શ્રીરંગમ્, નારાયણ બાબુ (જ. 1906, વિઝિયાનગરમ્, આંધ્રપ્રદેશ; અ. 1960) : તેલુગુ ભાષાના કવિ. શ્રીમંત પરિવારમાં જન્મ. મૅટ્રિક થયા પછી પશુચિકિત્સાવિજ્ઞાનના અભ્યાસમાં જોડાયા, પરંતુ તે અધવચ્ચે છોડી દઈને તેમણે સાહિત્ય અને સંગીત પ્રત્યે રુચિ વિકસાવી. તેમણે તેમનું સમગ્ર જીવન કાવ્યરચના અને સંગીતને સમર્પિત કર્યું. તેમના સંગીતના જ્ઞાનની અસર તેમની કાવ્યશૈલીમાં વરતાતી નહોતી, છતાં તેમની કાવ્યકૃતિઓમાં તેઓ અવારનવાર બંને કર્ણાટક અને હિંદુસ્તાની સંગીતનો ઉલ્લેખ કરતા હતા.
યુવાનવયે તેઓ દેવુબપલ્લી ક્રિશ્નશાસ્ત્રી (1897-1981) જેવા ભાવનાપ્રધાન કવિના સંપર્કમાં આવ્યા અને તેમની પરંપરામાં કાવ્યરચના કરી. ત્યારબાદ તેઓ શ્રી શ્રી રોમન્કી અપ્પલા સ્વામી, ચગન્તી સોમયજુલુ, પુરિપંડ અપ્પલા સ્વામી અને કોમ્પેલ્લા જનાર્દન રાવ સાથે સંકળાયેલા રહ્યા. તેની તેમના વ્યક્તિત્વ અને કાવ્ય પર કાયમી અસર રહી. પરિણામે તેમણે નવી શૈલી અને વલણો અપનાવ્યાં અને ક્રાંતિકારીઓ તેમજ અરાજકતાવાદીઓ પ્રત્યે એકસરખી શ્રદ્ધા વ્યક્ત કરી. તેમની કાવ્યકૃતિઓમાં બિંબવાદ, પ્રતીકવાદ, અતિયથાર્થવાદ અને દાદાવાદની મજબૂત પકડ અભિવ્યક્ત થાય છે. તેમણે આડકતરા ઉલ્લેખો દ્વારા પ્રાચીન દંતકથાઓ અને ધર્મનો સારી રીતે ઉપયોગ કર્યો છે.
તેઓ સંયમી અને અનાસક્ત જીવન જીવ્યા. તેમને તેમના મિત્રવર્તુળનો વધુ સહારો હતો. તેમણે 40 કાવ્યસંગ્રહો અને કેટલાંક ગીતોની રચના કરી હતી. તેમાં ‘લેન્ડોચી હુસુલુ’ (ગેટ અપ યે રિશિઝ); ‘વિશાખાપટનમ્’, ‘નીવેવારે’ (‘હુ આર યુ ?’); ‘કુસ્તુ રોગી પાટા પડે’ (‘ધસ સૅન્ગ ધ લેપર’) ઉલ્લેખનીય છે.
તેઓ મુખ્યત્વે માનવતાવાદી હતા. કાવ્યક્ષેત્રે તેમનાં તમામ સાહસો અને અનુભવોની કોઈ નોંધપાત્ર ફલશ્રુતિ જોવા મળતી નથી. આમ છતાં યથાર્થ ભાવનાશીલ ઉત્કટતા, અસરકારક અભિવ્યક્તિ અને યોગ્ય અલંકાર-આયોજના તેમની કવિતાનાં વિશિષ્ટ લક્ષણો છે. લાઘવનું કૌશલ્ય તેમના કાવ્યનું ધ્યાનાર્હ પાસું છે.
બળદેવભાઈ કનીજિયા