શ્રીનિવાસ, એમ. એન. (જ. 16 નવેમ્બર 1916, મૈસૂર; અ. 30 નવેમ્બર 1999) : ભારતના અગ્રણી નૃવંશશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી. એમ. નરસિમ્હાચાર શ્રીનિવાસે શાળા-કૉલેજનું શિક્ષણ મૈસૂરથી લીધું હતું. એમણે ઈ. સ. 1936માં સ્નાતકની પદવી સામાજિક તત્વજ્ઞાનના વિષયમાં મેળવી. 1939માં અનુસ્નાતકની પદવી મેળવી, જેમાં તેમણે જી. એસ. ઘૂર્યેના સાંનિધ્યમાં શોધનિબંધ ‘મૅરેજ ઍન્ડ ફૅમિલી ઇન મૈસૂર’ પ્રસ્તુત કર્યો હતો. 1940માં એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. ઈ. સ. 1945માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી, જેમાં તેમણે ‘રીલિજિયન ઍન્ડ સોસાયટી અમંગ ધ કૂર્ગ્સ ઑવ્ સાઉથ ઇન્ડિયા’ પર થીસિસ લખી. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયા. ત્યાંથી તેમણે સમાજ-નૃવંશશાસ્ત્રના વિષયમાં ડી. ફિલની પદવી ઈ. સ. 1947માં પ્રાપ્ત કરી. 1940-42 તથા 1942-44 દરમિયાન તેમણે મુંબઈ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં રિસર્ચ ફેલો તથા રિસર્ચ આસિસ્ટંટ તરીકે કામ કર્યું. ઈ. સ. 1945-1947 દરમિયાન તેમને ઑક્સફર્ડ યુનિવર્સિટીની કાર્નેગી ગ્રાન્ટ મળી હતી. આ અભ્યાસ દરમિયાન તેમને રેડક્લિફ બ્રાઉન અને ઇવાન્સ પ્રિચાર્ડ જેવા વિદ્વાન નૃવંશશાસ્ત્રીઓના સંપર્કમાં રહીને શિક્ષણ મેળવવાની તક પ્રાપ્ત થઈ. તેઓ રેડક્લિફ બ્રાઉનથી અત્યંત પ્રભાવિત થયા. બ્રાઉનનાં પદ્ધતિશાસ્ત્ર અને વૈચારિક દૃષ્ટિનો ઉપયોગ કરીને ધર્મ અને સામાજિક સંરચનાના પારસ્પરિક સંબંધોનો સંશોધન-અભ્યાસ તેમણે કર્યો. આવા આગવા સંશોધનને કારણે તેમને વિશ્વમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ. આના આધારે વિદેશની બીજી યુનિવર્સિટીની ફેલોશિપ મળી. સિનિયર સાયમન ફેલોશિપ મળતાં તેઓ માંચેસ્ટર યુનિવર્સિટીમાં 1953-1954 દરમિયાન રહ્યા. રૉકફેલર ફેલોશિપ મળતાં 1956-1957 દરમિયાન અમેરિકન યુનિવર્સિટીમાં રહ્યા હતા.
શ્રીનિવાસે તેમની કારકિર્દી દરમિયાન દેશવિદેશની યુનિવર્સિટીઓમાં કાર્ય કર્યું; જેમ કે, ઈ. સ. 1948-1951 દરમિયાન ભારતીય સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કામ કર્યું. 1951થી 1959 દરમિયાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. ઈ. સ. 1959-1972 દરમિયાન દિલ્હી યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગનું વિસ્તરણ કર્યું અને સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું.
