સિંગીરેડ્ડી નારાયણ રેડ્ડી

January, 2008

સિંગીરેડ્ડી, નારાયણ રેડ્ડી, ડૉ. (. 29 જુલાઈ 1931, હનુમાનજીપેટ, જિ. કરીમનગર, આંધ્રપ્રદેશ) : ખ્યાતનામ તેલુગુ કવિ. તેમના પિતાનું નામ મલ્લા રેડ્ડી, માતાનું નામ બચમ્મા. તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. તેઓ આંધ્રપ્રદેશ ઓપન યુનિવર્સિટીના કુલપતિ પણ રહેલા. આંધ્રપ્રદેશ રાજભાષા સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે કામગીરી કરી છે. ઓસ્માનિયા યુનિવર્સિટીમાં તેલુગુના પ્રાધ્યાપક રહેલા. આંધ્ર યુનિવર્સિટી તરફથી તેમને માનાર્હ ડી.લિટ્.ની પદવી આપવામાં આવી છે. 1997માં તેઓ ભારતીય સંસદની ઉપલી સભામાં પદનામિત કરાયા હતા.

તેમણે મધ્યયુગની ઉર્દૂ કાવ્યપરંપરા અને ખાસ કરીને ગઝલરચનામાં ખૂબ ઊંડો રસ દાખવ્યો છે. તેઓ તેલુગુ અને ઉર્દૂ ભાષાના વિદ્વાન હોઈ તેમની તેલુગુ કવિતામાં ઉર્દૂ કવિતાનો અધિક પ્રભાવ જોવા મળે છે.

ડૉ. નારાયણ રેડ્ડી સિંગીરેડ્ડી

તેમણે 40થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમના કાવ્યસંગ્રહોમાં ‘વિશ્ર્વંભર’ ઉલ્લેખનીય છે. તે અન્ય ત્રણ ભાષાઓમાં અનૂદિત કરાયો છે. તેમનાં કાવ્યો તાજગીભર્યાં છે અને તેમની શૈલી પણ મધુર છે. તેમની કવિતામાં સમુચિત પ્રાસ અને અલંકારો યોજાયેલા જોવા મળે છે. તેમની કવિતાને કાળનું કોઈ બંધન નથી. માનવતાવાદ અને લોકોની સુખાકારીનાં સાર્વત્રિક મૂલ્યોને તેમની કવિતા સમર્થિત કરે છે.

તેલુગુ ફિલ્મો માટે તેમણે હજારો ગીતો લખ્યાં છે. તેમને રાજ્યકક્ષાએ અનેક ઍવૉર્ડ આપવામાં આવ્યા છે. 1977માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કર્યો હતો. 1978માં આંધ્ર યુનિવર્સિટી-(વૉલ્તેર)એ ‘કલાપ્રપૂર્ણ’ ખિતાબથી તેમને સન્માન્યા હતા. 1982માં તેમને સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ; 1988માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ અને 1992માં ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ અને છેલ્લામાં છેલ્લા કાવ્યસંગ્રહ માટે કુમારન આસાન અને ભીલવાડા ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા