શ્રીનગર : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 34° 05´ ઉ. અ. અને 74° 49´ પૂ. રે. આજુબાજુનો 2,228 ચોકિમી. (રાજ્યનો આશરે 10 % વિસ્તાર) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર તરફ બારામુલા, ઈશાનમાં કારગીલ, અગ્નિકોણમાં અનંતનાગ, દક્ષિણે પુલવામા તથા નૈર્ઋત્યમાં બડગામ જિલ્લા આવેલા છે. આ જિલ્લો કાશ્મીર ખીણની મધ્યમાં જેલમ નદીની બંને બાજુ પથરાયેલો છે. જિલ્લામથક શ્રીનગર જિલ્લાની નૈર્ઋત્યમાં આવેલું છે.

શ્રીનગર

ભૂપૃષ્ઠ : કાશ્મીર ખીણ વિસ્તારમાં આવેલા આ જિલ્લાનું ભૂપૃષ્ઠ સરોવરો, નિર્મળ ઝરણાં, હરિયાળી વનરાજિ, ભવ્ય વૃક્ષો અને ઉન્નત ગિરિશૃંગોથી બનેલી મોતીમાળામાં મઢેલા પન્ના જેવું જણાય છે. સિંધુની ખીણનું રક્ષણ કરતો હોય એવો 5,071 મીટરની ઊંચાઈ ધરાવતો હરમુખ પર્વત આ જિલ્લાની પૂર્વમાં આવેલો છે. દક્ષિણ તરફ આવેલા મહાદેવ પર્વત પરથી આખું શ્રીનગર શહેર નજરે પડે છે. ઉત્તર તરફનું તોશ મેદાન 4,200 મીટરની ઊંચાઈ ધરાવે છે. 3,637 મીટરની ઊંચાઈવાળો કાઝીનાગ વાયવ્ય તરફ આવેલો છે. આ બધા પર્વતોની વચ્ચે આવેલો અહીંનો પ્રદેશ નદીઓ, ઝરણાં, ઝરા અને નાળાંની આંતરગૂંથણીવાળો બની રહેલો છે. આ જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ સમતળ ખીણપ્રદેશથી બનેલું છે.

જળપરિવાહ : જેલમ આ જિલ્લાની એકમાત્ર મહત્વની નદી છે, તે જિલ્લાને અગ્નિ-વાયવ્ય દિશામાં વીંધીને પસાર થાય છે. અહીંથી વહેતાં ઝરણાંમાં સિંધનાળું, દૂધ-ગંગા નાળું, ફ્લડ ચૅનલ, સૂંઠકલ અને કૂટકલનો સમાવેશ થાય છે. દાલ સરોવર અને અંચાર સરોવર અનુક્રમે શ્રીનગર શહેરની પૂર્વ તરફ અને વાયવ્ય તરફ આવેલાં છે. વર્ષોવર્ષ અહીં આવતા રહેલા હજારો પ્રવાસીઓના આકર્ષણરૂપ જળવીથિયો અને જળફુવારાઓ સહિતના શાલીમાર, નિશાત અને ચશ્મેશાહી જેવા ભવ્ય બાગ પણ શ્રીનગરની નજીકમાં જ આવેલા છે.

આબોહવા : સામાન્ય રીતે શ્રીનગર જિલ્લાની આબોહવા સમશીતોષ્ણ તેમજ ભૂમધ્ય પ્રકાર સમકક્ષ ગણાય છે. શિયાળામાં ખંડીય પ્રકારની આબોહવા પ્રવર્તે છે. હવામાન મોટેભાગે પરિવર્તનશીલ રહે છે, તેથી અહીં જુદી જુદી છ ઋતુઓ – સોત્થ (વસંત), ગ્રીષીમ (ઉનાળો), વાહરત (વર્ષા), હારુદ (શરદ), વાન્ડ (શિયાળો) અને શેશુર (હિમવર્ષા)નો  અનુભવ થાય છે. ડિસેમ્બરથી માર્ચ સુધી સમગ્ર વિસ્તાર ઠંડોગાર બની રહે છે, પર્વતો હિમાચ્છાદિત થઈ જાય છે, તાપમાન 0° સે.થી પણ નીચે ચાલ્યું જાય છે. માર્ચ-એપ્રિલ દરમિયાન 10 મિમી. જેટલો, જ્યારે જુલાઈ-ઑગસ્ટમાં 700 મિમી. જેટલો વરસાદ પડે છે. જુલાઈ-ઑગસ્ટનાં તથા ડિસેમ્બર-જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 26° થી 27° સે. અને 2° સે. જેટલાં રહે છે. ડિસેમ્બર અને મે માસમાં અહીં ભેજનું પ્રમાણ અનુક્રમે 89 % અને 71 % જેટલું રહે છે.

શ્રીનગર ખાતે જેલમ નદીમાં આવાસી નૌકાઓનો વિહાર

ખેતી : જેલમ નદીના કાંપથી બનેલી અહીંની જમીનો ઉપજાઉ હોવાથી કૃષિપાકો માટે અનુકૂળ છે. અહીં કાંપ, ગોરાડુ, રેતાળ, કારેવા, પીટ પ્રકારની જમીનો તથા તરતા બગીચા જોવા મળે છે. ઉગ્ર પહાડી ઢોળાવો તેમજ વરસાદને કારણે જમીનનો કસ ખેંચાઈ જાય છે, વળી પશુચરાણનું પ્રમાણ પણ વિશેષ રહે છે. તેથી ફળદ્રૂપતા ટકાવી રાખવા નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ કરવો આવદૃશ્યક બની રહે છે. જિલ્લાની 75 % ભૂમિ ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. અહીંનાં કુદરતી તેમજ માનવસર્જિત જળાશયો તથા નહેરો અને કૂવાઓ દ્વારા સિંચાઈ ઉપલબ્ધ થાય છે. ડાંગર અને મકાઈ અહીંના મુખ્ય કૃષિપાકો છે, તે ઉપરાંત ઘઉં, તેલીબિયાં, કેસર અને શાકભાજીની ખેતી પણ થાય છે. વળી ફળોની બાગાયતી ખેતી પર પણ પૂરતું લક્ષ અપાય છે. શાલીમાર બાગ ખાતે સફરજન સુધારણા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, તેમાં સારી જાતો તૈયાર કરવા માટે સંશોધન થાય છે. જિલ્લામાં સફરજન, દ્રાક્ષ, પીચ, ચેરી, અખરોટ અને ખાટાં રસદાર ફળોની ખેતી થાય છે. જિલ્લાનો આશરે 910 ચોકિમી. જેટલો વિસ્તાર ચેર, ચેસ્ટનટ, ઍશ, એલ્ડર, મેપલ, અખરોટ અને સીસમનાં વૃક્ષોથી છવાયેલો છે.

પશુપાલન : ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ અહીં વિકસ્યો છે. જિલ્લાની વસ્તીનો આશરે 5 % શ્રમિક વર્ગ આ પ્રવૃત્તિમાં રોકાયેલો છે. રાજ્ય સરકાર પણ ઢોર તેમજ ઘેટાંઉછેર પર પૂરતું ધ્યાન આપે છે. અહીં ઘેટાં સહિત બીજાં કેટલાંક પશુઓની સંકર ઓલાદો  તૈયાર કરવાનું આયોજન ચાલે છે. જર્સી ગાયોનું પ્રમાણ વધારવા જિલ્લામાં 700 જેટલાં મથકો ઊભાં કરાયાં છે. પશુઉછેરમાંથી દૂધ, ઊન અને માંસ મેળવાય છે.

ઉદ્યોગવેપાર : શ્રીનગર જિલ્લામાં પરંપરાગત ચાલ્યા આવતા હસ્તકલાકારીગરીના ઉદ્યોગે યુ.કે., યુ.એસ., કૅનેડા, જર્મની, મધ્યપૂર્વ, પૂર્વ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દુનિયાભરના દેશોમાં વિશિષ્ટ પ્રતિષ્ઠા ઊભી કરી છે. જિલ્લાના હસ્તકલા ઉદ્યોગોમાં શાલ, ગાલીચા, શેતરંજી, ધાબળા, ભરતકામ, ઊની ચીજવસ્તુઓ, ભરતભર્યાં પગરખાં તેમજ અન્ય ચર્મકામ, ઝવેરાત, ચાંદીનાં આભૂષણો, રુવાંટીભરી ચીજો, કાષ્ઠકોતરણીકામ, કાગળનાં રમકડાં અને ટોપાનો સમાવેશ થાય છે. પહાડી પ્રદેશને કારણે ભારે ઉદ્યોગો અહીં વિકસી શક્યા નથી, તેમ છતાં ખાદ્યપેદાશો, મશરૂમ, હોઝિયરી, ચર્મકામ, કાષ્ઠકામ, કાગળની પેદાશો, રાસાયણિક પેદાશો તથા વીજસામગ્રીનું ઉત્પાદન લેવાય છે. અહીં એચ.એમ.ટી.નું કારખાનું, ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રી, નિકાસલક્ષી રેશમવણાટનું કારખાનું, 12,000 સ્પિન્ડલવાળો રાજબાગ એકમ, ઊનની મિલો તથા રાચરચીલાની મિલો આવેલ છે. આ જિલ્લામાંથી કેસર, પશુઓની ખાલ, શાકભાજી, હસ્તકલાકારીગરીની ચીજવસ્તુઓ તેમજ સફરજનની નિકાસ થાય છે તથા અનાજ, દવાઓ, યંત્રો વગેરેની આયાત કરવામાં આવે છે.