ઈ. સ. 1968માં વિશ્વવિદ્યાલય અનુદાન પંચે (U.G.C.) શ્રીનિવાસને સેન્ટર ફૉર એડવાન્સ્ડ સ્ટડીની માન્યતા આપી. આ કેન્દ્ર સમગ્ર દેશમાં સમાજશાસ્ત્રના ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટેનું પ્રથમ કેન્દ્ર હતું. સમગ્ર એશિયામાં સમાજશાસ્ત્ર તથા સમાજનૃવંશશાસ્ત્રના શિક્ષણ માટે વિશ્વસ્તરીય કેન્દ્ર સ્થાપવામાં શ્રીનિવાસનો ફાળો મુખ્ય હતો. ઈ. સ. 1972માં તેમણે બૅંગાલુરુ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ ઍન્ડ ઇકોનૉમિક ચેઇન્જની સ્થાપના કરી તેમાં તેમણે સહનિયામક, નિયામક તથા અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. બૅંગાલુરુની પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે જોડાયા હતા. આ સંસ્થામાં અન્ય વિષયના વિદ્વાનો અને સ્કૉલરો સાથે વિચારોની આપલે કરવાની તક મળી. તેમણે મૃત્યુ પર્યંત આ સંસ્થા સાથે કાર્ય કર્યું. આ સિવાય ઈ. સ. 1972-73 દરમિયાન માંચેસ્ટર યુનિવર્સિટી ખાતે સિનિયર સાયમન વિઝિટિંગ પ્રાધ્યાપક તરીકે તથા સેન્ટર ફૉર ઍડવાન્સ્ડ સ્ટડી ઇન બિહેવિયરલ સાયન્સીઝ, સ્ટેનફૉર્ડ કૅલિફૉર્નિયા ખાતે ઈ. સ. 1964-65 તથા 1970-71 દરમિયાન કાર્ય કર્યું. આ ઉપરાંત તેમની નિમણૂક એન્ડ્રુ ડી. વ્હાઇટ પ્રોફેસર ઍટલાર્જ, કોરનેલ યુનિવર્સિટી, યુ.એસ.માં 1972થી 1976 દરમિયાન થઈ હતી. તેમને શિકાગો યુનિવર્સિટી તરફથી 1971માં ડી.એસસી. તથા 1972માં મૈસૂર યુનિવર્સિટી તરફથી ડી. લિટ.ની પદવી આપવામાં આવી હતી. અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સ, બૉસ્ટનનું માનાર્હ સભ્યપદ ફિલાડેલ્ફિયા તરફથી મળ્યું હતું.
શ્રીનિવાસને કેટલાક ઍવૉર્ડ પણ મળ્યા હતા; જેમાં રિવર્સ મેમૉરિયલ મૅડલ (1955); એસ. પી. રૉય મેમૉરિયલ મેડલ (1958); ઑનરરી ફેલો ઑવ્ ધ રૉયલ ઍન્થ્રોપોલૉજિકલ સોસાયટી ઑવ્ ગ્રેટબ્રિટન ઍન્ડ આયર્લૅન્ડ (1964); દાદાભાઈ નવરોજી મેમૉરિયલ પ્રાઇઝ ફૉર સોશિયલ સાયન્સિઝ અધર ધૅન ઇકોનૉમિક્સ (1971); ટી. એચ. હક્સલે મેમૉરિયલ મૅડલ (1976) ફ્રૉમ રૉયલ ઍન્થ્રોપોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ ગ્રેટબ્રિટન ઍન્ડ આયર્લૅન્ડ, લંડન અને ઑનરરી લાઇફ મેમ્બરશિપ ઑવ્ સાઉથ એશિયા ઍસોસિયેશન, ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ સિવાય ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મભૂષણ’ (1977) પણ આપવામાં આવ્યો હતો.
શ્રીનિવાસે વિદેશની યુનિવર્સિટીઓમાં વિવિધ વ્યાખ્યાનો આપ્યાં હતાં; જેમાં ટાગોર મેમૉરિયલ લેક્ચર્સ (1963), કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, બર્કલનો સમાવેશ થાય છે. ઍન્થ્રોપૉલોજી ઍન્ડ આર્કિયૉલોજી વિભાગમાં 44મી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ (1957) અને ઇન્ડિયન સોશિયોલૉજિકલ સોસાયટી(1966-69)ના અધ્યક્ષ રહ્યા હતા.
