શ્વાનમુખી : દ્વિદળી વર્ગમાં આવેલ સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Antirrhinum majus Linn. (ગુ. શ્વાનમુખી, અં. સ્નેપડ્રૅગન) છે. રાતો આગિયો, કલ્હાર, રસીલી, કડુ વગેરે તેના સહસભ્યો છે. ઍન્ટિર્હિનમ પ્રજાતિ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધમાં તેમજ મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં પુષ્કળ પ્રમાણમાં થયેલું છે. ભારતમાં તેની બે જાતિઓ થાય છે. તે પૈકી શ્વાનમુખી વિદેશી જાતિ છે અને ભારતીય ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.
શ્વાનમુખી ટટ્ટાર, સરળ અથવા શાખિત, 1.8 મી. સુધીની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને મેદાનો તેમજ ટેકરીઓ ઉપર થાય છે. પર્ણો અંડાકાર-ઉપવલયી(ovate-elliptic)થી માંડી લંબચોરસ હોય છે. પુષ્પો સફેદ, લાલ, લાલ-જાંબલી (magenta), સિંદૂરી (scarlet), કિરમજી (crimson), નીલસિંદૂરી (mauve), જરદાળુ (apricot), ગુલાબી, નારંગી, પીળાં કે જાંબલી અથવા બહુવર્ણી (variegated) હોય છે અને અગ્રસ્થ કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. દલપત્રો પાંચ અને પુંકેસરો દ્વિદીર્ઘક (didynamous) હોય છે. દ્વિયુક્ત સ્ત્રીકેસરી, ઊર્ધ્વસ્થ બીજાશય ઘણાં અંડકો ધરાવે છે. ફળ દીર્ઘસ્થાયી (persistent) વજ્રથી ઘેરાયેલું પ્રાવર (capsule) પ્રકારનું હોય છે.
સારણી 1 : શ્વાનમુખીનાં પુષ્પોમાં મળી આવતાં ફલેવોનૉઇડોની ગ્લાયકોસિડિક ભાત
ફલેવોનૉઇડનો વર્ગ | રંજકદ્રવ્ય | પુષ્પનો રંગ |
ઍન્થોસાયનિડિન | સાયનિડિન-3-રુટિનોસાઇડ (ઍન્ટિર્હિનિન) 3-ગ્લુકોસાઇડ પેલાગોનિડિન 3-રુટિનોસાઇડ | લાલ-જાંબલી કિરમજી ગુલાબી, તામ્રવર્ણ
|
ફ્લેવોનોલ | ક્વિર્સેટિન-3-રુટિનોસાઇડ 3-ગ્લુકોસાઇડ (આઇસોક્વિર્-સિટ્રિન) કૅમ્ફેરોલ3ગ્લુકોસાઇડ 3, 7 ડાઇગ્લુકોસાઇડ | નારંગીલાલ |
ફ્લેવેનોન | નારિન્જેનિન-7-ગ્લુકોસાઇડ 7-રહેમ્નોસીલ ગ્લુકોસાઇડ | પીળો-નારંગી |
ચાલ્કોન | ચાલ્કોનોનારીન્જેનિન4´ ગ્લુકોસાઇડ 3, 4, 2´, 4´, 6´ પેન્ટાહાઇ-ડ્રૉક્સિચાલ્કોન 4´ગ્લુકોસાઇડ | પીળો |
ફ્લૅવોન | લ્યુટિયોલિન-7-ગ્લુક્યુરોનાઇડ ક્રાઇસોઇરિયોલ-7-ગ્લુક્યુરોનાઇડ એપિજેનિન-7 ગ્લુક્યુરોનાઇડ 7, 4´ ડાઇગ્લુક્યુરોનાઇડ | પીળો બધા રંગવાળો (non-albinos) |
ઓરોન | ઓરેયુસિડિન-6-ગ્લુકોસાઇડ (ઓરેયુસિન) બ્રૅક્ટિયેનિન-6-ગ્લુકોસાઇડ | બધા રંગવાળો |
સિન્નેમિક ઍસિડ | પી-કાઉમેરિલગ્લુકોઝ કૅફેઇલગ્લુકોઝ ફેરુલિલગ્લુકોઝ | બધા રંજકહીન સહિત, રંજકદ્રવ્યના પૂર્વગો તરીકે કાર્ય કરે. |
