સુખવાદ (Hedonism) : એક મહત્ત્વનો મૂલ્યનિરૂપક નીતિશાસ્ત્ર(normative ethics)નો સિદ્ધાંત. પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રમાં મનુષ્યોનાં કાર્યોનું નૈતિક મૂલ્યાંકન કરવાના જે કેટલાક સિદ્ધાંતો છે તેમાંનો તે એક છે. પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રમાં પરિણામવાદી (consequentialist) અને અપરિણામવાદી (non-consequentialist) – એમ બે પ્રકારના નૈતિક સિદ્ધાંતો છે, તેમાં સુખવાદ એ પરિણામવાદી નૈતિક સિદ્ધાંત છે.
નૈતિક પરિણામવાદ પ્રમાણે માત્ર એવાં જ કાર્યો નૈતિક રીતે યોગ્ય (morally right) છે કે જેના સહુથી વધુ સારાં પરિણામો આવે (maximization of good consequences); તેથી વિરુદ્ધ, નૈતિક અપરિણામવાદ પ્રમાણે કેટલાંક કાર્યો તેમનાં સ્વરૂપથી જ યોગ્ય કે અયોગ્ય હોય છે. તેનાં પરિણામો ઉપર તેનું નૈતિક મૂલ્ય આધારિત હોતું નથી; દા.ત., વચન પાળવાનું કાર્ય પોતે જ મૂળભૂત રીતે યોગ્ય છે. તેની નૈતિક યોગ્યતા તેનાં પરિણામો જોઈને નક્કી કરવાની હોતી નથી. તેવી જ રીતે કોઈ નિર્દોષની હત્યા કરવાનું કાર્ય તે સ્વયમ્ નૈતિક રીતે અયોગ્ય છે. તેનાં પરિણામોનો વિચાર કરીને પછી તેનું નૈતિક મૂલ્ય સ્થાપવાનું હોતું નથી.
ઉપર દર્શાવેલા બે સિદ્ધાન્તોના સંદર્ભમાં સુખવાદ એ નૈતિક પરિણામવાદી સિદ્ધાન્ત છે અને નૈતિક અપરિણામવાદથી તે તદ્દન વિરોધી સિદ્ધાન્ત છે તેમ સમજવાનું છે.
સુખવાદ નૈતિક પરિણામવાદી સિદ્ધાન્ત છે કારણ કે મનુષ્યોનાં કાર્યોનું નૈતિક મૂલ્યાંકન કેવળ તેનાં પરિણામોથી જ થઈ શકે તેવું તેમાં માનવામાં આવે છે.
બેન્થમે 1789માં રજૂ કરેલા મત પ્રમાણે જો કોઈ કાર્યનાં પરિણામો ઉપયોગિતા (utility) ધરાવતાં હોય તો અને તો જ તે નૈતિક રીતે યોગ્ય ગણાય અને કોઈ કાર્યનાં પરિણામો સુખ કે આનંદ વધારે અથવા દુ:ખને ઘટાડે તો અને તો જ તેની ઉપયોગિતા સિદ્ધ થાય છે; તેથી બેન્થમનો સિદ્ધાંત પરિણામવાદી હોવા ઉપરાંત ઉપયોગિતાવાદી તેમજ સુખવાદી સિદ્ધાન્ત પણ છે. કાર્યોની યોગ્યતા કેવળ તેનાં સુખદાયક કે દુ:ખનિવારક પરિણામો ઉપર જ આધારિત છે તેવો મત એટલે સુખવાદી ઉપયોગિતાવાદ (helonistic utilitarianism). જોકે બધા ઉપયોગિતાવાદી સિદ્ધાંતો સુખવાદી હોતા નથી. કેટલાક અનેકતાવાદી (pluralistic) પરિણામવાદી સિદ્ધાંતો પ્રમાણે કાર્યોનાં પરિણામો અનેક પ્રકારનાં હોય છે; જેમ કે, જ્ઞાનમાં વૃદ્ધિ કે સદગુણનો વિકાસ વગેરે. તેમને આધારે કાર્યનું મૂલ્યાંકન થઈ શકે.
સુખવાદ એ ખૂબ જાણીતો નૈતિક સિદ્ધાંત છે. સિરેનિક્સ અને એપિક્યુરિયન્સ – એ પ્રાચીન સુખવાદીઓ હતા. મૂલ્યનિરૂપક નીતિશાસ્ત્ર માનવવર્તન માટેનો આદર્શ રજૂ કરતી વિવિધ વિચારધારાઓ રજૂ કરે છે; સુખવાદ તે પૈકીની એક છે. તે મુજબ, માનવીએ જીવન દરમિયાન સુખ મેળવવા જ પ્રયત્ન કરવો જોઈએ.
આ વિચારધારા અનેક સ્વરૂપમાં મળે છે. તેનું એક સ્વરૂપ મનોવૈજ્ઞાનિક સુખવાદ છે. તે મુજબ માણસ પોતાના જીવનમાં સુખપ્રાપ્તિ અને દુ:ખનિવારણ – એ બે સિવાય અન્ય કશું જ ઇચ્છતો નથી. બેન્થમ અને મિલ આ વિચારના સમર્થકો હતા.
