સિંગારમંજરી : વિશ્વેશ્વરે પ્રાકૃતમાં કરેલી નાટ્યરચના. પ્રાકૃતમાં રચાયેલ પાંચ સટ્ટકોમાંનું એક. પ્રથમ મુંબઈની કાવ્યમાલા ગ્રંથશ્રેણીના 8મા ભાગમાં પ્રકાશિત. તે પછી 1978માં ઇંદોરના પ્રા. બાબુલાલ શુક્લ શાસ્ત્રીએ સંસ્કૃત છાયા, પ્રસ્તાવના, હિન્દી વ્યાખ્યા, પરિશિષ્ટ આદિ સાથે સંપાદિત કરેલ આવૃત્તિ વારાણસીથી વિશ્વવિદ્યાલય પ્રકાશન રૂપે પ્રગટ થઈ છે. બાબુલાલની આ હિન્દી વ્યાખ્યા-અનુવાદ-નું નામ ‘સુરભિ’ છે.

આ સટ્ટકના રચયિતા વિશ્વેશ્વર પાંડેય અલમોડાનિવાસી લક્ષ્મીધરના પુત્ર તેમજ શિષ્ય હતા. તેમનો સમય 18મા શતકનો પૂર્વાર્ધ ગણાય છે. ‘શૃંગારમંજરી’નું ઉદ્ધરણ ‘અલંકારકૌસ્તુભ’માં મળતું હોવાથી તેની પહેલાં તે રચાયું હોય. વિશ્વેશ્વરે અલ્પવયમાં જ અનેક ગ્રંથો રચેલા, જેમાં નાટિકા ‘નવમાલિકા’ તથા સટ્ટક ‘શૃંગારમંજરી’ મુખ્ય છે. વ્યાકરણ, અલંકાર, ન્યાય, કાવ્ય આદિ વિવિધ ક્ષેત્રોમાં ગ્રંથરચના તેમની પ્રતિભાની દ્યોતક છે.

ડૉ. એ. એન. ઉપાધ્યેને આ સટ્ટકની કેટલીક હસ્તપ્રતો મળેલી, જેને આધારે તેમણે પોતાની ‘ચંદ્રલેહા’ની વિદ્વત્તાપૂર્ણ ભૂમિકામાં આનું કથાનક આપ્યું છે.

રાજશેખરની ‘કર્પૂરમંજરી’ અને આ ‘શૃંગારમંજરી’માંનાં વર્ણનો આદિમાં ઘણું સામ્ય છે. એ બંનેએ ભાસની ‘વાસવદત્તા’, કાલિદાસનું ‘માલવિકાગ્નિમિત્ર’ તથા હર્ષની ‘રત્નાવલિ’ અને ‘પ્રિયદર્શિકા’નું અનુકરણ કર્યું છે.

ચાર યવનિકાન્તર ધરાવતું આ સટ્ટક પૂર્ણલક્ષણ સટ્ટક છે. મહારાણી રૂપરેખાની દાસી શૃંગારમંજરી અને મહારાજા રાજશેખરની પ્રણયકથા એમાં ગૂંથેલી છે. બંને ફલનાં ભોક્તા છે. બીજ, બિન્દુ, પતાકા આદિ અર્થપ્રકૃતિઓનો નિર્વાહ સારી રીતે થઈ શક્યો છે.

સ્ત્રીઓના ગદ્યસંવાદ શૌરસેની પ્રાકૃતમાં છે અને પદ્યો મહારાષ્ટ્રી પ્રાકૃતમાં છે. શૃંગાર અને અદભુત રસ સરસ રીતે વિકસ્યા છે. આ રચનામાં કવિની મૌલિક પ્રતિભાનાં દર્શન થાય છે. તેમની ભાષાશૈલી પ્રસાદગુણસમ્પન્ન છે.

વારાણસીની આવૃત્તિમાં છેલ્લે પ્રાકૃત શબ્દોની સૂચિ અર્થ સાથે આપી છે.

જયન્ત પ્રે. ઠાકર