ઉદ્યાન-કૃષિવિજ્ઞાનીઓ માટે શ્વાનમુખીનાં ભપકાદાર અને વિવિધ રંગનાં મિશ્રણવાળાં અલ્પ-સુવાસિત પુષ્પો ઘણાં જાણીતાં છે. તેની સુધારેલી જાતોનાં પર્ણો પણ બહુવર્ણી (variegated) હોય છે. તેનાં પુષ્પો દ્વિઓષ્ઠીય સંવૃત્ત (personate) હોય છે. દલપુંજની ગ્રીવા સુંદર રંગોથી ચિહ્નિત થયેલી હોવાથી તે આકર્ષક લાગે છે. તેના ત્રણ પ્રભેદો (strains) સુલભ છે : (1) ઊંચો, (2) અર્ધવામન (semi-dwarf) અને (3) વામન. અર્ધવામન પ્રભેદો અત્યંત સુંદર હોય છે. ‘રૉક હાઇબ્રીડ’ કે ‘મૅજિક કાર્પેટ’ તરીકે જાણીતા પ્રકારો ખાસ કરીને શૈલ-ઉદ્યાનમાં ઉગાડાય છે. શ્વાનમુખીનું પ્રસર્જન બીજ દ્વારા કરવામાં આવે છે. તે ચૂનાયુક્ત હલકી મૃદામાં સૌથી સારી રીતે ઊગે છે અને તેને પુષ્કળ સૂર્યપ્રકાશ જોઈએ છે. તેને થોડું વધારે પાણી આપતાં તે કોહવાઈ જાય છે અને ખાતર વધારે મળે તો પર્ણો વધારે અને પુષ્પો ઓછાં બેસે છે. સુકાઈ જતાં પુષ્પો કાઢી નાખતાં પુષ્પનિર્માણની ઋતુ થોડી લંબાવી શકાય છે. રોપા આશરે 7.5 સેમી. ઊંચા બને ત્યારે ક્યારીઓમાં 30 સેમી.થી 38 સેમી.ના અંતરે રોપવામાં આવે છે અથવા કૂંડામાં ઉગાડાય છે. તેની પાર્ર્શ્ર્વીય વૃદ્ધિ ઉત્તેજવા અગ્રકલિકા કાપી લેવામાં આવે છે. કર્તિત પુષ્પો (cut-flowers) અંત:કક્ષ (indoor) સુશોભન માટે ઉપયોગી છે. વિવિધ રંગનાં પુષ્પોમાં જોવા મળતાં ફલેવોનૉઇડ રંજકદ્રવ્યો ઓળખવામાં આવ્યાં છે. શ્વાનમુખીનાં પુષ્પોમાં મળી આવતાં ફલેવોનૉઇડોની ગ્લાયકોસિડિક ભાત (pattern) સારણી 1માં આપવામાં આવી છે.
બીજ સ્થાયી તેલ ઉત્પન્ન કરે છે, જેમાં લીનોલેઇક ઍસિડ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે ઑલિવ તેલ કરતાં થોડુંક નીચલી કક્ષાનું હોય છે. બીજમાં (શુષ્ક વજનને આધારે) પ્રોટીન 16 % અને મેદજન્ય તેલ 43 % હોય છે.
આ વનસ્પતિનો આસવ હૃદબલ્ય (cardiotonic), અલ્પરક્તદાબી (hypotensive) અને શામક (sedative) ગુણધર્મો ધરાવે છે. ગાંઠ અને ચાંદાંઓ ઉપર તેનાં પર્ણોની પોટીસ મૂકવામાં આવે છે. શ્વાનમુખી કોલીન અને ચાર તૃતીયક આલ્કેલૉઇડો ધરાવે છે, તે પૈકી 4-મિથાઇલ-2, 6-નેફિથરિડિન (C9H8N2) મુખ્ય છે. તેમાં બે ઇરિડોઇડ (સાઇક્લોપેન્ટેનોઇડ અથવા મિથાઇલ સાઇક્લોપેન્ટેનોઇડ મોનોટર્પિન) ગ્લુકોસાઇડ ઍન્ટિર્હિનોસાઇડ અને 5-O-β-D-ગ્લુકોસાઇલ ઍન્ટિર્હિનોસાઇડ પણ હોય છે. ઇરિડોઇડ તેમની વિવિધ જૈવિક સક્રિયતા માટે જાણીતાં છે. તેમની હાજરીને કારણે શ્વાનમુખી ચિકિત્સીય ગુણધર્મો ધરાવે છે. પુષ્પીય છોડનાં હવાઈ અંગોમાં g-એમિનોબ્યુટિરિક ઍસિડ સહિત 16 એમિનો-ઍસિડો હોય છે. પર્ણોમાં લીનોલેનિક ઍસિડ, સ્ટેરૉલ અને આલ્કેન હોય છે.
- orontium Linn. ગુલાબી કે જાંબલી રેખાઓવાળાં આછાં લાલ-જાંબલી પુષ્પો ધરાવતી એકવર્ષાયુ જાતિ છે અને પંજાબ તથા ઉત્તર પશ્ચિમ હિમાલયનાં મેદાનોમાં અને નીલગિરિમાં પલાયન (escape) તરીકે થાય છે. શ્વાનમુખી કરતાં તે પુષ્પીય રંજકદ્રવ્યોની બાબતે તદ્દન અલગ છે, છતાં તેના ઔષધ-ગુણધર્મો શ્વાનમુખી સાથે સામ્ય ધરાવે છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