જોકે, આ મત સ્વીકાર્ય તો બની જ ન શકે; કારણ કે આ કોઈ નૈતિક આદર્શ નથી; એ તો માનવવર્તન અંગેની હકીકતોનું નિરૂપણ જ છે. વળી, એવું પણ કહેવાય છે કે જો આ હકીકત ખરી હોય તો ‘માણસે આમ કરવું જોઈએ’ એવું કહેવાનો કોઈ અર્થ રહેતો નથી. વળી, હકીકત એ છે કે સુખ મેળવવું હોય તો સુખને ભૂલવું પડે. મનમાં સુખના વિચાર સાથે જ્યારે આપણે કંઈ પણ કરીએ છીએ ત્યારે તેમાં સુખ મળતું નથી. સુખનો વિચાર ભુલાઈ જાય એવી પરિસ્થિતિમાં જ સુખ મળતું હોય છે. આ દૃષ્ટિએ મનોવૈજ્ઞાનિક સુખવાદ યોગ્ય મત નથી.
નૈતિક સુખવાદ એ સુખને જીવનના ધ્યેય કે આદર્શ રૂપે સ્વીકારે છે. તેનાં બે સ્વરૂપો છે : (1) વૈયક્તિક, (2) સાર્વત્રિક. વૈયક્તિક નૈતિક સુખવાદ અયોગ્ય આદર્શ ગણવામાં આવ્યો છે; કારણ કે તે માણસને ‘સ્વાર્થી’ બનાવી દે છે. અહીં પશુતા અને મનુષ્યત્વમાં કોઈ ભેદ દેખાતો નથી.
સાર્વત્રિક સુખવાદ એના કરતાં વધારે વાજબી લાગતો વિચાર છે. આ વિચાર અનુસાર ‘અધિક લોકોનું અધિક સુખ’ – એ નૈતિક આદર્શ છે. આ વિચારને ઉપયોગિતાવાદ પણ કહેવામાં આવે છે. 19મી સદીમાં બ્રિટનમાં આ વિચાર ખૂબ જ પ્રચલિત બન્યો હતો. જે. એસ. મિલ આ વિચારનો પ્રવર્તક હતો; પરંતુ રળિયામણું લાગતું આ સૂત્ર અનેક દૃષ્ટિએ વાંધાજનક છે.
આ વિચાર સામે સૌપ્રથમ તો એવું કહેવાયું કે જ્યારે અધિક લોકોને સુખ આપવાનું હોય ત્યારે સુખની માત્રા ઘટે છે અને સુખની માત્રા અધિક રાખવાની હોય તો અધિકને બદલે ઓછા લોકોને સુખ આપવું પડે. એક કિલો મીઠાઈ પચાસ માણસને આપીએ તો બધાંને થોડી થોડી મળે; તેમાં બહુ મજા ન આવે. બહુ મજા કરાવવી હોય તો પાંચ જ માણસોને એક કિલો મીઠાઈ આપી દો ! આમ, આ સૂત્ર વિરોધાભાસી છે.
વળી, ઉપયોગિતાવાદ ‘સુખ’ની ગાણિતિક ઢબે વૃદ્ધિ કે ઘટાડાની વાત કરે છે તે તદ્દન અવાસ્તવિક છે. જેમ 5 + 3 = 8 કરવામાં પાંચના આંકડામાં ત્રણની વૃદ્ધિ કરાય છે એ રીતે સુખની માત્રામાં વધઘટને માપી શકાતી નથી.
આવી અનેક દલીલો ઉપયોગિતાવાદ સામે કરવામાં આવે છે જે આ વિચારને અયોગ્ય ઠરાવે છે.
આ બધી મર્યાદાઓ જોઈ સિજવિક સુખવાદમાં એક નવો પ્રકાર આપે છે જે બુદ્ધિમૂલક સુખવાદ કહેવાય છે.
નૈતિક આદર્શ તરીકે સુખના સિદ્ધાંતને સ્વીકારવામાં અનેક મુશ્કેલીઓ છે, જે નીચે પ્રમાણે વર્ણવી શકાય :
1. ‘સુખ’ શબ્દ ઘણો બહોળો વિસ્તાર ધરાવે છે. તેમાં કોઈ સારી વાનગી ખાવાથી મળતો આનંદ (pleasure) પણ સમાવેશ પામે અને કોઈ સુંદર સાહિત્યકૃતિ વાંચતાં મળતા સુખનો પણ સમાવેશ થાય. જીવન દરમિયાન નિમ્ન સુખ અને ઉચ્ચતર સુખ એવા વિભાગો પાડવામાં આવે છે. આ જ દર્શાવે છે કે સુખ સિવાયની કોઈ વસ્તુ જ નિર્ણાયક છે; કેવળ સુખ નહિ.
2. વાસ્તવમાં માણસની ઇચ્છા કોઈક વસ્તુ કે પદાર્થની હોય છે જે સુખ આપે છે. સુખ કરતાં પણ સુખ આપનારી વસ્તુ મહત્ત્વની છે. જો કદાચ વસ્તુ ન મળે તો સુખ પણ ન મળે. આમ, સુખ વસ્તુઓ પર આધારિત છે.
એક સુગ્રથિત વિચારધારા તરીકે સુખવાદનો નૈતિક આદર્શ અપૂર્ણ અને અયોગ્ય ગણવામાં આવ્યો છે.
કિશોર સ. દવે