સિંહા સત્યેન્દ્ર પ્રસન્ન (લૉર્ડ)

January, 2008

સિંહા, સત્યેન્દ્ર પ્રસન્ન (લૉર્ડ) (. 28 માર્ચ 1863, રાયપુર, જિ. બિરભૂમ; . 5 માર્ચ 1928, બરહામપોર) : કૉંગ્રેસના પ્રમુખ, બિહાર અને ઓરિસા પ્રાંતના ગવર્નર, હાઉસ ઑવ્ લૉર્ડઝના સભ્ય, અન્ડર સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા. સત્યેન્દ્ર પ્રસન્નનો જન્મ સમૃદ્ધ કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સિથિકાન્ત અને માતાનું નામ મનમોહિનીદેવી હતું. તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં મુનસફ હતા અને બઢતી મેળવીને સદર અમીન બન્યા હતા. સત્યેન્દ્રે 14 વર્ષની વયે એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી. 1879માં પ્રેસિડેન્સી કૉલેજ, કોલકાતામાંથી ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કરીને ડિગ્રી લીધા વિના 1881માં ઇંગ્લૅન્ડ વધુ અભ્યાસાર્થે ગયા. 1886માં લિંકન્સ ઇનમાંથી બૅરિસ્ટર થઈ, કોલકાતા પાછા ફરી ત્યાંની સિટી કૉલેજમાં થોડો સમય કાયદાના વ્યાખ્યાતા રહ્યા બાદ વકીલાત શરૂ કરી. 1903માં ભારતની બ્રિટિશ સરકારના સ્ટૅન્ડિંગ કાઉન્સેલ બન્યા. 1905માં બંગાળના ઍડ્વોકેટ-જનરલ બનનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ગવર્નર-જનરલની કારોબારી સમિતિમાં 1909માં તેઓ નિમાયા. આ હોદ્દો મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. અખબારોના ખરડા વિશે સરકાર સાથે મતભેદ હોવાથી તેમણે રાજીનામું આપ્યું; પરંતુ તેમને વિનંતી કરવાથી પાછું ખેંચી લીધું. 1910માં તેમણે ફરી વકીલાત શરૂ કરી.

તેમનું મિત્રવર્તુળ વિશાળ હતું. તેમાં જેમ્સ બ્રાઇસ, ફ્રેડરિક હેરિસન, એની બેસન્ટ, વિલિયમ વેડરબર્ન અને રવીન્દ્રનાથ ટાગોરનો સમાવેશ થતો હતો. તે સમયના જાહેર જીવનના સૌ નામાંકિત સજ્જનો સાથે તેમને પરિચય હતો.

સત્યેન્દ્ર પ્રસન્ન સિંહા (લૉર્ડ)

સત્યેન્દ્ર ઉદારમતવાદી હતા. ટાગોર પરિવારના પ્રભાવથી તેઓ બ્રહ્મોસમાજના સમર્થક બન્યા હતા. તેમની દીકરીઓ બ્રહ્મો-કુટુંબોમાં પરણાવી હતી અને સત્યેન્દ્રના અવસાન પછીની અંતિમવિધિ બ્રહ્મોવિધિ મુજબ કરવામાં આવી હતી. તેઓ જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતાના વિરોધી હતા તથા મહિલાઓની મુક્તિની તરફેણમાં હતા.

સત્યેન્દ્ર ફરજિયાત પ્રાથમિક શિક્ષણ તથા ટૅક્નિકલ શિક્ષણ આપવાના અને ખેતીનો વૈજ્ઞાનિક વિકાસ કરવાના હિમાયતી હતા.

રાજકારણમાં તેઓ મવાળવાદી (નરમ વલણના) તથા બંધારણીય પદ્ધતિમાં માનનાર હતા. તેમના માનવા પ્રમાણે ભારતનો રાજકીય ઉદ્દેશ ક્રમશ: વિકાસ દ્વારા સામ્રાજ્યમાં રહીને સ્વાયત્તતાનો હતો. સર્વોપરી સત્તા તરીકે અંગ્રેજો વિના ભારતનો રાજ્યઅમલ ચલાવવાનું તેઓ વિચારી શકતા ન હતા. તેમને બ્રિટિશ લોકોમાં ઘણો વિશ્વાસ હતો. તેઓ માનતા હતા કે અંગ્રેજોએ ભારતમાં ‘શાંતિ, સલામતી, નિષ્પક્ષ વહીવટ અને સ્થિર સરકાર’ સ્થાપી છે. તેઓ માનતા હતા કે ભારતીયોને પોતાના દેશનો વહીવટ કરવાનો અધિકાર છે.

