સુદાન
ઉત્તર આફ્રિકામાં આવેલો દેશ.
ભૌગોલિક સ્થાન : 8° ઉ. અ.થી 23° ઉ. અ. અને 21° 50´થી 38° 30´ પૂ. રે. વચ્ચેનો 18,86,068ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આમ વિસ્તારની દૃષ્ટિએ આફ્રિકા ખંડમાં તેનો ક્રમ અલ્જિરિયા અને કૉંગો (પ્રજાસત્તાક) પછી આવે છે. આ દેશની ઉત્તરે ઇજિપ્ત, ઈશાને રાતો સમુદ્ર, પૂર્વમાં ઇથિયોપિયા અને ઈરિટ્રિયા; દક્ષિણે દક્ષિણ સુદાન, પશ્ચિમે મધ્ય આફ્રિકા પ્રજાસત્તાક, ચાડ અને વાયવ્યે લિબિયા આવેલા છે. આ રીતે તેને સાત દેશોની સીમાઓ સ્પર્શે છે. આ ઉપરાંત તે ઈશાન ખૂણામાં લગભગ 640 કિમી. લંબાઈની રાતા સમુદ્રતટની સાગરીય સીમા ધરાવે છે. ઈ. સ. 1956માં સ્વાતંત્ર્ય હાંસલ કર્યું, આ પહેલાં તે બ્રિટિશ શાસન તળે હતો.
પ્રાકૃતિક રચના અને જળપરિવાહ : સુદાનનાં ઉત્તરનાં વિશાળ ક્ષેત્રો લિબિયન અને ન્યુબિયન રણપ્રદેશોને આવરે છે, જેના કેટલાક ભાગોમાં રેતીના ઢૂવા પથરાયેલા છે. દેશના મધ્ય-પૂર્વ ભાગમાં નાઇલ નદીનું વહેણ દક્ષિણથી ઉત્તર દિશામાં છે અને તેનું જલપાત્ર (basin) રેત-માટીનિર્મિત પગથીવાળાં મેદાનો ધરાવે છે. સુદાનની પૂર્વ બાજુના સીમાવિસ્તારોમાં ઈથિયોપિયાનાં પહાડી ક્ષેત્રોના તળેટીના ભાગો પ્રક્ષેપિત થયેલા છે, જેની સંરચના જટિલ તળભૂમિ(basement complex)ના ખડકો તેમજ તૃતીય જીવયુગના લાવાયિક ખડકો દ્વારા થઈ છે. સુદાનના નૈર્ઋત્ય ભાગમાં સમુદ્રસપાટીથી આશરે 450-750 મીટરની ઊંચાઈ ધરાવતો ‘આયર્નસ્ટોન ઉચ્ચપ્રદેશ’ (Ironstone plateau) આવેલો છે. તેની જમીનો રંગે રાતી (લેટરાઇટ પ્રકારની) હોવાથી તેને આવું નામ આપવામાં આવ્યું છે. નાઇલ અને તેની સહાયક નદીઓના જળવિભાજક પ્રદેશમાંથી ઉદભવતાં અનેક ઝરણાં આ નીચા ઉચ્ચપ્રદેશ પરનાં અસમતળ મેદાનો પર થઈને વહે છે. તેમની વચ્ચે વચ્ચે સામાન્ય ભૂમિસપાટીથી લગભગ 150-300 મીટરની ઊંચાઈના ઇન્સેલબર્ગ (Inselberg) દૃષ્ટિગોચર થાય છે.
આ સિવાય કોર્ડોફાન(Kordofan)ના હાર્દપ્રદેશનું પશ્ચિમ દાર્ફુર (W. Darfur) ક્ષેત્ર તથા ન્યુબા પર્વતો (Nuba mountains) જટિલ સંરચનાવાળી તળભૂમિ (basement complex) ધરાવે છે અને તેના પર શિખરજૂથ (massifs) અને ઇન્સેલબર્ગ જેવાં ભૂમિસ્વરૂપો ઊંચકાયેલાં છે. દાર્ફુર ક્ષેત્રમાં જેબેલ મારા (Jebel Marra) નામનો મૃત જ્વાળામુખી (ઊંચાઈ : 3088 મી.) આવેલો છે. આ સમગ્ર પ્રદેશમાં થયેલી ઘસારણક્રિયાથી અસમતળ સ્થળાકૃતિ નિર્માણ થઈ છે. આ ઉપરાંત આ દેશના ઈશાનમાં છૂટીછવાઈ મેઈડોબ ટેકરીઓ (Meidob hills) દૃષ્ટિગોચર થાય છે.
જેબેલ મારા અને ન્યુબા પર્વતો વચ્ચેના આશરે 1,000 કિમી.ને આવરતા પૂર્વ-ઈશાનથી પશ્ચિમ નૈર્ઋત્યમાં લંબાયેલા પટ્ટામાં રેતીના ઢૂવા આવેલા છે. તેમની રચના પ્લાયસ્ટોસીન કાળના આંતરહિમયુગ તબક્કા દરમિયાન થયેલી છે. આજે આ બધા ઢૂવા બાવળનાં વૃક્ષો તથા સૅવાના વનસ્પતિને લીધે સ્થાયી થઈ ગયેલા છે. આ વિશાળ રેતીના પ્રદેશને લીધે ખાર્ટૂમ અને દાર્ફુર વચ્ચેની ભૂમિ-પરિવહન-સેવાઓનો વિકાસ અવરોધાયેલો છે. આ ઢૂવાઓની ઉત્તરમાં વિશાળ રણવિસ્તાર પથરાયેલો છે. જેમાં એકલી રેતી જ નહિ પણ ખડકાળ કંકરયુક્ત ઉચ્ચપ્રદેશો, શિખરજૂથ તથા પવન દ્વારા થતી ઘસારણક્રિયાથી ઉદભવતાં બીજાં અનેક ભૂમિસ્વરૂપો દૃષ્ટિગોચર થાય છે. વળી અહીં સ્થળાંતરિત થતા રહેતા રેતીના ઢૂવાઓનું અતિ વિસ્તૃત ક્ષેત્ર પણ આવેલું છે. નાઇલ નદીથી પશ્ચિમે આવેલા લિબિયાના રણમાં સ્થળાંતરિત ઢૂવાઓનું પ્રમાણ વિશેષ છે. તેનાથી ઊલટું નાઇલના પૂર્વ ભાગમાં આવેલો ન્યુબિયન રણપ્રદેશ વધુ ખડકાળ અને ડુંગરાળ છે.
