કોશ(-સ)લ : કોશલ કે કોસલ જાતિના લોકોના વસવાટનો પ્રદેશ. ‘કોસલ’ અને ‘વિદેહ’ એ નજીક નજીકના દેશ હતા; એ બંને વચ્ચેની સીમાએ ‘સદાનીરા’ નદી આવી હતી. શતપથ બ્રાહ્મણ કોસલના 52 આટ્ણાર હૈરણ્યનાભ નામના રાજાનો નિર્દેશ થયેલો છે. આ કોસલોનો પ્રદેશ તે ‘કોસલ’ કે ‘કોશલ’. વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં ઉત્તર કોસલ અને દક્ષિણ કોસલ એવો ભેદ જોવા મળતો નથી. તે ભેદ પાંડવોના સમયમાં હતો. આ પ્રદેશ ગંગાના ઈશાન કોણમાં આવેલો હતો – ઇન્દ્રપ્રસ્થની પૂર્વનો અને દક્ષિણનો. આમાંના પૂર્વ કોસલના વળી બે ભાગ હતા, જે ‘ઐશાન્ય’ અને ‘આગ્નેય’ તરીકે ખ્યાત હતા. કોસલ દેશના રાજા ભાનુમાનની કુંવરી તે કૌસ(-શ)લ્યા. તે સૂર્યવંશી રાજા દશરથની પટરાણી અને રામની માતા હતી.
કે. કા. શાસ્ત્રી