સુબ્રતો કપ : શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય કક્ષાની ફૂટબૉલ ટ્રૉફી. એની શરૂઆત 1960માં થઈ હતી. તે શરૂ કરવાનું શ્રેય ભારતના હવાઈ દળના પૂર્વ વડા સુવ્રત મુખર્જીને ફાળે જાય છે. આજે તો ભારતમાં શાળાના વિદ્યાર્થીઓ માટે આ ટ્રૉફી ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાય છે. આ ટ્રૉફીની સરખામણી ભારતમાં 1888માં શરૂ થયેલ ‘ડુરેન્ડ કપ’ સાથે કરવામાં આવે છે અને તેથી જ ‘સુબ્રતો કપ’ સ્પર્ધાને ‘છોટી ડુરેન્ડ સ્પર્ધા’ પણ કહેવામાં આવે છે. તેની સ્પર્ધામાં ભારતમાં આવેલ બધી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ સ્પર્ધા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં ફૂટબૉલની રમત માટે રસ જાગે અને એ રીતે ભારતને ભવિષ્યમાં ફૂટબૉલના સારા ખેલાડીઓ મળે તે છે. 17 વર્ષની ઉંમર સુધીમાં ફૂટબૉલનાં કૌશલ્યો અને યુક્તિપ્રયુક્તિઓ શીખી જવાય તેમજ રાષ્ટ્રીય કક્ષા સુધી રમવાની તક મળે તો પછીથી ચોક્કસપણે કૉલેજ કક્ષાએ ફૂટબૉલના એવા ઉત્તમ ખેલાડીઓ ભારતીય ટીમમાં પસંદગી પામી શકે કે જેઓ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂટબૉલમાં ભારતનો ખૂબ સારો દેખાવ પ્રદર્શિત કરી શકે.
‘સુબ્રતો કપ’ ફૂટબૉલ સ્પર્ધા ભારતમાં ખૂબ જ લોકપ્રિય બની છે. આ કપની લોકપ્રિયતા જોઈને 15 વર્ષ સુધીના ખેલાડીઓ માટે જુદી ‘સુબ્રતો કપ’ની સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. સુબ્રતો કપમાં ભાગ લેવા માટે પહેલાં ‘જિલ્લાકક્ષા’એ સ્પર્ધા થાય છે અને એમાં વિજેતા બનેલી ટીમો જ ‘રાજ્યકક્ષા’એ જે તે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યકક્ષાનું સમગ્ર આયોજન જે તે રાજ્યનું રમતગમત-ખાતું કરે છે. રાજ્યકક્ષાએ ચૅમ્પિયન ટીમ રાષ્ટ્રકક્ષાએ ‘સુબ્રતો કપ’માં ભાગ લેવા માટે જાય છે. આ અંગેનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર આપે છે. આ રીતે રાષ્ટ્રકક્ષાએ દરેક રાજ્યની સર્વશ્રેષ્ઠ સ્કૂલ ટીમ તેમાં ભાગ લેવા માટે આવે છે. મોટાભાગે સુબ્રતો કપની રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા દિલ્હી મુકામે આયોજિત કરવામાં આવે છે અને 15 વર્ષથી ઓછી ઉંમરના ફૂટબૉલ ખેલાડીઓ તેમજ 17 વર્ષથી ઓછી ઉંમરના શાળામાં ભણતા ખેલાડીઓને રાષ્ટ્રકક્ષાએ ‘સુબ્રતો કપ’માં ભાગ લેવાની સુવર્ણ તક મળે છે. રાષ્ટ્રકક્ષાનું તે સ્પર્ધાનું આયોજન ‘સુબ્રતો કપ’ સંસ્થા કરે છે. ‘સુબ્રતો કપ’ માન્યતા પ્રાપ્ત સ્પર્ધા હોવાથી તેમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને રાષ્ટ્રકક્ષાની ટીમમાં પસંદ થવાની તક પણ રહે છે. – ગુજરાત રાજ્યની ટીમ પણ દર વર્ષે ‘સુબ્રતો કપ’માં ભાગ લેવા જાય છે. ભારતની શાળાકક્ષાની ફૂટબૉલ ટીમો તેમાં ભાગ લેવા માટે રાષ્ટ્રકક્ષાએ ભેગી થાય છે ત્યારે તેઓમાં આપોઆપ ‘રાષ્ટ્રીય એકતા’ની ભાવના જાગ્રત થાય છે, જે ભારતના ભવિષ્ય માટે ખૂબ જ ઇષ્ટ બાબત બની રહે છે.
પ્રભુદયાલ શર્મા