શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ)

January, 2006

શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ) : નિર્માણવિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, ટંકણખાર અને મન:શિલ 10-10 ગ્રામ, કાળાં મરી 80 ગ્રામ લેવામાં આવે છે. પ્રથમ ખરલમાં પારો અને ગંધક એકત્ર કરી ઘૂંટીને તેની કજ્જલી બનાવી લેવાય છે. પછી તેમાં વછનાગ, ટંકણખાર અને મરી વારાફરતી મેળવતાં જઈ ઘૂંટવામાં આવે છે. પછી તેમાં સૂંઠ, મરી અને લીંડીપીપરનું ચૂર્ણ 10-10 ગ્રામ મેળવી, બધી દવા સારી રીતે ઘૂંટીને ચૂર્ણ રૂપે શીશીમાં ભરી લેવાય છે. અથવા આ ચૂર્ણમાં નાગરવેલનાં પાનનો રસ નાખી, ખરલ કરી તેની 2-2 રતીની ગોળીઓ વાળી લેવામાં આવે છે.

માત્રા : દર્દીની વય અને દર્દના જોર મુજબ 1થી 2 રતી કે ગોળી વાટીને મધ અથવા નાગરવેલના પાનમાં કે આદુંના રસ તથા મધ સાથે અથવા બેઠી ભોરિંગણીના ઉકાળા સાથે આપવામાં આવે છે.

લાભઉપયોગ : આ રસ-ઔષધિ ખાસ કરી વાયુ અને કફપ્રધાન રોગોમાં ઉપયોગી છે; જેમ કે કફ, શરદી, સળેખમ, ખાંસી અને દમ-શ્વાસ, મંદાગ્નિ રોગમાં વૈદ્યોનું તે માનીતું ઔષધ છે. આ ઔષધિ સન્નિપાત, મૂર્ચ્છા, અપસ્માર (વાઈ), બેશુદ્ધિ જેવાં દર્દોમાં નાકમાં પ્રધમન નસ્ય રૂપે ફૂંકવાથી દર્દી થોડી જ વારમાં શુદ્ધિમાં આવી જાય છે. આ ઉપરાંત આ દવાના નસ્યથી હેડકી બેસી જાય છે. અનુભવી વૈદ્યો સૂર્યાવર્ત, આધાશીશી અને કફ કે વાયુ દોષથી થયેલ અસહ્ય મસ્તકશૂળ, સળેખમ, ક્ષય (ટી.બી.) રોગ, હૃદયરોગ, ઉર:શૂળ, ભયંકર સ્વરભેદ (અવાજ બેસી જવો) વગેરે રોગોમાં યોગ્ય અનુપાન સાથે આ દવા આપીને તે રોગો મટાડે છે.

આ ઔષધિ હૃદયરોગ અથવા આખા શરીરે આવેલા સોજાના રોગથી પેદા થયેલ શ્વાસ સિવાયના (વાત-કફજ ફેફસાંના) શ્વાસમાં અવદૃશ્ય લાભ કરે છે. તે માટે આ દવા સિતોપલાદિ ચૂર્ણ સાથે પ્રાય: અપાય છે. ઘડપણ કે યુવાનીમાં થતી ખાંસી અને તેની સાથેના શ્વાસમાં આ દવા ફાયદો કરે છે; જ્યારે શ્વાસના હુમલાથી દર્દીને ચક્કર આવે, કફ છૂટો ન પડતાં ગભરામણ અનુભવે, ખાંસી અને શ્વાસની તકલીફ હેરાન કરે, રોગી પથારીમાં સૂઈ ન શકે, મોં સુકાય, અવાજ બેસી જાય, કપાળ અને પીઠ-છાતી પર પરસેવો વધુ થાય – તે તમામ સ્થિતિમાં આ ઔષધિ બતાવેલ અનુપાન સાથે લેવાથી અવદૃશ્ય આરામ થાય છે. ખાસ કરી આકાશમાં વાદળાં, વરસાદ, ઠંડો કે ભીનો પવન કે ઠંડી ચીજોના સ્પર્શથી કે શીતજળ પીવાથી થતા શ્વાસરોગમાં આ દવા અકસીર ગણાય છે. આ દવા પિત્તજન્ય (ગરમીથી થતા) શ્વાસ-ખાંસીમાં વપરાતી નથી અથવા આપવી હોય તો તે દવામાં પ્રવાલપિદૃષ્ટિ અને ગળોસત્વ ઉમેરીને દાડિમાવલેહ સાથે કે સાકરવાળા દૂધ કે ઘી સાથે અપાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા