય (crushing strength) 460 કિગ્રા. / સેમી.2 હોય છે. કાષ્ઠનું સારી રીતે સંશોષણ (seasoning) થઈ શકે છે, છતાં સપાટી પર તિરાડો પડે છે. તે ખાસ કરીને પાણીમાં ટકાઉ હોય છે. તેના પર ખરાદીકામ થઈ શકે છે. તે પૉલિશ સારી રીતે ગ્રહણ કરે છે.
કાષ્ઠનો ઉપયોગ થાંભલાઓ, પાટડાઓ, ફર્નિચર, રેલવે-ડબ્બાઓ, પીપડાં, ઊંટિયા(crane)નો દંડ (shaft), માછીમારીની હોડીઓ, રેલવેનાં પાટિયાં અને કબાટ બનાવવામાં તથા વહાણના બાંધકામમાં થાય છે.
તાજાં બીજનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પાણી 27.23 %, ભસ્મ 1.07 %, પ્રોટીન 6.41 %, લિપિડ 60.72 %, કાર્બોદિત 4.07 %, મીંજ (ફળનો 43 %થી 52 %), ઘેરા લીલા રંગનું ઘટ્ટ તેલ (50 % થી 73 %) ઉત્પન્ન કરે છે, જેને ‘ડોમ્બા’, ‘લોરેલ નટ’, ‘ડીલ્લો’, ‘પિન્નાય’ કે ‘પૂન’ના બીજનું તેલ કહે છે. નિષ્કર્ષિત અને સંપીડિત (expressed) બંને પ્રકારનાં તેલ અણગમતી વાસ અને સ્વાદ ધરાવે છે.
સાબુ બનાવવામાં આ તેલ ઉચ્ચ ગુણવત્તાવાળું ગણાય છે, પરંતુ ખાવા માટે તે અયોગ્ય છે; કારણ કે તેમાં વિષાક્ત બિનલિપિડ ઘટકો હોય છે. તેનો પ્રદીપક (illuminant) તરીકે ઉપયોગ થાય છે. સંધિવા અને ત્વચાનાં દર્દો પર તેલ લગાડવામાં આવે છે. પરિષ્કૃત (refined) તેલનું રક્તપિત્ત(leprosy)માં દર્દ ઘટાડવા અંત:સ્નાયવી (intramuscular) અંત:ક્ષેપણ કરવામાં આવે છે. સંપીડિત તેલમાં 10 %થી 30 % જેટલી રાળ (resin) હોય છે, જેનો વાર્નિશમાં ઉપયોગ થાય છે. Vateria indica-ની રાળ સાથે મિશ્ર કરી તેનો ઉપયોગ હોડીના સાંધા પૂરવામાં થાય છે.
સંપૂર્ણપણે લિપિડરહિત નિચોવીને બનાવેલ ખોળમાં પાણી 6.5 %, ભસ્મ 5.55 %, અશુદ્ધ પ્રોટીન 29.15 %, રિડ્યુસિંગ શર્કરા 5.10 %, નૉન-રિડ્યુસિંગ શર્કરાઓ 6.10 %, સ્ટાર્ચ અતિઅલ્પ, અશુદ્ધ રેસો 5.55 %, લિગ્નિન અને અન્ય ઘટકો 42.05 % હોય છે. ખોળનો ખાતર તરીકે ઉપયોગ થઈ શકે છે.
છાલમાં 11.9 % ટેનિન હોય છે. કચરેલી છાલ વૃષણશોથ (orchitis) પર લગાડવામાં આવે છે. તેનો રસ રેચક હોય છે. તેનો કાઢો હઠીલાં ચાંદાં પર લગાડાય છે.
છાલમાંથી મેળવેલી પીળાશ પડતી લીલી સુગંધિત રાળ વમનકારી અને રેચક ગુણધર્મો ધરાવે છે.
પર્ણોમાં સેપોનિન અને હાઇડ્રૉસાયનિક ઍસિડ હોય છે, જે માછલી માટે વિષાળુ હોય છે. કેલોફાઇલમની 130 જેટલી જાતિઓ જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે, તે પૈકી 7 જાતિઓ ભારતમાં થાય છે. તેની ઘણી જાતિઓ ઇમારતી લાકડું આપે છે. ભારતીય જાતિઓનું કાષ્ઠ દેખાવમાં સરખું હોય છે અને વ્યાપારિક રીતે તેને ‘પૂન’ વર્ગ હેઠળ મૂકવામાં આવે છે. કેટલીક જાતિઓનાં પુષ્પો અત્યંત સુંદર હોય છે અને પર્ણો સમાંતર શિરાઓવાળાં હોય છે અને શોભન-વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.
C. apetalum willd. syn. C. wightianum T. Anders (મ. બોબ્બી, ગુ. સર્પુના, તા. સિરુબિન્નાઈ, ક. ઈરાઈ, મલ. ચેરુપિન્નાઈ, અં. ધી પૂનસ્પાર ઑવ્ ત્રાવનકોર) પશ્ચિમ ઘાટનાં મૈસૂરથી ત્રાવણકોર સુધી આવેલાં સદાહરિત જંગલોમાં 300 મી.ની ઊંચાઈ સુધી અને નદીઓ અને ઝરણાં-કિનારે થાય છે. તેનું ફળ લાલ રંગનું, ગૂઝબેરીના કદનું અને ખાદ્ય હોય છે.
C. elatum Bedd. syn. C. tomentosum T. Anders. (મ. નાગની; ત. કટ્ટુપિન્નાઈ, પાગુ, પુન્નાપમોરોમ; ક. કુવે, બોબ્બી; મલ. કટ્ટુપિન્નાઈ, માલામ્પુન્ના; અં. પૂનસ્પાર ટ્રી) ઊંચી વૃક્ષજાતિ છે અને ઉત્તર કાનડાથી ત્રાવણકોર પશ્ચિમઘાટનાં સદાહરિત જંગલોમાં 1500 મી.ની. ઊંચાઈ સુધી અને શ્રીલંકામાં થાય છે. તેનું પ્રકાંડ 24 મી.ની ઊંચાઈ અને 4.5 મી.નો ઘેરાવો ધરાવે છે.
C. polyanthum wall. (બં. કંદેબ) સદાહરિત વૃક્ષ છે અને સિક્કિમ, ખાસીની ટેકરીઓ, ચિત્તાગોંગનાં જંગલો અને માર્તાબનની ટેકરીઓ પર 1500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. બંગાળ-તેરાઈમાં ઊગતાં તેનાં વૃક્ષોનું ચોખ્ખું થડ 12 મી.થી 18 મી. ઊંચું હોય છે.
C. soulatri Burm. F. syn. C. spectabile Willd. (હિં. લાલચુની, અં. ધી નિકોબાર કેનો ટ્રી) 21 મી.થી 24 મી. ઊંચાઈ અને 2.1 મી. ઘેરાવો ધરાવતું વૃક્ષ છે અને તેનાસ્સેરિમ, આંદામાનના ટાપુઓ અને શ્રીલંકાનાં જંગલોમાં થાય છે. C. walkeri Wight મોટું વૃક્ષ છે અને દક્ષિણ ભારત અને શ્રીલંકામાં થાય છે. તે ગુલાબી-સફેદ, મીઠી સુગંધવાળાં પુષ્પો ધરાવે છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