ન્યુબિયન રણપ્રદેશની પૂર્વ તરફ ‘રાતા સમુદ્રકાંઠાની ટેકરીઓ’ (2,000 મીટર) દૃષ્ટિગોચર થાય છે. તેના પૂર્વ ભાગો અને રાતા સમુદ્રનાં જળ વચ્ચે લગભગ 16થી 40 કિમી. પહોળાઈ ધરાવતાં કિનારાનાં મેદાનો પથરાયેલાં છે, જેમાં રેતીના ઢૂવા અને પરવાળાના ખરાબા આવેલા છે. રાતો સમુદ્ર તથા તેના કિનારાનાં મેદાનો, એ હકીકતે પૂર્વ આફ્રિકાની ફાટખીણનો લંબાયેલો વિસ્તાર છે.
સુદાનમાં વ્હાઇટ નાઇલ તથા બ્લૂ નાઇલ અગત્યની નદીઓ છે, જે અનુક્રમે દક્ષિણ અને દક્ષિણપૂર્વ બાજુનાં બે અલગ અલગ ઊંચાં પહાડી ક્ષેત્રોમાંથી ઉદભવીને ઉત્તર તરફ વહે છે. પાટનગર ખાર્ટૂમ પાસે તેમનો સંગમ થાય છે, તે પછી તેમનો સંયુક્ત પ્રવાહ ‘નાઇલ’ નામે ઓળખાય છે, જે આગળ વધુ ઉત્તર તરફ વહીને ઇજિપ્તમાં પ્રવેશે છે.
વ્હાઇટ નાઇલ નદી દક્ષિણમાં આવેલી યુગાન્ડા-કાઁગો પ્રજાસત્તાક સીમા પાસેના પહાડી ક્ષેત્રમાંના આલ્બર્ટ સરોવરમાંથી ઉદભવે છે. તેને મળતી બહર અલ ઘઝલ (Bahr el Ghazal) તથા સોબાત (Sobat) નદીઓ પણ મહત્વની છે.
બ્લૂ નાઇલ નદીનું મૂળ ઇથિયોપિયાના પહાડી ક્ષેત્રમાં આવેલું છે. એવી જ રીતે અતબારા નદી પણ ઇથિયોપિયાના પહાડી પ્રદેશમાંથી ઉદભવીને છેક ઉત્તર ભાગમાં નાઇલ નદીને મળે છે. આ ઉપરાંત સુદાનમાં બૅરાકા (Baraka), ગૅશ (Gash), રૅહાદ (Rahad), ડિન્ડર (Dinder) વગેરે અન્ય નાની નદીઓ છે.
બ્લૂ નાઇલ નદી પર આવેલો જળધોધ
આબોહવા, કુદરતી વનસ્પતિ તથા પ્રાણીજીવન : સુદાનનું ભૌગોલિક સ્થાન ઉષ્ણકટિબંધમાં આવેલું છે. તે ચારે દિશાએ ભૂમિબંદિસ્ત હોવાથી અત્યંત ગરમ આબોહવા ધરાવે છે. માત્ર રાતા સમુદ્રકાંઠાનાં મેદાનોમાં અને તેને અડીને આવેલી ટેકરીઓના પૂર્વ ઢોળાવો પર દરિયાઈ આબોહવા પ્રવર્તે છે.
આ દેશના ઉત્તરના ભાગોમાં જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 16° સે. જેટલું, જ્યારે દક્ષિણના ભાગોમાં 28° સે. રહે છે; પણ જૂનમાં ઉત્તરના પ્રદેશોનું સરેરાશ તાપમાન 32° સે. રહે છે, જ્યારે દક્ષિણના પ્રદેશોમાં લગભગ 26° સે. જેટલું રહે છે. સમુદ્રસપાટીથી આશરે 390 મી.ની ઊંચાઈ પર આવેલા ખાર્ટુમનાં જાન્યુઆરીનાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 32° સે. અને 15° સે. જેટલાં તેમજ જૂનનાં અનુક્રમે 41° સે. અને 26° સે. જેટલાં હોય છે. વળી જૂનમાં તેના સર્વોચ્ચ તાપમાનનો પારો 48° સે. સુધી ઊંચે ગયો હોવાનું નોંધાયું છે.
દેશના ઉત્તર તથા મધ્ય ભાગોમાં વર્ષાઋતુ જુલાઈથી ઑક્ટોબર દરમિયાન હોય છે, વર્ષાઋતુમાં ઉત્તરના રણપ્રદેશો થોડોક અથવા નહિવત્ વરસાદ મેળવે છે. ખાર્ટૂમ તથા પૉર્ટ સુદાનના વાર્ષિક વરસાદનું પ્રમાણ અનુક્રમે 157 મિમી. તથા 95 મિમી. જેટલું છે. વળી જેમ જેમ દક્ષિણમાં જઈએ તેમ તેમ વરસાદનું પ્રમાણ ક્રમશ: વધતું જાય છે; એટલું જ નહિ, પણ વર્ષાઋતુનો સમયગાળો પણ લંબાય છે. દક્ષિણમાં આશરે 6° ઉ. અક્ષાંશવૃત્ત પર વર્ષાઋતુનો સમયગાળો આઠ અથવા નવ માસથી વધારે હોય છે. દક્ષિણના ભાગો ઉષ્ણતાનયનનો વરસાદ મેળવે છે, આથી અહીં એક પણ માસ વરસાદ વિનાનો હોતો નથી. યુગાન્ડા સાથેના સીમાવિસ્તારો આશરે 2,400 મિમી. જેટલો વાર્ષિક વરસાદ મેળવે છે. ઉત્તર સુદાનમાં કોઈક વાર ‘હબૂબ’ (Haboob) નામના તોફાની સ્થાનિક પવનો (વંટોળ) વાય છે.
આ દેશનું વનસ્પતિજીવન અહીં પડતા વરસાદની લાક્ષણિકતા અને વિતરણ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે. તેના ઉત્તરના પ્રદેશો, ગરમ સહરાના રણપ્રદેશના ભાગ રૂપે છે અને તે લગભગ વનસ્પતિવિહીન છે. તેની દક્ષિણમાં અર્ધ-રણપ્રદેશનો પટ્ટો આવે છે. રણ અને અર્ધ-રણપ્રદેશો, દેશના લગભગ અર્ધા ભાગને આવરે છે. જોકે, નાઇલ નદીકાંઠાના ભાગોમાં પાણીની ઉપલબ્ધિને લીધે વિશિષ્ટ પ્રકારનાં વનસ્પતિસમૂહો અને વૃક્ષો દૃષ્ટિગોચર થાય છે. મધ્ય અને દક્ષિણ સુદાનમાં ટૂંકું ઘાસ, કાંટાળાં ઝાંખરાં, ઊંચા ઘાસનાં બીડ અને બાવળનાં વૃક્ષોના સમૂહો પૂર્વ-પશ્ચિમ લંબાયેલા પટ્ટાસ્વરૂપે આવેલાં છે. અહીંના ગોરડ બાવળ(Acacia Senegal)નાં વૃક્ષો પરથી ગુંદર (gum arabic) મેળવવાની પ્રવૃત્તિ થાય છે.
સુદાનનો આયર્નસ્ટોન ઉચ્ચપ્રદેશ અર્ધપાનખર જંગલો અને સૅવાના જંગલો જેવી મિશ્ર વનસ્પતિથી છવાયેલો છે. આ ઉપરાંત જેબેલ મારા, ઇમાતોન્ગ પર્વતો પહાડી વનસ્પતિથી આચ્છાદિત છે. જંગલોમાંથી આદિમ જાતિજૂથોના લોકો ઇમારતી લાકડું તથા અન્ય પેદાશો મેળવવાનું કાર્ય કરે છે.
અહીંનાં જંગલોમાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ તથા પક્ષીઓ નિવાસ કરે છે. દેશની સરકાર સાત રાષ્ટ્રીય ઉદ્યાનો (National parks) તથા દસ રક્ષિત પ્રદેશો(protected areas)નું સંચાલન કરે છે. તેમની મુલાકાતે આવતા સહેલાણીઓની સંખ્યામાં ક્રમશ: વધારો થતો જાય છે.
ભૂમિઉપયોગ, સિંચાઈ, ખેતી અને પશુપાલન : દેશના ઉત્તર ભાગના રણ તથા અર્ધ-રણપ્રદેશોમાં આવેલી રેતાળ જમીનો ફળદ્રૂપ નથી, જ્યારે નદીઓનાં પૂરનાં મેદાનોની જમીનો કાંપવાળી હોવાથી ફળદ્રૂપ છે. મધ્ય તથા દક્ષિણ સુદાનમાં વિવિધ પ્રકારની જમીનો નિર્માણ પામેલી છે. તે પૈકી નૈર્ઋત્ય સુદાનની જમીનો લૅટરાઇટ પ્રકારની છે. પહાડી ક્ષેત્રોમાં પહાડી જમીનો છે.
દેશનો આશરે 18 % ભૂમિવિસ્તાર જંગલો અને 46 % ભૂમિવિસ્તાર ઘાસનાં બીડ તથા ચરિયાણભૂમિ હેઠળ છે. વળી રણપ્રદેશ, પડતર તથા અન્ય ઉપયોગ હેઠળની જમીનોનું પ્રમાણ 30 % જેટલું છે, જ્યારે દેશના માત્ર 5 %થી 6 % ભૂમિવિસ્તાર પર ખેતીપ્રવૃત્તિ થાય છે.
આ ખેતીપ્રધાન દેશ ખાદ્યચીજવસ્તુઓના ઉત્પાદનની બાબતમાં સ્વાવલંબી છે અને તેની મુખ્ય નિકાસો કૃષિપેદાશોને લગતી હોય છે. ઉત્તર તથા મધ્ય સુદાનમાં પડતો વરસાદ અપૂરતો અને અવિશ્વસનીય છે. આથી પમ્પ-યોજનાઓ દ્વારા તથા નદીઓ પર આડબંધો બાંધીને નહેરો દ્વારા વ્યાપક પ્રમાણમાં નદીઓનાં જળનો ખેતીમાં સિંચાઈ તરીકે ઉપયોગ થાય છે, જ્યારે દક્ષિણ તથા પશ્ચિમના પ્રદેશોમાં મુખ્યત્વે વરસાદ દ્વારા ખેતી કરવામાં આવે છે. દેશનો મુખ્ય પાક કપાસ છે, જે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. મધ્ય સુદાનનાં સિંચિત ક્ષેત્રોમાં મુખ્યત્વે લંબતારી કપાસનું તેમજ દક્ષિણના વરસાદવાળા પ્રદેશોમાં મુખ્યત્વે ટૂંકા તારવાળા કપાસનું ઉત્પાદન થાય છે. આ દેશમાં કપાસ ઉપરાંત ઘઉં, જવ, તલ, મકાઈ, શેરડી, ખજૂર, મિલેટ (સરઘમ), ડાંગર, મગફળી, ચા, એરંડા, કૉફી, કસાવા, ફળો અને શાકભાજી, ઘાસચારો વગેરેના પાકો લેવાય છે.
મધ્ય સુદાનમાં વ્હાઇટ નાઇલ અને બ્લૂ નાઇલના સંગમસ્થાનની દક્ષિણનાં ત્રિકોણાકાર મેદાનો પર ‘ગેઝિરા (Gezira) સિંચાઈ પરિયોજના’ અન્વયે ઈ. સ. 1925માં બ્લૂ નાઇલ નદી પર સેન્નાર બંધ બાંધવામાં આવ્યો છે. તેમાંથી નહેરો કાઢીને ગેઝિરાનાં મેદાનોમાં સિંચાઈ કરીને મુખ્યત્વે લંબતારી કપાસનું મબલક ઉત્પાદન લેવાય છે. અહીં કપાસની પદ્ધતિસરની ખેતી સરકાર તથા અન્ય સંગઠનોના સહયોગ અને ભાગીદારીથી સફળતાપૂર્વક થાય છે. વળી ‘ગેઝિરા સિંચાઈ પરિયોજના’નું વિસ્તરણ કરવામાં આવતાં વધુ ને વધુ જમીનો સિંચાઈ હેઠળ આણવામાં આવી રહી છે.
ઈ. સ. 1960માં ખશ્મ અલ ગિર્બા (Khashm el Girba) ખાતે અતબારા નદી પર અતબારા બંધ (Atbara dam) બાંધવામાં આવ્યો છે. આ બંધની નજીકની જમીનો શેરડીની ખેતી માટે ફાળવવામાં આવી છે. શેરડીના ઉત્પાદન પર આધારિત નજીકમાં જ ખાંડની મિલ પણ પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત વ્હાઇટ નાઇલ પર જેબેલ ઔલિયા બંધ (Jebel Aulia dam) અને બ્લૂ નાઇલ નદી પર એર રોઝેઈરેસ બંધ (Er Roseires dam) બાંધવામાં આવ્યા છે. આ બધાં સિંચિત ક્ષેત્રોમાં લંબતારી કપાસની સાથે સાથે બીજા અનેક પાકો લેવામાં આવે છે. આ ઉપરાંત ઇથિયોપિયામાંથી ઉદભવ પામતી બૅરાકા અને ગૅશ નદીઓનાં પૂરનાં પાણીનાં નિયંત્રણ તથા સિંચાઈ માટે પણ બે પરિયોજનાઓ તૈયાર કરવામાં આવી છે. આ બંને નદીઓ જ્યાં મુખત્રિકોણ આકારે કાંપ પાથરે છે ત્યાં ઉચ્ચતમ પ્રકારના કપાસનું ઉત્પાદન લેવામાં આવે છે. વળી રૅહાદ તથા ડિન્ડર નદીઓ પર પણ પમ્પ-સિંચાઈ યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇજિપ્ત અને સુદાન વચ્ચે નાઇલનાં પાણીની વહેંચણી બાબતમાં બે વખત કરાર કરવામાં આવ્યા છે.
વરસાદી ખેતીના મુખ્ય વિસ્તારો દક્ષિણમાં આવેલા છે, જ્યાં ગ્રામવિસ્તારના આદિવાસીઓ જમીન-ફેરબદલી (land rotation) પદ્ધતિથી જુવાર-બાજરી, તલ તથા દુરા (Dura) જેવાં ધાન્યો ઉપરાંત કપાસ અને બીજા પાકોની ખેતી કરે છે. દાર્ફુર તથા ન્યુબાનાં પહાડી ક્ષેત્રોની આસપાસના છૂટાછવાયા ભાગોમાં ખેતીમાં સિંચાઈ માટે નદીઓ, ઝરણાં તથા પાતાળકૂવાઓનાં પાણી ઉપલબ્ધ થાય તેવી સગવડો ઊભી કરવામાં આવી છે.
આ દેશમાં મોટેભાગે ખેતી અને પશુપાલન-પ્રવૃત્તિઓ એકમેક સાથે સંકળાયેલી છે. અહીં ઊંટ, ઘોડા, ગધેડાં, ઘેટાં-બકરાં, ગાય-ભેંસ, બળદ વગેરે પાળેલાં પ્રાણીઓ મોટી સંખ્યામાં આવેલાં છે. પશુપાલન દ્વારા મુખ્યત્વે દૂધ અને દૂધમાંથી બનતી ચીજોનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત માંસ, ઊન, વાળ, ચામડાં વગેરે અન્ય પશુપેદાશો છે. કેટલેક સ્થળે સ્વતંત્ર સ્વરૂપમાં પણ પશુપાલનપ્રવૃત્તિનો વિકાસ થયેલો છે. ઉત્તર સુદાનનાં વિચરતા આરબો ત્યાંની આછીપાતળી અને ઝાંખરાળી વનસ્પતિ પર ઘેટાંબકરાં અને ઊંટઉછેર કરે છે. દાર્ફુર તથા કોર્ડોફાનની ટૂંકા ઘાસની ચરિયાણભૂમિમાં બગ્ગારા (Baggara) માલધારીઓ વસે છે. તેઓ પણ ઋતુ પ્રમાણે સ્થળાંતર કરે છે. વ્હાઇટ નાઇલની ઉપલી ખીણના વિસ્તારોમાં ઘાસનાં બીડ આવેલાં છે. અહીં વસતા નિલોટિઝ (Nilotes) મુખ્યત્વે પશુચારકો છે. અન્ય આદિમ જાતિઓ પશુપાલનની સાથે સાથે બાજરી તથા કપાસની ખેતી કરે છે. દક્ષિણમાં આયર્નસ્ટોન ઉચ્ચપ્રદેશમાં મોટાભાગની જમીનો ખેતીલાયક હોવા છતાં તેના માત્ર 2 % જમીનવિસ્તારમાં જ ખેતી થઈ શકે છે. વળી અહીં ઝેરી ત્સેત્સે (Tsetse) માખીનો ભારે ઉપદ્રવ હોવાના કારણે પશુપાલન-પ્રવૃત્તિનો વિકાસ પણ અવરોધાયો છે. આ પ્રદેશોમાં ઘણે સ્થળે ‘સ્થળ બદલતી ખેતી-પદ્ધતિ’ (shifting cultivation) પણ અપનાવવામાં આવે છે.
ઊર્જા–સંસાધનો, ખનીજસંપત્તિ અને ઉદ્યોગો : આ દેશમાં કોલસો, ખનીજતેલ તથા કુદરતી વાયુ જેવાં ઊર્જા-સ્વરૂપનાં ખનીજોનું સંશોધન ચાલુ છે. તે પૈકી અહીંથી પેટ્રોલિયમ મળી આવ્યું છે. બ્લૂ નાઇલ નદી પર બાંધવામાં આવેલા સેન્નાર બંધ (Sennar dam) તેમજ અતબારા નદી પરના અતબારા બંધ પર જળવિદ્યુતશક્તિનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત ખાર્ટૂમ, પૉર્ટ સુદાન કસ્સાલા (Kassala), વાડ મેદાની (Wad Medani), માલાકલ (Malakal), શેન્ડી (Shendi), કોસ્તી (Kosti), અતબારા (Atbara), વાડી હાલ્ફા (Wadi Halfa), અલ ઓબિદ (El Obeid) વગેરે શહેરી કેન્દ્રોમાં તાપવિદ્યુતનું ઉત્પાદન મેળવાય છે.