તેમણે દક્ષિણ ભારતના કુર્ગ જાતિના લોકોનો અભ્યાસ કરવા માટે તામિલનાડુમાં ત્રણ માસ, આંધ્રપ્રદેશમાં ત્રણ માસ, મૈસૂરના રામપુરા ગામમાં તેર માસ સુધી સતત ક્ષેત્રકાર્ય (field-work) કર્યું હતું; જેના આધારે તેમણે કુટુંબ, જાતિ અને સ્થાનિક લોકોના સમૂહને ધ્યાનમાં રાખીને વિવિધ અભ્યાસો કર્યા હતા. દક્ષિણ ભારતની પ્રાદેશિક સંસ્કૃતિ, ધર્મ અને સામાજિક પરિવર્તનને લક્ષમાં રાખીને સંસ્કૃતીકરણ, પશ્ચિમીકરણ, લૌકિકીકરણ, આધુનિકીકરણ, શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ, ધર્મનિરપેક્ષીકરણ, વર્ચસ્વી જાતિ અથવા પ્રભાવીજ્ઞાતિ (dominant caste); જ્ઞાતિની આડી-ઊભી ગતિશીલતા જેવી વિભાવનાઓ વિકસાવીને વર્ણ અને જાતિનું વિશ્લેષણ કર્યું. તેમાં તેમણે જાતિના આર્થિક, રાજકીય, સામાજિક અને પ્રાદેશિક પાસાં પર ભાર મૂક્યો. તેમનાં બહુચર્ચિત અને બહુપ્રચલિત ‘સંસ્કૃતીકરણ’ના ખ્યાલે તેમને વિશ્વના સમાજ-વૈજ્ઞાનિકોના નાયક તરીકેની ભૂમિકા આપવામાં નોંધપાત્ર ભાગ ભજવ્યો. તેમની આ વિભાવનાએ ભારતમાં થઈ રહેલાં સામાજિક પરિવર્તનો પર, ખાસ કરીને સામાજિક ગતિશીલતા પર પ્રકાશ પાડ્યો છે. ભારતના અને વિદેશના સમાજ-વૈજ્ઞાનિકોએ પણ ભારતીય સમાજના વિશ્લેષણમાં આ ખ્યાલનો કોઈ ને કોઈ સ્થાને અચૂક ઉલ્લેખ કર્યો છે; એટલું જ નહિ, તેમને ભારતીય નૃવંશશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં સઘન ક્ષેત્રકાર્યપરંપરાના અને સહભાગી અવલોકન-પદ્ધતિના જનક તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
પશ્ચિમીકરણથી શ્રીનિવાસની નિસબત એવાં પરિવર્તનો સાથે રહી છે, જેનો પ્રભાવ ભારતમાં અંગ્રેજોના આગમન પછી ભારતીય સમાજ અને સંસ્કૃતિનાં વિભિન્ન ક્ષેત્રો પર પડ્યો છે. શ્રીનિવાસના મત મુજબ પશ્ચિમીકરણે હિન્દુઓના જીવનમાં સંસ્કૃતીકરણને વ્યાપક માત્રામાં તીવ્ર ગતિથી અગ્રેસર કરવામાં યોગદાન આપ્યું છે. પશ્ચિમીકરણની જેમ આધુનિકીકરણનો પણ નૈતિક દૃષ્ટિથી એક તટસ્થ ખ્યાલ તરીકે તેમણે સ્વીકાર કર્યો છે. તેમાં સારાનરસા ભાવો અને આધુનિકતાનો સમાવેશ થાય છે.
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન શ્રીનિવાસે જાતિ-આરક્ષણ (અનામત) જેવા સંવેદનશીલ પ્રશ્ન પર પોતાના વિચારો ખૂબ જ નિર્ભયતાથી અને પ્રભાવશાળી ઢબથી રજૂ કર્યા હતા. તેઓ અનામતની તરફેણમાં ન હતા. આ સંદર્ભમાં તેમણે મંડલ કમિશનની તીખી આલોચના કરી છે અને વિવેચન કર્યું છે; પરંતુ એવું પણ નથી કે આ સંદર્ભમાં તેમણે જાતિવ્યવસ્થાની અસમાનતા પર ધ્યાન નથી આપ્યું. પણ એ સાચું છે કે શ્રીનિવાસે જાતિવ્યવસ્થાની ભયાનક અસમાનતાને દૂર કરવાનો કોઈ ખાસ ઉપાય નથી બતાવ્યો.
ભારતના વિભિન્ન પ્રદેશોથી ક્ષેત્રકાર્ય(field-work) દ્વારા પ્રાપ્ત થતી જાણકારીને ‘field-view’ એવું નામ તેમણે આપ્યું છે અને book-viewની સામે તેનો વિશેષ મહિમા કર્યો છે. એ રીતે શ્રીનિવાસે ભારતીય સમાજનો અભ્યાસ કરવા માટે field-view અથવા field- workનું સમર્થન કર્યું છે. ભારતીય સમાજશાસ્ત્રને એક અનુમાનાત્મક વિષયના સ્થાને તથ્યપ્રધાન વિષયમાં બદલવાની મહત્વપૂર્ણ ભૂમિકા તેમણે નિભાવી છે. તેમની સૌથી મોટી ખૂબી એ હતી કે તેમણે ભવ્ય સિદ્ધાંતોના નિર્માણની અપેક્ષાએ વધુ ક્ષેત્રીય અભ્યાસના માર્ગને અપનાવ્યો છે. શ્રીનિવાસે લખ્યું છે કે ‘સમાજશાસ્ત્રે પશ્ચિમની નકલ ન કરતાં જો સર્જનાત્મક બનવું હોય તો એને સ્વદેશી બનવું પડશે.’ (1973). એમનું આ કથન ભારતીય સમાજશાસ્ત્રને નૂતન દિશા આપે છે. સમાજશાસ્ત્રને સ્વદેશીકરણ(nativity)ના રસ્તા પર લઈ જવામાં field-workને સૌથી મહત્વની ભૂમિકા તેઓ માને છે. કેટલાક વિદ્વાનોએ શ્રીનિવાસની તુલના ગાંધીજી સાથે કરતાં કહ્યું છે કે જેમ ગાંધીજી પોતાના દેશને જાણવા માટે દેશવાસીઓને જાણવાની વાત કરતા હતા તેવી રીતે શ્રીનિવાસે ક્ષેત્રકાર્યના માધ્યમથી ગ્રામીણ જીવનના વ્યાપક અનુભવોની આપલે કરવાનો આગ્રહ સેવ્યો છે.
