અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન American Library Association (ALA)
January, 2001
અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન American Library Association (ALA) : અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન એ સમગ્ર વિશ્વના ગ્રંથાલય-જગતને નેતૃત્વ પૂરું પાડતું સૌથી જૂનું ઍસોસિયેશન છે. તેની સ્થાપના 6 ઑક્ટોબર, 1876ના રોજ ફિલાડેલ્ફિયામાં થઈ હતી. આ ઍસોસિયેશનની સ્થાપનામાં જસ્ટિન વિન્સર, ચાર્લ્સ એમી કટર, મેલ્વિલ ડ્યૂઈ, વિલિયમ ફ્રેડરિક પુલે વગેરેનો મહત્વનો ફાળો છે. આ ઍસોસિયેશનનો મૂળભૂત હેતુ ગ્રંથાલય, ગ્રંથાલય વ્યવસાય, ગ્રંથાલય અને માહિતીસેવાઓ તેમજ ગ્રંથાલયશિક્ષણનો વિકાસ કરવાનો, ઉત્તેજન આપવાનો તેમજ સતત સુધારા સૂચવવાનો છે. ઓછામાં ઓછા ખર્ચે વાચકોને સમગ્ર વિશ્વની માહિતી સરળતાથી વિના વિલંબે પ્રાપ્ત થાય એ માટે આ ઍસોસિયેશન સતત પ્રયત્નશીલ છે.
આ ઍસોસિયેશન દરેક પ્રકારનાં ગ્રંથાલયો – શૈક્ષણિક, સાર્વજનિક, સંશોધન કે વિશિષ્ટ ગ્રંથાલયોના વ્યાવસાયિકોને ગ્રંથાલય અને માહિતીસેવાઓ અંગેની તાલીમ આપવાનું કાર્ય કરે છે. આધુનિક ટૅકનિક્સથી તેમને સુસજ્જ કરીને અદ્યતન માહિતી વાચકોને અત્યંત ઝડપથી પ્રાપ્ત થાય એ માટે તૈયાર કરે છે.
એએલએનું કાર્યક્ષેત્ર વ્યાપક અને વૈવિધ્યસભર છે. આથી સંચાલનની સરળતા માટે ગ્રંથાલયના પ્રકાર અને કાર્યોને આધારે ઍસોસિયેશનને જુદા જુદા એકમોમાં વિભાજિત કરવામાં આવેલ છે. તેના જુદા જુદા અગિયાર એકમો આ પ્રમાણે છે :
- અમેરિકન ઍસોસિયેશન ઑવ્ સ્કૂલ લાઇબ્રેરિયન્સ
- ઍસોસિયેશન ફૉર લાઇબ્રેરી કલેક્શન અને ટૅકનિકલ સર્વિસીઝ
- ઍસોસિયેશન ફૉર લાઇબ્રેરી સર્વિસીઝ ટુ ચિલ્ડ્રન્સ
- ઍસોસિયેશન ઑવ્ કૉલેજ ઍન્ડ રિસર્ચ લાઇબ્રેરીઝ
- ઍસોસિયેશન ઑવ્ સ્પેશિયલાઇઝ્ડ ઍન્ડ કો-ઑપરેટિવ એજન્સીઝ
- લાઇબ્રેરી ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી ઍસોસિયેશન
- લાઇબ્રેરી લીડરશિપ ઍન્ડ યુઝર્સ સર્વિસીઝ ઍસોસિયેશન
- પબ્લિક લાઇબ્રેરી ઍસોસિયેશન
- રેફરન્સ ઍન્ડ યુઝર્સ સર્વિસીઝ ઍસોસિયેશન
- યુનાઇટેડ ફૉર લાઇબ્રેરીઝ
- યંગ એડલ્ટ લાઇબ્રેરી સર્વિસીઝ ઍસોસિયેશન
ઉપરોક્ત એકમોમાં સંચાલનની સરળતા માટે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઑફિસર્સ અને બજેટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશનના સભ્ય બન્યા પછી ઉપર દર્શાવેલા જુદા જુદા એકમોમાંથી એક કરતાં વધારે એકમોમાં સભ્ય બની શકાય છે. એએલએની કાર્યપ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપતાં અનેક ડૉક્યુમેન્ટ ઉપલબ્ધ છે. 1879માં તેનો અધિકૃત ખતપત્ર તૈયાર કરવામાં આવેલો. 1942માં તેનું પુનઃ સંસ્કરણ થયેલું. એ પછી અત્યાર સુધીમાં સમયની જરૂરિયાત મુજબ અનેક સુધારા થયેલા છે. વ્યાપક કાર્યક્ષેત્ર ધરાવતા આ ઍસોસિયેશને આઠ મહત્વના મુદ્દાઓ વિશે મહત્વનું કાર્ય કર્યું છે; ગ્રંથાલયો અને ગ્રંથાલય વ્યવસાયની તરફદારી, વિવિધતા, શિક્ષણ અને આજીવન તાલીમ, માહિતી અને ગ્રંથાલયસેવાઓની સમાન ધોરણે પ્રાપ્તિ, બૌદ્ધિક સ્વાતંત્ર્ય, સાક્ષરતા, માહિતી ટૅકનૉલૉજીની પૉલિસી, શ્રેષ્ઠ સંચાલન અને ગ્રંથાલયોનું ડિજિટલ ગ્રંથાલયમાં રૂપાંતર વગેરે. આ ઉપરાંત એએલએ રાઉન્ડ ટેબલ દ્વારા નિષ્ણાતો સાથે સમસ્યાઓ અને નવા વિચારોની ચર્ચા માટે નેટવર્કથી જોડાઈ શકાય છે. એએલએ અને તેના એકમો દ્વારા અનેક માર્ગદર્શિકાઓ પ્રકાશિત થયેલી છે. જેમ કે, એએલએ સ્ટાન્ડર્ડ્ઝ ઍન્ડ ગાઇડલાઇન્સ, એએલએ સ્ટાર્ન્ડ્ઝ મેન્યુઅલ વગેરે. આ ઉપરાંત હૅન્ડબુક, ઇયરબુક, બુલેટિન, મોનોગ્રાફ્સ, પ્રોજક્ટસ, રિપોર્ટ્સ, કોડ્સ વગેરે પ્રકાશિત થાય છે.
આ ઍસોસિયેશન ઉત્કૃષ્ટ કામગીરી માટે વ્યાવસાયિકોને જુદા જુદા ઍવૉર્ડ્ઝથી નવાજે છે. આ ઍસોસિયેશનનું હેડક્વાર્ટર શિકાગો, ઇલિનોઇઝ, યુ.એસ.એ.માં આવેલું છે.
ઊર્મિલા ઠાકર