સત્યેન્દ્ર 1896થી 1919 સુધી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સક્રિય સભ્ય હતા. 1919માં અન્ય મવાળવાદીઓ સાથે તેમણે કૉંગ્રેસ છોડી હતી. 1896માં કોલકાતામાં મળેલી કૉંગ્રેસની બેઠકમાં તેમણે એક દરખાસ્ત મૂકી હતી કે ટ્રિબ્યૂનલમાં કેસ ચલાવ્યા વિના કોઈ પણ દેશી રાજ્યના રાજાને પદભ્રષ્ટ કરવો નહિ. બંગાળના વિભાજન વિરુદ્ધની ચળવળ દરમિયાન તેમણે સરકારની નીતિની ટીકા કરી હતી. ઈ. સ. 1915માં તેઓ કૉંગ્રેસના મુંબઈમાં મળેલા અધિવેશનના પ્રમુખ ચૂંટાયા હતા. પ્રમુખ તરીકેના ભાષણમાં તેમણે ભારત તરફની બ્રિટિશ નીતિ વિશે બ્રિટિશ સરકાર આધારભૂત નિવેદન કરે એવી માગણી કરી. તેમના સંબોધનમાં સત્યેન્દ્રે ભારતીયોને લશ્કરી તાલીમ આપવા અને તેમને માટે કમિશન્ડ હોદ્દા ખુલ્લા મૂકવા વિનંતી કરી હતી. તેમના પ્રવચનની અસરથી સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા એડવિન મૉન્ટેગ્યુએ 20 ઑગસ્ટ, 1917ના રોજ ઐતિહાસિક જાહેરાત કરી.

સત્યેન્દ્ર 1917માં બંગાળની કારોબારી સમિતિના સભ્ય થયા અને એ જ વર્ષે ઇમ્પીરિયલ વૉર કૉન્ફરન્સમાં સેક્રેટરી ઑવ્ સ્ટેટ(હિંદી વજીર)ને મદદ કરવા, ભારતીય પ્રતિનિધિ તરીકે ઇંગ્લૅન્ડ ગયા. તેઓ 1918માં તેના એક સભ્ય બન્યા. 1919માં તેમને ‘બેરન સિંહા ઑવ્ રાયપુર’ તરીકે ઉમરાવપદથી નવાજવામાં આવ્યા; અને હાઉસ ઑવ્ લૉડર્ઝ (ઉમરાવ સભા) મારફતે ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ (1919) રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી. એ જ વર્ષે તેમને અન્ડર સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયાના હોદ્દા પર નીમવામાં આવ્યા. આ બંને હોદ્દા પર નિમણૂક પામનાર તેઓ પ્રથમ અને એકમાત્ર ભારતીય હતા. બિહાર અને ઓરિસા પ્રાંતના ગવર્નર તરીકેનો હવાલો સંભાળવા 1920માં તેઓ ભારત પાછા ફર્યા. આ હોદ્દા પર થોડો સમય રહ્યા બાદ 1921માં તબિયતના કારણે તેમણે નિવૃત્ત થવું પડ્યું.

‘બંગાલી’ અખબારના સંપાદકમંડળ સાથે 1925-26 દરમિયાન તેઓ સંકળાયેલા હતા અને ભારત તથા ઇંગ્લૅન્ડ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોની આવશ્યકતા સમજાવતા અને પોતાના દેશવાસીઓને ધીરજ, સૌમ્યતા અને સદભાવ દાખવવાની હિમાયત કરતા લેખો તેમાં લખતા હતા. દેશભરમાં બધા પક્ષોએ વિરોધ કરવા છતાં તેમણે સાયમન કમિશનને આવકાર આપ્યો હતો.

સત્યેન્દ્ર પ્રસન્નને ઘણા માનચાંદ મળ્યા હતા. તેમને 1914માં ‘સર’નો ખિતાબ મળ્યો હતો. 1919માં તેમને ‘ફ્રીડમ ઑવ્ ધ સિટી ઑવ્ લંડન’નો ઇલકાબ મળ્યો હતો. એ જ વર્ષે તેઓ પ્રિવી કાઉન્સિલના સભ્ય બન્યા. 1926માં તેમને કે.સી.એસ.આઇ. (નાઇટ કમાન્ડર સ્ટાર ઑવ્ ઇન્ડિયા) અને બેન્ચર ઑવ્ લિન્ક્ધસ ઇનના ખિતાબોથી નવાજવામાં આવ્યા અને પ્રિવી કાઉન્સિલની ન્યાયવિષયક સમિતિમાં નીમવામાં આવ્યા.

સત્યેન્દ્રનાં લગ્ન મહાતાના જમીનદાર કૃષ્ણચન્દ્ર મિત્રની દીકરી ગોવિંદમોહિની સાથે થયાં હતાં. તેમને ચાર પુત્ર અને ત્રણ પુત્રીઓ હતી. સત્યેન્દ્રમાં પૂર્વ અને પશ્ચિમની સભ્યતાનો સુભગ સમન્વય થયો હતો.

જયકુમાર ર. શુક્લ