શ્વાસકાસચિંતામણિરસ : આયુર્વેદિક ઔષધ. નિર્માણવિધિ : શુદ્ધ પારદ 1 ભાગ, સુવર્ણમાક્ષિક 1 ભાગ, સુવર્ણભસ્મ 1 ભાગ, મોતીભસ્મ ભાગ, શુદ્ધ ગંધક 2 ભાગ, અભ્રકભસ્મ 2 ભાગ અને લોહભસ્મ 4 ભાગ લેવામાં આવે છે.
ભાવના : ભોરિંગણીનો સ્વરસ, બકરીનું દૂધ, યદૃષ્ટિ મધુનો ક્વાથ અને નાગરવેલનાં પાનના રસની વારાફરતી 77 ભાવનાઓ દેવાય છે.
પ્રથમ પારા-ગંધકની ખરલમાં કજ્જલી બનાવાય છે. પછી તેમાં બાકીનાં દ્રવ્યોનું મિશ્રણ કરી ઉપર બતાવેલાં દ્રવ્યોના સ્વરસની સાત-સાત ભાવના આપવામાં આવે છે. પછીથી તેની 2 રતીની ગોળીઓ બનાવવામાં આવે છે.
અનુપાન : ચોસઠી લીંડીપીપરનું ચૂર્ણ અને મધ ગરમ પાણી અથવા નાગરવેલના પાન કે આદુંના રસ તથા મધ સાથે આ દવા અપાય છે.
ઉપયોગ : જૂના શ્વાસ-દમ, ખાંસી તથા હેડકીના દર્દની આયુર્વેદની આ એક ખૂબ કીમતી અને પ્રભાવશાળી લાભપ્રદ ઔષધિ છે.
આ ઔષધિ સમશીતોષ્ણ, રક્તપૌદૃષ્ટિક, ફેફસાંની શક્તિ વધારનારી, હૃદ્ય અને કફનો સ્રાવ કરનારી છે. આ દવા શ્વાસના તીવ્ર હુમલાના સમયે નહિ પણ હુમલો શમી ગયા પછી શાંતિના સમયે લેવાય છે. આ ઔષધિ હૃદયવિકૃતિ થવાથી, ફેફસામાં કફ ચોંટી જવાથી, અજીર્ણ દોષથી, પિત્તદોષના પ્રકોપથી, ધૂમ્રપાન કરવાથી, વૃદ્ધાવસ્થાથી અને વંશપરંપરાગત દોષથી થતા શ્વાસમાં ઉત્તમ લાભ કરે છે. ખાસ કરી કોમળ કે પિત્તની પ્રકૃતિવાળા લોકોને થતા શ્વાસમાં તે વધુ લાભ કરે છે. પિત્તદોષની પ્રધાનતામાં આ દવા અન્ય શીતળ અનુપાન સાથે લેવી વધુ લાભપ્રદ બને છે.
જયેશ અગ્નિહોત્રી
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા