શ્રીનિવાસ આયંગર, કે. આર. (જ. 17 એપ્રિલ 1908, સત્તુર, જિ. કામરાજ્ય, તામિલનાડુ) : અંગ્રેજીમાં લખતા ભારતના નામાંકિત લેખક, કવિ અને વિવેચક. તેમની કૃતિ ‘ઑન ધ મધર’ નામની જીવનકથાને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે અંગ્રેજી ભાષામાં એમ.એ. અને ડી.લિટ્.ની ડિગ્રી મદ્રાસ યુનિવર્સિટીમાંથી મેળવી. તેમણે શ્રીલંકા, બેલગામ, બાગલકોટ અને વૉલ્તેરમાં શિક્ષણકાર્ય કર્યું. ત્યારબાદ તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર થયા પછી તેના વિભાગાધ્યક્ષ બન્યા (1947) અને છેલ્લે 1966માં તેઓ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર પણ થયા. સાહિત્ય અકાદમી – નવી દિલ્હી સાથે તેઓ લગભગ તેના સ્થાપનાકાળથી સંકળાયેલા રહ્યા. 1969થી 1973 સુધી તેના ઉપપ્રમુખ, 1977-78માં કાર્યકારી પ્રમુખ અને તે પછી પણ સામાન્ય સમિતિ(જનરલ કાઉન્સિલ)ના સભ્ય બની રહ્યા. તેઓ જુદી જુદી વિદ્યાલક્ષી સંસ્થાઓના પણ સભ્ય રહ્યા અને વ્યાપક વિદેશપ્રવાસ ખેડ્યો. અંગ્રેજીમાં લખાતા ભારતીય સાહિત્યના તેઓ પિતામહ બની રહ્યા. વળી તેઓ શ્રી અરવિંદના સંનિષ્ઠ અનુયાયી રહ્યા. તેમણે 30થી વધુ પુસ્તકો લખવા ઉપરાંત સાહિત્યિક, શૈક્ષણિક તેમજ તત્વજ્ઞાનને લગતા સંખ્યાબંધ લેખો તથા શોધપત્રો આપ્યા છે.
તેમણે 50થી વધુ ગ્રંથો આપ્યા છે; તેમાં ‘લિટન સ્ટ્રેચી : અ ક્રિટિકલ સ્ટડી’ (1939); ‘ઇન્ડો-અમેરિકન લિટરેચર’ (1943); ‘ધી ઇન્ડિયન કોન્ટ્રિબ્યૂશન ટુ ઇંગ્લિશ લિટરેચર’ (1946); ‘શેક્સપિયર : હિઝ વર્લ્ડ ઍન્ડ હિઝ આર્ટ’ (1964); ‘આત્મબોધ ઑવ્ શંકરાચાર્ય’ (1966); ‘શ્રી અરવિન્દો : અ બાયોગ્રાફી ઍન્ડ અ હિસ્ટરી’ બે ભાગમાં (1972); ‘ટ્રાયસ્ટ વિથ ડિવાઇન’ (1994), ‘માઇક્રો-કૉસ્મૉગ્રાફિઝ પોએટિકા’ (1978); ‘ઑન ધ મધર : ધ ક્રૉનિકલ ઑવ્ અ મેનિફેસ્ટેશન ઍન્ડ મિનિસ્ટ્રી’ (1978); ‘ધી એપિક બ્યૂટિફુલ’ (1983) વાલ્મીકિ રામાયણના સુંદરકાંડનો અનુવાદ છે; ‘સીતાયાન’ (1987-88); ‘સતી સપ્તકામ્ : સાગા ઑવ્ સેવન મધર્સ’ (1991); ‘ક્રિશ્નગીતમ્’ (1994) ઉલ્લેખનીય છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1992નો ડૉ. બી. સી. રૉય મેમૉરિયલ ઍવૉર્ડ તથા બીજા સંખ્યાબંધ ઍવૉર્ડ પ્રાપ્ત થયેલા તેમજ નાગાર્જુન યુનિવર્સિટી તરફથી માનદ ડી.લિટ્.ની પદવી મળેલી. સાહિત્ય અકાદમીના ફેલો, મૉડર્ન લૅંગ્વેજ એસોસિયેશન અમેરિકા અને અન્ય અનેક સંસ્થાઓના માનદ સભ્ય રહેલા.
એક ભવ્ય જીવન વિશેની ઊંડી અને સંવેદનપૂર્ણ સૂઝ-સમજ, તેની પ્રમાણભૂતતા, કલાત્મક દર્શન તેમજ નમૂનેદાર સર્જનાત્મક ભાષા જેવી લાક્ષણિકતાઓને કારણે તેમની પુરસ્કૃત જીવનકથા ભારતીય સર્જકોના આંગ્લ સાહિત્યમાં ગણનાપાત્ર પ્રદાનરૂપ લેખાય છે.
મહેશ ચોકસી