પરિવહન : કાશ્મીરનો ખીણપ્રદેશ પર્વતોથી ઘેરાયેલો હોવાથી રેલમાર્ગનો વિકાસ થયેલો નથી, તેથી સડકમાર્ગો અને હવાઈ માર્ગનો વિશેષ ઉપયોગ થાય છે. મોટાભાગની અવરજવર સડકમાર્ગે થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 1 તથા ઉરી-જાલંધરને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 14 શ્રીનગરમાંથી પસાર થાય છે. જળમાર્ગોનું પ્રમાણ સડકમાર્ગો કરતાં ઓછું છે. જેલમ નદી અને દાલ સરોવરમાં અવરજવર માટે શિકારા જેવી નાની નૌકાઓનું ચલણ વધુ રહે છે. પ્રવાસીઓ માટે નૌકાગૃહો(હાઉસબોટ)ની સુવિધા વિકસેલી છે. શ્રીનગરથી જમ્મુ, કોહાલા, નિશાત, શાલીમાર, હરવાન, લિંગઝિતાંગ તરફના માર્ગો કાર્યરત છે.

દાલ સરોવર

પ્રવાસન : કાશ્મીરને પૃથ્વી પરના સ્વર્ગની ઉપમા અપાયેલી છે. ભારત તેમજ દુનિયાભરના જુદા જુદા દેશોમાંથી અસંખ્ય પ્રવાસીઓની શ્રીનગર ખાતે અવરજવર રહે છે. જિલ્લામાં મશરૂમની ખેતી, કુટિર-ઉદ્યોગો, હોટેલ-ઉદ્યોગ, આવાસી નૌકાઓ, આતિથ્યગૃહો અને વિહારધામો મોટા પાયા પર વિકસ્યાં છે. આ કારણોથી પ્રવાસન એ આ જિલ્લાનો મુખ્ય ઉદ્યોગ ગણાય છે.

આ જિલ્લામાં આવેલા શાલીમાર, નિશાત અને ચશ્મેશાહી જેવા ભવ્ય અને રમણીય મુઘલ બાગ પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો બની રહેલાં છે. મુઘલ શહેનશાહ જહાંગીર, રાણી નૂરજહાં અને શાહજહાંએ આ બાગોનું નિર્માણ કરેલું. તેમાં ઈરાનની તેમજ મધ્ય એશિયાથી કાશ્મીર સુધીના વિસ્તારની સંસ્કૃતિનાં દર્શન થાય છે. તેમાં ગુલાબ, ઇરિસ, ડૅફોડિલ અને તુલિપ જેવાં પુષ્પો વસંતઋતુમાં મહોરી ઊઠે છે, ચિનારનાં વૃક્ષો તેની શોભામાં વૃદ્ધિ કરે છે. વસંતઋતુ અને ઉનાળામાં આ બાગોમાં મહાલવાનો લહાવો માણી શકાય છે.

શ્રીનગર શહેરની પૂર્વમાં દાલ સરોવર આવેલું છે. તેના પૂર્વ અને દક્ષિણ કાંઠે વૃક્ષોવાળો માર્ગ તૈયાર કરેલો છે. આ સરોવર બે વિભાગોમાં વહેંચાયેલું છે. તેમાં સોના લંક અને રૂપા લંક – સુવર્ણબેટ અને રજતબેટ – નામના બે નાના ટાપુઓનું મુઘલ શહેનશાહોએ નિર્માણ કરાવેલું છે. વળી અહીં ચિનારવૃક્ષો સહિતના બે પ્રવાસવિહારો પણ છે, તેમાં સરોવરમાં વિહાર કરવા નીકળેલા પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. આ સરોવરમાં તરતા બગીચાઓ પણ છે, તેમાં ફળો અને શાકભાજી ઉગાડવામાં આવે છે. આ સરોવરમાં ઉનાળા દરમિયાન કમળ ખીલી ઊઠે છે. માછલીઓના ઉછેરની પ્રવૃત્તિ પણ ચાલે છે. દાલ સરોવરને સ્વચ્છ કરીને તેનું સમારકામ કરવાનું આયોજન છે.