સુદાનમાં અનેક ધાતુમય ખનીજોનું ઉત્ખનન થાય છે. રાતા સમુદ્રની ટેકરીઓમાંથી તેમજ કસ્સાલા તથા પૉર્ટ સુદાનની વચ્ચે સુફાયા (Sufaya) અને અંકુરા (Ankura), ફોડીકવાન ખાતેથી લોહખનીજો પ્રાપ્ત થાય છે. સુદાનમાં રાતા સમુદ્રની ટેકરીઓમાંથી મૅંગેનીઝની કાચી ધાતુ ખોદી કાઢવામાં આવે છે.
મધ્ય સુદાનમાં આવેલા ઇન્ગાનેસાના (Inganessana) પર્વતીય પ્રદેશોમાંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ક્રોમાઇટ, દાર્ફુર ખાતેથી તાંબાનાં અને સોનાનાં ખનીજો મળી આવે છે. આ સિવાય ચિરોડી, ગ્રૅફાઇટ, સીસું, અબરખ, ફ્લોરાઇટ, ગંધક વગેરે પણ મેળવાય છે.
આ દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે વિશેષ વિકાસ સાધી શકાયો નથી. મૂડીનો અભાવ, સીમિત બજાર, અપૂરતી પરિવહન-સેવાઓ, નીચું જીવનધોરણ, રાજકીય અસ્થિરતા વગેરે તેને માટેનાં જવાબદાર કારણો છે.
ગૃહઉદ્યોગોને અનુલક્ષીને અહીં ખેતપેદાશો પર પ્રક્રમણ કરવાના તથા વપરાશી માલનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનો વધુ વિકાસ થયો છે. વળી દરિયાપારનાં બજારોને ધ્યાનમાં રાખીને પણ કેટલાક ઉદ્યોગો પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. તેમાં અનાજ દળવાની મિલો (flour mills); માંસ-મચ્છી તથા અન્ય ચીજોને વાતશૂન્ય ડબ્બાઓમાં પૅક કરવાના ઉદ્યોગો; સુતરાઉ કાપડવણાટ, ખાંડ, સાબુ, સિગારેટ, દવાઓ, સિમેન્ટ, કાગળ અને કાગળનો માવો, વિદ્યુત-સાધનો, ખનિજતેલ-શોધન, વનસ્પતિ-તેલ, કપાસનાં જિન, મગફળીનાં ફોતરાં ઉખાડવાં, ખજૂર પર પ્રક્રિયા કરવી, ચામડાં કેળવવાં તથા પગરખાં બનાવવાં – વગેરેને લગતી પ્રવૃત્તિઓ મુખ્ય છે. વળી સુદાન સ્થાનિક બજારોને અનુલક્ષીને વપરાશી માલ બનાવતાં અનેક કારખાનાં પણ ધરાવે છે.
મુખ્યત્વે શહેરી વસાહતોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. તે પૈકી ખાર્ટૂમ-ઓમ્ડરમાન વિસ્તારમાં ખાસ કરીને કાગળ, કાપડ, પગરખાં, દવાઓ, સાબુ, વિદ્યુત-સાધનો વગેરેને લગતાં કારખાનાં છે. રબાક (Rabak), અતબારા અને કોસ્તી (Kosti) ખાતે સિમેન્ટનાં કારખાનાં તેમજ ગુનૈદ (Guneid) તથા ખાશ્મ અલ ગિર્બા ચામડાં કેળવવાનાં તથા ખાંડનાં કારખાનાં ધરાવે છે. પૉર્ટ સુદાન ખાતે ઈ. સ. 1964માં ખનીજતેલનું શોધન કારખાનું (રિફાઇનરી) સ્થાપવામાં આવ્યું છે. વળી રાતા સમુદ્રકાંઠે મીઠાના ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ થાય છે. નદીનાળાં અને દરિયામાં મત્સ્ય-ઉદ્યોગનો વિકાસ થયો છે. આ ઉપરાંત કારેઈમા (Kareima) તથા વાઉ(Wau)માં ફળો તથા શાકભાજીને લગતા ઉદ્યોગો, અરોમા(Aroma)માં કાર્ડબોર્ડનાં કારખાનાં તેમજ ઝૅરા(Nzara)માં સુતરાઉ કાપડની મિલ સ્થાપવામાં આવેલ છે, જ્યારે કોસ્તીમાં માંસ-પૅકિંગના, વાડ મેદાનીમાં સિગારેટ તેમજ મલાકાલ(Malakal)માં કાગળ અને તેના માવાનું ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો છે.
પરિવહન, વ્યાપાર અને પ્રવાસન : આ દેશના વિસ્તારની તુલનાએ તેનાં પરિવહનનાં આધુનિક સાધનોનો વિકાસ ઓછો થયો છે, તેમ કહી શકાય. યાંત્રિક વાહનોનો ઉપભોગ કરનાર વસ્તી પ્રમાણમાં ઓછી છે. વળી મોટા કદની રાષ્ટ્રીય સ્તરની વ્યાપારી પ્રવૃત્તિઓનો પણ અહીં અભાવ છે, જેથી એકંદરે પરિવહનના માર્ગોની જરૂરિયાતો સીમિત રહી છે. આ ઉપરાંત સડક કે રેલમાર્ગો બાંધવા માટેના કાચા માલની અહીં અછત જોવા મળે છે. નદીઓમાં આવતાં પૂરને લીધે જળપરિવહન સેવાઓ અવારનવાર ખોરવાઈ જવાની શક્યતાઓ ઘણી છે.
સુદાનમાં સડકમાર્ગોનું પ્રમાણ તદ્દન ઓછું છે. આજે દેશમાં લગભગ 11,900 કિમી. લંબાઈના સડકમાર્ગો છે. તે પૈકીના 36 % સડકમાર્ગો પાકા છે. મુખ્ય સડકમાર્ગો પાટનગર ખાર્ટૂમની આસપાસ કેન્દ્રિત થયેલા છે. ખાર્ટૂમ સાથે પૉર્ટ સુદાન, અતબારા, વાડી હાલ્ફા, કસ્સાલા વગેરે પ્રમુખ વસાહતો સંકળાયેલી છે. દેશમાં ઘણાખરા સડકમાર્ગો સૂકી ઋતુઓમાં જ ઉપયોગમાં લઈ શકાય તેવા છે. વળી દક્ષિણ સુદાન સાથે જોડતી પાકી સડકોનો હજી અભાવ છે. દક્ષિણમાં જુબા(Juba)ની આસપાસની વસાહતોને સાંકળતા થોડાક સડકમાર્ગો આવેલા છે.
સુદાનના આર્થિક વિકાસમાં રેલમાર્ગોએ અતિ મહત્વનો ફાળો આપેલો છે. રેલમાર્ગો છેક દક્ષિણના ભાગો સાથે સંકળાયેલા છે. અહીં ઓગણીસમી સદીના અંતભાગથી રેલમાર્ગો બાંધવાની શરૂઆત થઈ હતી. આજે આ દેશ આશરે 7,484 કિમી. લંબાઈના રેલમાર્ગો ધરાવે છે. પાટનગર ખાર્ટૂમ રેલમાર્ગોનું મુખ્ય કેન્દ્ર છે. અહીંથી તે ઉત્તરમાં અતબારા અને વાડી હાલ્ફા, ઈશાનમાં પૉર્ટ સુદાન, પૂર્વમાં વાડી મેદાની, સેન્નાર, ખાશ્મ અલ ગિર્બા અને કસ્સાલા; દક્ષિણમાં વાઉ અને પશ્ચિમમાં ન્યાલા સાથે રેલમાર્ગોથી સંકળાયેલું છે.
જળમાર્ગ : સુદાન અને દક્ષિણ સુદાનના ભાગલા પડ્યા નહોતા તે સમયે જળમાર્ગની લંબાઈ અંદાજે 4000 કિમી. હતી. બારમાસી જળમાર્ગની લંબાઈ આશરે 1,723 કિમી. હતી. આ જળમાર્ગનું સંચાલન ‘River Transport Corporation’ દ્વારા 1973થી કાર્યરત છે. 2007 પછી બે નવી ‘Nile River Corporation’ અને ‘Sudan River Transport Corporation’ કંપની પણ સેવા આપે છે. સુદાનમાં નદીબંદરોમાં મલાકલ (Makukal), અલ-રેન્ક મુખ્ય છે. 2010માં આંતરજળમાર્ગ દ્વારા 1,14,000 ટન માલસામાનની હેરાફેરી થઈ હતી, જ્યારે 13,000 મુસાફરોએ લાભ લીધો હતો. નાઇલ નદી આંતરિક જળમાર્ગોની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડે છે. અહીંની નદીઓ સિંચાઈની જેમ પરિવહનની દૃષ્ટિએ પણ ઉપયોગી છે. સમૃદ્ધ જળપરિવહનને કારણે જ કદાચ આ પ્રદેશોમાં સડકમાર્ગોનું પ્રમાણ ઓછું હોય તેમ બની શકે છે. આ દેશ નાઇલ અને તેની ઉપનદીઓ સહિત આશરે 3,500 કિમી. લંબાઈના જળપરિવહનમાર્ગો ધરાવે છે. દક્ષિણ સુદાનમાં કોસ્તીથી જુબા વચ્ચે વધુ અવરજવર થાય છે. નાઇલ નદીમાં છેક ઇજિપ્તની સીમા સુધી આવેલા વાડી હાલ્ફા સુધી પરિવહન થઈ શકે છે.
હવાઈમાર્ગ : સડકમાર્ગોનો સીમિત વિકાસ અને છૂટાંછવાયાં વસ્તી કેન્દ્રો સુધી સંપર્ક સાધવાની જરૂરિયાતને કારણે સુદાનમાં વાયુમાર્ગોનું મહત્વ વધી ગયું છે. આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા આપતી ‘Sudan Airways’ જે સરકાર હસ્તક છે. જેનું સંચાલન ‘Sidan Airways Company’ કરે છે. ખાર્ટૂમ તેઆંતરરાષ્ટ્રીય હવાઈમથક છે. આ સિવાય 20 જેટલાં આંતરરાજ્ય હવાઈમથકો આવેલાં છે. ખાર્ટૂમસૌથી વ્યસ્ત હવાઈમથક હોવાથી પૉર્ટ સુદાન, સેન્નાર, જૂબાનું મહત્વ વધુ છે. સુદાનના હવાઈમથકોને આધુનિક બનાવવા માટે યુરોપિયન ડેવલપમેન્ટ ફંડ, સાઉદી ડેવલપમેન્ટ ફંડ વધુ સહાયરૂપ બને છે. 1989ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા 4,85,000 હતી. પાકી ફરસબંધી હવાઈપટ્ટીઓની સંખ્યા 17 છે. જ્યારે કામચલાઉ હવાઈપટ્ટીઓની સંખ્યા 50 છે. આજે આદેશ 10 મોટાં હવાઈ મથકો તેમજ 30 જેટલી મધ્યમ કક્ષાની ઉતરાણપટ્ટીઓ ધરાવે છે.ખાર્ટૂમ સૌથી વધુ વ્યસ્ત હવાઈ મથક બન્યું છે, જે યુરોપ તથા આફ્રિકા તેમજઅન્ય દેશો સાથે સંકળાયેલું છે. ખાર્ટૂમ સિવાય પૉર્ટ સુદાન, સેન્નાર વગેરેપણ અન્ય મહત્વનાં હવાઈ મથકો છે.
પાઇપલાઇન : સુદાનમાં ખનિજતેલ માટે પાઇપલાઇન નાખવામાં આવી છે. જેની લંબાઈ 4070 કિમી. છે. જેની વહનક્ષમતા આશરે 6 લાખ ટન છે. શુદ્ધીકરણ કરેલ ખનીજતેલની પાઇપલાઇનની લંબાઈ 1613 કિમી. છે. આ પાઇપલાઇન દ્વારા કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, વિમાનમાં વપરાતા ઇંધનને વિવિધ એકમોમાં મોકલવામાં આવે છે.
સુદાનનો મોટાભાગનો વ્યાપાર બ્રિટન સાથેચાલે છે. બ્રિટન ઉપરાંત સાઉદી અરેબિયા, જર્મની, જાપાન, થાઇલૅન્ડ, ફ્રાન્સ, ઇટાલી, યુ.એ.ઈ., ભારત, ચીન વગેરે દેશો સાથે પણ તે વ્યાપારી સંબંધો ધરાવેછે. રૂ, તલ, સોનું, મગફળી, ગુંદર, ઘેટાં, ચામડાં વગેરે તેની મુખ્ય નિકાસોછે; જ્યારે ક્રૂડ પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પેદાશો, યંત્રો તથા વાહનોના ભાગો, રસાયણો, ખાદ્ય ચીજો વગેરે તેની મુખ્ય આયાતો છે.
આ દેશમાં પ્રવાસન એ વિકસતો ઉદ્યોગ છે. દરવર્ષે પર્યટકોની સંખ્યામાં ક્રમશ: વધારો થતો જાય છે. ઈ. સ. 2013માં આશરે5,91,000 જેટલા વિદેશી પર્યટકોએ આ દેશની મુલાકાત લીધી હતી. આ દેશમાં સાતરાષ્ટ્રીય ઉદ્યાનો અને દસ રક્ષિત પ્રદેશો છે, જે વિવિધ પ્રકારનાં જંગલીપ્રાણીઓ તથા પક્ષીઓથી સમૃદ્ધ છે; જેમાં સ્વૈરવિહાર કરતાં જંગલી પ્રાણીઓ કેપક્ષીઓનો શિકાર કરવાની રમત(big game hunting)ની સુવિધાઓ છે. વધુમાં તેઓસહેલાણીઓને પાલતુ હાથી કે ખુલ્લાં વાહન પર સવારી કરાવીને જંગલી પ્રાણીઓ કેપક્ષીઓને નજીકથી નિહાળવાની તથા તેમના ફોટોગ્રાફ લેવાની (photo safaries) સગવડો પણ ધરાવે છે. સુદાનની સરકાર ‘Ecoturism’ ક્ષેત્રે વધુ જાગૃત બની છે. સુદાનની આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં ‘પ્રવાસન અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝ’નો વિષય શરૂ કર્યો છે. આ ઉપરાંત નાઇલ નદીની ખીણ આશરે ઈ. સ. પૂ. 4000ના સાંસ્કૃતિકઅવશેષો ધરાવે છે, જે પર્યટકો માટેનાં મુખ્ય આકર્ષણો છે. આ સિવાય આયોજકોરાતા સમુદ્રમાં સહેલાણીઓ માટે મચ્છીમારી અને ડૂબકી લગાવવાને લગતીજળક્રીડાઓનું આયોજન પણ કરે છે.
વિવિધ ચીજવસ્તુઓની જરૂરિયાત મુજબ સુદાનના વિદેશ-વ્યાપારમાં વધઘટ થતી રહે છે. પૉર્ટ સુદાન આધુનિક બંદર છે. આ બંદર મારફત દેશનો આશરે 95 % વ્યાપાર ચાલે છે. પૉર્ટ સુદાન ઉપર માલનો ભરાવો થતો રહેતો હોવાથી, સરકારે તેની બાજુમાં આવેલા સુઆકિન(Suakin)ને પૉર્ટ સુદાનના પૂરક બંદર તરીકે વિકસાવવાની એક યોજના હાથ ધરી છે.
સુદાનનો મોટાભાગનો વ્યાપાર બ્રિટન સાથે ચાલે છે. બ્રિટન ઉપરાંત સાઉદી અરેબિયા, જર્મની, જાપાન, થાઇલૅન્ડ, ફ્રાન્સ, ઇટાલી, યુ.એ.ઈ., ભારત, ચીન વગેરે દેશો સાથે પણ તે વ્યાપારી સંબંધો ધરાવે છે. રૂ, તલ, સોનું, મગફળી, ગુંદર, ઘેટાં, ચામડાં વગેરે તેની મુખ્ય નિકાસો છે; જ્યારે ક્રૂડ પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પેદાશો, યંત્રો તથા વાહનોના ભાગો, રસાયણો, ખાદ્ય ચીજો વગેરે તેની મુખ્ય આયાતો છે.
આ દેશમાં પ્રવાસન એ વિકસતો ઉદ્યોગ છે. દર વર્ષે પર્યટકોની સંખ્યામાં ક્રમશ: વધારો થતો જાય છે. ઈ. સ. 1998માં આશરે 39,000 જેટલા વિદેશી પર્યટકોએ આ દેશની મુલાકાત લીધી હતી. આ દેશમાં સાત રાષ્ટ્રીય ઉદ્યાનો અને દસ રક્ષિત પ્રદેશો છે, જે વિવિધ પ્રકારનાં જંગલી પ્રાણીઓ તથા પક્ષીઓથી સમૃદ્ધ છે; જેમાં સ્વૈરવિહાર કરતાં જંગલી પ્રાણીઓ કે પક્ષીઓનો શિકાર કરવાની રમત(big game hunting)ની સુવિધાઓ છે. વધુમાં તેઓ સહેલાણીઓને પાલતુ હાથી કે ખુલ્લાં વાહન પર સવારી કરાવીને જંગલી પ્રાણીઓ કે પક્ષીઓને નજીકથી નિહાળવાની તથા તેમના ફોટોગ્રાફ લેવાની (photo safaries) સગવડો પણ ધરાવે છે. આ ઉપરાંત નાઇલ નદીની ખીણ આશરે ઈ. પૂ. 4000ના સાંસ્કૃતિક અવશેષો ધરાવે છે, જે પર્યટકો માટેનાં મુખ્ય આકર્ષણો છે. આ સિવાય આયોજકો રાતા સમુદ્રમાં સહેલાણીઓ માટે મચ્છીમારી અને ડૂબકી લગાવવાને લગતી જળક્રીડાઓનું આયોજન પણ કરે છે.
વસ્તી અને વસાહતો : અરબી ભાષાના ‘બિલાદ-એસ-સુદાન’ (Bilad-es-Sudan) શબ્દનો અર્થ ‘કાળા લોકોનો દેશ’ એવો થાય છે. તેના પરથી આ દેશનું નામ ‘સુદાન’ પડેલું છે. હકીકતે તેના બધા જ નિવાસીઓ રંગે કાળા એટલે કે હબસી (negros) નથી. વળી નિગ્રોઇડ જાતિતત્વ ધરાવતા, રંગે શ્યામ, પરંપરાગત પૈચાશિક માન્યતાઓનું અનુસરણ કરતા અને સામાજિક દૃષ્ટિએ પછાત એવા લોકો આ દેશમાં વસવાટ કરે છે. જોકે, તેઓ દેશની કુલ વસ્તીનો માત્ર ચોથો ભાગ ધરાવે છે. આ દેશનું વંશીય માળખું આ પ્રમાણે છે : સુદાનીઝ આરબ, દિન્કા (Dinka), ન્યુબા (Nuba), બેજા (Beja), નુએર (Nuer), અઝાન્ડે (Azande), બારી (Bari), ફુર (Fur) અને અન્ય જાતિઓ. આ દેશમાં સુન્ની મુસ્લિમ, પરંપરાગત પૈચાશિક માન્યતા ધરાવતા લોકો અને ખ્રિસ્તી ધર્મ પાળતા લોકો વસે છે.
