સિંહાસન (ચલચિત્ર) : નિર્માણ-વર્ષ : 1980. ભાષા : મરાઠી. શ્ર્વેત અને શ્યામ. દિગ્દર્શક : જબ્બાર પટેલ. કથા : અરુણ સાધુની નવલકથા પર આધારિત. પટકથા : વિજય તેન્ડુલકર. છબિકલા : સૂર્યકાન્ત લવંડે. સંગીત : હૃદયનાથ મંગેશકર. મુખ્ય કલાકારો : સતીશ દુભાષી, નીલુ ફૂળે, અરુણ સરનાઇક, શ્રીરામ લાગુ, મોહન આગાશે, નાના પાટેકર.
ભારતમાં જે કેટલાંક અતિ નોંધપાત્ર રાજકીય કથાવસ્તુ ધરાવતાં ચિત્રો નિર્માણ પામ્યાં છે તેમાં ‘સિંહાસન’નો સમાવેશ થાય છે. ખુરશી મેળવવા માટે થઈને વિશ્વાસુ સાથીઓ વચ્ચે પણ એકબીજાને પછાડવા કેવી મેલી રમતો રમાય છે અને મુખ્યમંત્રી જેવી ઉચ્ચ સત્તાસ્થાને બેઠેલી વ્યક્તિ માત્ર પોતાની સત્તા ટકાવી રાખવા કેવાં કેવાં તત્વો સાથે સંબંધો રાખતી હોય છે અને તેને પોતાના નિર્ણયોમાં કેવાં કેવાં સમાધાનો કરવાં પડતાં હોય છે એ દિગ્દર્શક જબ્બાર પટેલે આ ચિત્રમાં ખૂબ અસરકારક રીતે નિરૂપ્યું છે. સાતમા દાયકાના સમયગાળામાં મહારાષ્ટ્રના રાજકારણમાં આકાર લેતી આ કથા મુખ્યમંત્રી પોતાની ખુરશી બચાવી રાખવા સામ-દામ-ભેદ-દંડ વડે જે તમામ પ્રકારના પ્રયાસો કરે છે અને અંધારી આલમના તથા ટ્રેડ યુનિયનો સાથેના તેમના સંબંધોનો જે રીતે ઉપયોગ કરે છે તેના સાક્ષી બની રહેલા એક પત્રકાર દિગુ ટિપણીસની આંખે દર્શાવાઈ છે. ચિત્રમાં અંતે સત્તાપલટો થાય છે, પણ પત્રકારને માનસિક રીતે વિક્ષિપ્ત થઈ જતો દર્શાવાયો છે.
હરસુખ થાનકી