તેમણે સમગ્ર જીવનકાળ દરમિયાન અનેક વિદ્વત્તાપૂર્ણ લખાણો આપ્યાં છે, તેમનાં કેટલાંક પુસ્તકો નીચે પ્રમાણે છે :
‘મૅરેજ ઍન્ડ ફૅમિલી ઇન મૈસૂર’ (1942), ‘રિલિજ્યન ઍન્ડ સોસાયટી અમંગ કૂર્ગસ્ ઑવ્ સાઉથ ઇન્ડિયા’ (1952), ‘ઇન્ડિયા’ઝ વિલેજ (એડિટેડ)’ (1955), ‘કાસ્ટ ઇન મૉડર્ન ઇન્ડિયા ઍન્ડ અધર એસેઝ’ (1962), ‘સોશિયલ ચેઇન્જ ઇન મૉડર્ન ઇન્ડિયા’ (1966), ‘ઇન્ડિયા : સોશિયલ સ્ટ્રક્ચર’ (1969), ‘ઇટિનરીઝ ઑવ્ ઍન ઇન્ડિયન સોશિયલ ઍન્થ્રોપોલૉજિસ્ટ’ (1973), ‘ધ રિમેમ્બર્ડ વિલેજ’ (1976), ‘નેશન બિલ્ડિંગ ઇન ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા’ (1976), ‘ડાયમેન્શન્સ ઑવ્ સોશિયલ ચેઇન્જ ઇન ઇન્ડિયા’ (1977), ‘માઈ બરોડા ડેઝ’ (1981), ‘ધ ડોમિનન્ટ કાસ્ટ ઍન્ડ અધર એસેઝ’ (1986), ‘ધ કોહીસિવ રોલ ઑવ્ સંસ્કૃતાઇઝેશન’ (1981), ‘ઑન લિવિંગ ઇન રેવૉલ્યૂશન ઍન્ડ અધર એસેઝ’ (1992), ‘સોશિયૉલોજી ઇન દિલ્હી’ (1993), ‘વિલેજ કાસ્ટ, જેન્ડર ઍન્ડ મેથડ’ (1996), ‘કાસ્ટ : ઇટ્સ ટ્વેન્ટિયેથ સેન્ચુરી’ (1996) તથા ‘ઇન્ડિયન સોસાયટી થ્રૂ પર્સનલ રાઇટિંગ્ઝ’ (1996).
તેમણે ઇન્ડિયન સોશિયોલૉજિકલ સોસાયટીને મજબૂત કરવામાં સિંહફાળો આપ્યો હતો. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC), ભારતીય સમાજવિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICSSR) જેવી અનેક સંસ્થાઓ, સરકારી સમિતિઓ અને પંચો સાથે તેમણે જાહેર હેતુઓ માટે કર્યું. કોઈ પણ સંસ્થાનું સભ્યપદ સ્વીકાર્યા પછી તેઓ તેના માટે ખંતપૂર્વક કાર્ય કરતા. ગંભીરતાની સાથે રમૂજનો સમન્વય કરીને કોઈ પણ કાર્યને પાર પાડતા, તેથી જ તેમના કાર્યની કદર રૂપે તેમને પ્રાદેશિક, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે. તેમની પાસે તમામ પ્રકારના લોકો સાથે માનવતાપૂર્ણ સંબંધો સ્થાપવાની આગવી સૂઝ હતી. તેમની આ સૂઝ સમાજ-નૃવંશશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં સુવાસ સ્વરૂપે મહેકતી હતી.
હર્ષિદા દવે