આ દેશના સુદાનીઝ આરબો એ હકીકતમાં બિન-આરબ મુસ્લિમધર્મી પ્રજા છે. આ સિવાય ઉ. સુદાનમાં કેટલાંક વિશિષ્ટ જાતિજૂથો દૃષ્ટિગોચર થાય છે. તે પૈકી રાતા સમુદ્રકાંઠાના ડુંગરોમાં વસતા બેજા એ હેમાઇટ જાતિજૂથના છે. નાઇલના ઉત્તર ભાગમાં વસતા ન્યુબિયન લોકો, મધ્યસ્થ વરસાદી ક્ષેત્રના આરબો તથા ન્યુબા પહાડોમાં વસતા ન્યુબા લોકોમાં નિગ્રો લોહીનું મિશ્રણ થયેલું છે. આરબોનું જાતિજૂથ મોટા કદનું છે અને તેઓ સેમિટિક જાતિલક્ષણો ધરાવે છે. રણ કે અર્ધરણપ્રદેશમાં ઊંટસંવર્ધન કરતા આરબો કબાબિશ (Kababish), જાલીન (Ja´aliin) અને કવાહલ (Kawahla) જેવી મુખ્ય કોમોમાં વહેંચાયેલા છે. આ ઉપરાંત બગ્ગારા માલધારીઓ પણ આ પ્રકારની કોમ છે પણ તેમના લોહીમાં નિગ્રોઇડ તત્વનું વિશેષ મિશ્રણ થયેલું છે.
સુદાનના ડુંગરાળ ક્ષેત્રોના ન્યુબા ખેડૂતો તેમજ દાર્ફુર ક્ષેત્રમાં વસવાટ કરતા ફુર (Fur) લોકો પણ નિગ્રોઇડ જાતિલક્ષણો ધરાવે છે. ઉત્તર સુદાનનાં ઘણાં જાતિજૂથોની ભાષાઓ પણ અલગ અલગ છે.
આશરે 12° ઉ. અક્ષાંશવૃત્તથી દક્ષિણમાં ભાષાકીય દૃષ્ટિએ જોતાં અહીંના લોકો મુખ્યત્વે ત્રણ જાતિજૂથોમાં વહેંચાયેલા છે : (1) વ્હાઇટ નાઇલના ઉપરવાસમાં વસવાટ કરતા નિલોટિઝ લોકોનું જાતિજૂથ દિન્કા, શિલ્લુક (Shilluk), નુએર, અનુક (Anuak), બુરુન (Burun) તથા અન્ય કોમોનું બનેલું છે. આ બધા વ્યવસાયે પશુપાલકો છે. (2) દૂર દક્ષિણમાં નિલો-હેમાઇટ (Nilo-Hemites) જાતિના લોકો રહે છે. (3) નાઇલથી પશ્ચિમ ભાગના સુદાનિક આદિમ જાતિના લોકો પશ્ચિમ આફ્રિકાના નિગ્રો લોકોને વધુ મળતા આવે છે. તે પૈકીની દક્ષિણ-પશ્ચિમની અઝાન્ડે અને મોરુ-માદી (MoruMadi) વગેરે કોમો મુખ્ય છે.
દક્ષિણની આદિવાસી કોમો માટીની ગોળાકાર દીવાલવાળાં અને શંકુ આકારની ઘાસની છતવાળાં મકાનો ધરાવતી ગ્રામ-વસાહતોમાં રહે છે.
સુદાનમાં ગ્રામવસ્તીનું પ્રમાણ લગભગ 65 % જેટલું, જ્યારે શહેરી વસ્તીનું પ્રમાણ 35 % જેટલું છે. બ્લૂ નાઇલ અને નાઇલ નદીના પિયત-વિસ્તારમાં આવેલા પ્રાંતોમાં ગીચ વસ્તી કેન્દ્રિત થયેલી છે; જ્યારે ઉત્તરમાં આવેલા શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશો, નાઇલથી પશ્ચિમનાં ક્ષેત્રો તેમજ દક્ષિણ સુદાનમાં વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું છે.
આજે આ દેશમાં 17 યુનિવર્સિટીઓ તેમજ બે ઇસ્લામિક યુનિવર્સિટીઓ આવેલી છે. આ ઉપરાંત તે વિજ્ઞાન અને તક્નીકીની એક યુનિવર્સિટી તેમજ બકિંગનું ઉચ્ચ શિક્ષણ (advance banking) આપતી એક સંસ્થા (Institute) પણ ધરાવે છે.
ખાર્ટૂમ સુદાનનું સૌથી મોટું શહેર અને પાટનગર છે. તે ત્રણ પેટાનગરોમાં વહેંચાયેલું છે; જે ખાર્ટૂમ, ઉત્તર ખાર્ટુમ અને ઓમ્ડરમાન નામે ઓળખાય છે. ખાર્ટૂમની સ્થાપના ઈ. સ. 1823માં ઇજિપ્તવાસીઓએ કરી હતી અને ઈ. સ. 1899માં કિચનરે તેનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. આજે તે સમગ્ર દેશનું અને બધા જ પ્રકારના પરિવહન-માર્ગોનું અતિ મહત્વનું કેન્દ્ર બની ચૂક્યું છે.
ખાર્ટૂમ યુનિવર્સિટી, ખાર્ટૂમ
બીજી અગત્યની શહેરી વસાહત પૉર્ટ સુદાન છે. આધુનિક સુવિધાઓને લીધે દેશનો લગભગ બધો જ વિદેશવ્યાપાર પૉર્ટ સુદાન મારફત ચાલે છે.
નીતિન કોઠારી
બિજલભાઈ શં. પરમાર