શાલીમાર : દાલ સરોવરની નજીકમાં આવેલો ભવ્ય બાગ. તવારીખે હસનમાં જણાવ્યા મુજબ, શાલીમારનું સ્થળ રાજા પ્રવરસેનના શાસનકાળ દરમિયાન સોગરામ સ્વામી નામના પવિત્ર બ્રાહ્મણનું નિવાસસ્થાન હતું. આ રાજાને સંતો અને વિદ્વાનોને આમંત્રણ આપી અવારનવાર બોલાવવાની ટેવ હોવાથી, તેમને રહેવા માટે આ સ્થળે એક ભવ્ય અતિથિકક્ષ બંધાવી રાખેલો. તેમાં કાશ્મીરમાં શાસન કરી ગયેલા પૂર્વ રાજવીઓ તેમજ દેવ-દેવીઓનાં ચિત્રો મુકાવીને તેને સજાવી રાખેલો. તેણે આ મકાનને શાલીમાર (‘સુંદર આવાસ’ એવો અર્થ ધરાવતો શબ્દ) નામ આપેલું. વખત જતાં આ મકાન ખંડિયેરમાં ફેરવાઈ ગયેલું. તે પછી મુઘલ શહેનશાહ જહાંગીરે ઈ. સ. 1629(હિજરી સંવત 1029)માં આ જ સ્થળ પર બાગનું નિર્માણ કર્યું. ‘કાશીર’(Kasheer)ના લેખક ડૉ. સૉફ્ટની નોંધ મુજબ, સુખ-સગવડોનો અર્થ ધરાવતા ટર્કી શબ્દ ‘શાલીમાર’ એવું નામ તેને અપાયેલું.

જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકારના પ્રવાસન-વિભાગ તરફથી ઉનાળાની ઋતુ દરમિયાન પ્રવાસીઓની સુવિધા જળવાય અને મનોરંજન પણ મળે તે માટે દૃશ્ય-શ્રાવ્ય ખેલની વ્યવસ્થા પણ ગોઠવી છે. આ ખેલદર્શનમાં મુઘલ શહેનશાહોનાં શ્યોને પણ સમાવી લીધેલાં છે.

નિશાત : શ્રીનગરના દાલ સરોવરના પૂર્વ કાંઠાની સીમા પર ઝબરવાન ટેકરીની તળેટીમાં આશરે 50 એકર ભૂમિને આવરી લેતો વિશાળ બાગ. આ બાગનું નિર્માણ રાણી નૂરજહાંના મોટાભાઈ આસફખાને (આસફજહાંએ) કરાવેલું તથા શાહજહાંએ તેનું સમારકામ કરાવી નવો ઓપ આપેલો. શ્રીનગર શહેરમાંથી સડકમાર્ગે અથવા દાલ સરોવરમાંથી શિકારાઓ દ્વારા આ બાગમાં જઈ શકાય છે. રાજ્યના શ્રેષ્ઠ બાગ તરીકે તેની ગણના થાય છે. દાલ સરોવરમાં વિહાર કરતી વખતે પણ તેની ભવ્યતાનો ખ્યાલ આવે છે. તેમાં દસ જેટલાં સોપાનોના ઉતાર-ચઢાવની વ્યવસ્થા ગોઠવી તેને રમણીય બનાવેલો છે. દરેક સોપાનમાં લૉનની હરિયાળી, ફૂલક્યારીઓ, ફુવારા અને જળવીથિયોનું નિર્માણ કરવામાં આવેલું છે.

નિશાત બાગના સૌંદર્યને જાળવી રાખવા રક્ષકો અને માળીઓ રાખી રાજ્ય સરકાર પૂરતું ધ્યાન રાખે છે. પશ્ચિમ તરફથી આવતી દાલ નદીમાંથી નિહાળતાં, ચિનાર વૃક્ષોની શોભા આ બાગને વધુ રમણીય બનાવે છે. બાગમાં સફરજન, જામફળ તેમજ અન્ય ફળોનાં ઝાડ પણ ઉછેરાય છે, તેમાંથી પ્રવાસન-વિભાગને આવક પણ મળી રહે છે. વસંતઋતુ અને ઉનાળામાં ફૂલો અને ફળોથી આ બાગ મહેકી ઊઠે છે.  પ્રવાસીઓ તેનો અચૂક લાભ લે છે.

ચશ્મેશાહી : શાલીમાર અને નિશાત બાગની સરખામણીમાં આ બાગ પ્રમાણમાં નાનો છે. દાલ સરોવરને કાંઠે એક નાની ટેકરીની તળેટીમાં તેનું નિર્માણ કરવામાં આવેલું છે. બાગની મધ્યમાં, ખાધેલું પચી જાય એવા મીઠા પાણીનો ઝરો આવેલો છે. મુઘલ શહેનશાહ શાહજહાના શાસનકાળ દરમિયાન કાશ્મીરના તત્કાલીન ગવર્નર અલીમર્દનખાને 1632માં તેનું નિર્માણ કરાવેલું. તેમાં 5.5 મીટરની ઊંચાઈના તફાવતવાળાં માત્ર બે જ સોપાનો છે. તેમાં જોવા મળતાં ફુવારા, જળનહેરો અને જળાશયો બાગનું નિર્માણ થયું તે વખતનાં છે, પરંતુ તેમાંનો મંડપ અફઘાન-શાસન સમયનો છે. તે પછીથી તેનું સમારકામ થયેલું છે, જેમાં કેટલાક ઝરૂખાઓને ફરીથી બાંધવામાં આવેલા છે.

પરીમહેલ : શાહજાદા દારા શિકોહે તેના ગુરુ મુલ્લાહ શાહ માટે તૈયાર કરાવેલી જ્યોતિષ-શાળાની ઇમારત. વર્ષો જતાં તે ખંડિયેર થઈ ગયેલી. રાજ્ય સરકારે તેનો જીર્ણોદ્ધાર કરાવી તેની આજુબાજુ બાગનું નિર્માણ કરાવ્યું છે.

શંકરાચાર્ય ટેકરી : ઈ. પૂ. 56માં રાજા સાંદિમાને કોહ-ઇ-સુલેમાન ટેકરી પર બંધાવેલું મંદિર. તે હજી આજે પણ ઊભું છે, જોકે તેમાં ભૂકંપથી તડો પડેલી છે. તેનું સમારકામ થયેલું છે. છેલ્લાં 2,000 વર્ષથી આ મંદિર તેના પ્રાચીન અસ્તિત્વની સાક્ષી પૂરી રહ્યું છે.

બુટિશર મંદિર : જિલ્લાના ગંડરબાલ તાલુકામાં નારાયણ નાગ નજીકના વાનગટમાં આવેલું, રાજા જુલુકે (ઈ.પૂ. 1394-1334) બંધાવેલું મંદિર. સ્થાપત્યકલાની દૃષ્ટિએ તેની બાંધણી અજોડ ગણાય છે. તેમાં બહુ જ ઓછા પથ્થરોનો ઉપયોગ કરીને તેનો ઘાટ આપેલો છે. તેની નજીકમાં બીજાં કેટલાંક મંદિરોનાં ખંડિયેરો પણ નજરે પડે છે.

અખરા ઇમારત ખાતેનું મંદિર : શ્રીનગરના બાદશાહ ચૉક ખાતે અખરા ઇમારતના પ્રાંગણમાં આવેલું આ મંદિર ‘છડી મુબારક’ના વરઘોડા (સવારી) માટે જાણીતું છે. ભારતમાંથી આવતા સાધુ-સંતો તેમજ દુનિયાના કેટલાક ભાગોમાંથી આવતા યાત્રીઓ અમરનાથના દર્શન કરવા જવા અહીં ભેગા થાય છે. તે પછી નક્કી કરાયેલા ‘દર્શન’ના દિવસે પહોંચી જવાય તે રીતે તેઓ બધા અમરનાથમાં ઉદ્ભવતા બરફના શિવલિંગની યાત્રાએ જવા નીકળે છે. યાત્રા શરૂ કરવાના ‘છડી મુબારક’ના દિવસે ધાર્મિક અગ્રણીઓ અને સાધુઓ અખરા ઇમારત ખાતે ધર્મ પર પ્રવચનો આપે છે, ધાર્મિક ઉત્સવનું આયોજન થાય છે. હજારો લોકો આ યાત્રાસવારી જોવા ઊમટી પડે છે.

જામિયા મસ્જિદ : જમ્મુ-કાશ્મીર રાજ્યની મોટામાં મોટી ગણાતી મસ્જિદ. તેની દરેક બાજુ 108 મીટરની લંબાઈની છે. મીર સૈયદ અલી હમદાનીના પુત્ર મીર સૈયદ મોહમ્મદ હમદાનીએ તેની સ્થાપના કરેલી. તેણે તેના પિતાની જેમ જ ઇસ્લામ ધર્મનો પ્રચાર કરેલો. આ મસ્જિદના મૂળ સ્થાન પર મહાશૂરીનું મંદિર હતું. કાશ્મીરના તત્કાલીન શાસક સુલતાન સિકંદરે તેનો વિધ્વંસ કરેલો. આ મસ્જિદની છત દેવદારના 372 સ્તંભો પર આધારિત છે, તે પૈકીના 32 સ્તંભો 27 મીટરની ઊંચાઈના અને 3.6 મીટરની પહોળાઈના છે. આ મસ્જિદ પંદરમી સદીની શરૂઆત(1402)ની છે.

ખનકાહી બુલબુલ શાહ : જેલમ નદીના કાંઠે આવેલા મહોલ્લા બુલબુલ લંકરમાં આ ખનકાહનું બાંધકામ જોવા મળે છે. 1225થી 1237 દરમિયાન થઈ ગયેલા શાસક રેનચાન શાહે કાશ્મીરમાં સર્વપ્રથમ ખનકાહનું બાંધકામ કરાવેલું. રેનચાન શાહે સૈયદ શરીફ-ઉદ્-દીન બુલબુલ હસ્તક ઇસ્લામ ધર્મનો અંગીકાર કરેલો, તેની યાદમાં આ ખનકાહને નામ અપાયેલું છે.

હઝરતબાલ (મસ્જિદ) : શ્રીનગરના ઈશાનકોણમાં આશરે 10 કિમી.ને અંતરે દાલ સરોવરના પશ્ચિમ કાંઠે આવેલું ધાર્મિક સ્થળ. શ્રીનગરથી નસીમબાગ તરફ જતા માર્ગે અથવા દાલ સરોવરમાં નૌકા દ્વારા ત્યાં પહોંચી શકાય છે. મુસ્લિમો માટે પવિત્ર ગણાતા, કાશ્મીરમાં આવેલા આ સ્થાનકમાં, હઝરત મહમ્મદ પયગંબરનો વાળ રાખેલો છે. તેથી તેનું નામ હઝરતબાલ પડેલું છે.

અગાઉ આ સ્થળ પર સાદિકખાનની માલિકીનો એક બાગ હતો. તે વખતે આ સ્થળ તેના નામથી ઓળખાતું હતું. આ પવિત્ર વાળ સૈયદ અબ્દુલ્લા પાસેથી ખ્વાજા નૂર-ઉદ્-દીને મેળવેલો. સૈયદ અબ્દુલ્લા મદીના ખાતેના ઇસ્લામના પયગંબરના ધર્મસ્થાનકનો રક્ષક હતો. તેને દેશનિકાલની સજા થયેલી. સૈયદ અબ્દુલ્લાએ આ વાળ કાશ્મીરના મુસ્લિમ સમાજને દાનમાં આપેલો.

હઝરતબાલ મસ્જિદ

હઝરતબાલ ખાતે આ વાળને એક ડબીમાં રાખેલો છે. તેને ઇદેમિલાદ, શબો મિરાજ અને તેના પછીના શુક્રવારે તથા ચાર ખલિફાઓની પુણ્યતિથિએ પ્રદર્શિત કરાય છે. શ્રીનગર, આજુબાજુનાં નગરો તેમજ ખીણનાં ગામોના લાખો મુસ્લિમો તેના ઉત્સવના દિવસોએ તેના દીદાર માટે આવે છે. અહીં ભરાતા મેળામાં વેપાર-ધંધાની હાટડીઓ નંખાય છે, જેમાંથી તેમને કમાણી થાય છે. 1963ના નવેમ્બરના છેલ્લા દિવસોમાં આ વાળ ચોરાઈ ગયેલો, તેથી ખીણ વિસ્તારમાં ખળભળાટ મચેલો. વાળ પાછો આવે અને ગુનેગારને સજા થાય તે માટે દુકાનો બંધ કરી કાળા વાવટા ફરકાવાયેલા. વાળને અંજલિ આપતાં સરઘસો નીકળેલાં. ગુનેગાર તો મળ્યો નહિ; પરંતુ આ ધર્મસ્થળ નવેસરથી પૂરતા પ્રાંગણ અને યાત્રી આવાસો સહિત આરસથી બાંધવામાં આવ્યું. મદિના સમકક્ષ આ કબરને આકાર અપાયો. નવી બાંધણી અને જીર્ણોદ્ધારનું કામકાજ જમ્મુ-કાશ્મીર મુસ્લિમ ટ્રસ્ટના તત્કાલીન પ્રમુખ શેખ મહમ્મદ અબ્દુલ્લાની રાહબરી હેઠળ ચાલેલું.

સોનમર્ગ : શ્રીનગરથી ઈશાનમાં આશરે 93 કિમી.ને અંતરે, શ્રીનગર-લેહ માર્ગ પર આવેલું વિશાળ હરિયાળું ગોચર. તેનું ‘સોનમર્ગ’ નામ ગંડરબાલ તાલુકાના સોનમર્ગ ગામ પરથી અપાયેલું છે. અહીં વહેતી સિંધ (સિંધુનો ફાંટો) નદીના ડાબા કાંઠે તે આશરે 5 કિમી.ની લંબાઈમાં ઘાસના અસમતળ મેદાન રૂપે પથરાયેલું છે. ઉનાળા દરમિયાન જમ્મુ પ્રાંતમાંથી બકરવાલ નામના ભરવાડ જાતિના લોકો પોતાનાં પશુઓનાં ટોળાં લઈને અહીં ચરાવવા માટે આવે છે. અહીંની હરિયાળીનું સૌંદર્ય માણવા આવનાર પ્રવાસીઓનું તે વિહારધામ બની રહેલું છે. પ્રવાસીઓની સુવિધાઓ જળવાઈ રહે તે માટે રહેવા-જમવાની સગવડ ધરાવતો ડાકબંગલો પણ ઊભો કરવામાં આવેલો છે.

આ ઉપરાંત, આ જિલ્લામાં ખનકાહી દશ્તગીર સાહિબ, શાહી હમદાન અને ખનકાહી મૌલાના ઉર્સ પણ ભરાય છે. 16મી સદીનો અકબરનો કિલ્લો, 17મી સદીની પથારની મસ્જિદ તથા ઝિશ્તિશર મંદિર અન્ય જોવાલાયક સ્થળો છે.

અનાદિ કાળથી કાશ્મીર દેવ-દેવીઓનું સ્થળ રહ્યું છે. અહીં આવનારાઓમાં અધ્યાત્મવિદ્યાના જિજ્ઞાસુઓ, લામાઓ, સાધુસંતો, પંડિતો, ઋષિમુનિઓ, પીર અને ફકીરોનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં અસંખ્ય ગુફાઓ, મઠ, મંદિરો અને મસ્જિદો જોવા મળે છે. કાશ્મીરમાં અને વિશેષે કરીને શ્રીનગર જિલ્લામાં આ હકીકતની ઝાંખી કરાવે એવા પુરાવા પણ મળે છે. આ બધાં કારણોથી આ પ્રદેશને ‘ઋષિઓની વાડી’ અથવા ‘પીર-એ-વીર’ કહીને નવાજેલો છે. કાશ્મીરનાં મોટાભાગનાં ધાર્મિક સ્થળો શ્રીનગર જિલ્લામાં આવેલાં છે. અહીંનાં મંદિરો, મઠો કે મસ્જિદોમાં ઘણા મેળા અને ઉત્સવો, મેળા-ઉર્સ યોજાતા રહે છે. છેલ્લાં આશરે 2,000 વર્ષથી શ્રીનગર કાશ્મીરનું પાટનગર રહ્યું છે. દાલ સરોવર, શાલીમાર-નિશાત અને ચશ્મેશાહી જેવા બાગ તથા અહીંનાં ધાર્મિક સ્થળોએ જિલ્લાને તેમજ શ્રીનગર શહેરને પ્રવાસીસ્થળ તરીકે ખ્યાતિ અપાવી છે.

વસ્તીલોકો : 2001 મુજબ શ્રીનગર જિલ્લાની વસ્તી 12,38,530 જેટલી છે. અહીંની ફળદ્રૂપ જમીનોને લીધે રાજ્યના અન્ય જિલ્લાઓની વસ્તીની સરખામણીએ આ જિલ્લો ગીચ વસ્તીવાળો બની રહેલો છે. આ જિલ્લો દર ચોકિમી. દીઠ 531 જેટલી વસ્તીગીચતા ધરાવે છે. જિલ્લાની વસ્તી જેલમને બંને કાંઠે વસેલી છે. અહીં પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ અનુક્રમે આશરે 54 % અને 46 % જેટલું છે. હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી અને ડોગરી અહીં બોલાતી મુખ્ય ભાષાઓ છે. જિલ્લામાં મુસ્લિમ અને હિન્દુઓનું પ્રમાણ વિશેષ છે; જ્યારે શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈનોનું પ્રમાણ ક્રમશ: ઓછું છે. જિલ્લાની કુલ વસ્તીના આશરે 35 % લોકો શિક્ષિત છે. કાશ્મીર ખીણના અન્ય જિલ્લાની તુલનામાં અહીં સાક્ષરતાનું પ્રમાણ ઊંચું છે. વીસમી સદીના છેલ્લા બે દાયકાઓમાં પ્રાથમિક શાળાઓને માધ્યમિક શાળાઓમાં તથા માધ્યમિક શાળાઓને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફેરવવામાં આવી છે. જિલ્લામાં એક યુનિવર્સિટી, આઠ કૉલેજો (વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કલા, સ્થાપત્ય, શારીરિક શિક્ષણ વગેરેની), એક સંગીત-લલિત કલાની કૉલેજ, એક તબીબી કૉલેજ, આધુનિક સરકારી ચિકિત્સાલયો, અને એક ઇજનેરી કૉલેજ છે.

વહીવટી સરળતાની દૃષ્ટિએ આ જિલ્લાને શ્રીનગર અને ગંડરબાલ તાલુકાઓમાં વહેંચેલો છે. શ્રીનગર તાલુકો ગંડરબાલ તાલુકા કરતાં મોટો છે. અહીં ત્રણ નગરો (શ્રીનગર, ગંડરબાલ, બદામીબાગ) અને 175 (તે પૈકી 7 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. છેલ્લા ત્રણ દાયકા દરમિયાન જિલ્લામાં શહેરીકરણનું પ્રમાણ વધતું ગયેલું છે.

શ્રીનગર (શહેર) : જમ્મુ-કાશ્મીર રાજ્યનું ઉનાળુ પાટનગર તથા શ્રીનગર જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 34° 05´ ઉ. અ. અને 74° 49´ પૂ. રે. પર, કાશ્મીર ખીણમાં 1,600 મીટરની ઊંચાઈએ નિર્મળ સરોવરો અને ઊંચા પર્વતોની વચ્ચે જેલમ નદીને બંને કાંઠે વસેલું છે. શહેરની મધ્યમાં થઈને જેલમ નદી પસાર થાય છે. જેલમ નદી પર સાત કાષ્ઠ-પુલો આવેલા છે. સ્થાનિક લોકોની અવરજવર માટે, વિશેષે કરીને તો પ્રવાસીઓના મનોરંજન માટે જેલમ નદીમાં શિકારાઓની હેરફેર રહે છે. પ્રવાસની મોસમ દરમિયાન શિકારાઓને સજાવેલા રાખવામાં આવે છે.

શહેરનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસીઓ પર આધારિત રહે છે. પ્રવાસીઓની અનુકૂળતા જળવાય તે માટે પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. શહેરની નજીકમાં આવેલા દાલ સરોવરમાં તેમજ જેલમ નદીમાં પ્રવાસીઓ માટે નૌકાગૃહો(house-boats)ની સગવડ રાખવામાં આવેલી છે. શ્રીનગર શહેર ખેલકૂદનું મુખ્ય કેન્દ્ર પણ છે. શ્રીનગરના શહેરી વિકાસ માટે કોઈ વિશિષ્ટ આયોજન કરેલું નથી; નદીને કાંઠે કાંઠે મનસ્વી રીતે બંધાતા ગયેલા આવાસો જોવા મળે છે. ભૂકંપના ભયને કારણે અહીંના મોટાભાગના આવાસોનાં છાપરાં ઢાળવાળાં છે. બાંધકામમાં લાકડાંનો વિશેષ અને પથ્થરોનો ઓછો ઉપયોગ થયેલો જોવા મળે છે. આવાસો જેલમની જળસપાટીથી 8 મીટર કરતાં વધુ ઊંચાઈ પર બાંધેલા છે. શહેરના આંતરિક ભાગોમાં નાની નહેરો પસાર કરેલી છે.

શહેરના મધ્યભાગમાં સરકારી કાર્યાલયો આવેલાં છે. નદીકાંઠાના વિવિધ ભાગોમાં હોટેલો, દુકાનો, ધાર્મિક સ્થળો, લઘુ ઔદ્યોગિક કેન્દ્રો ઊભાં કરવામાં આવેલાં છે. કાશ્મીર ખીણના મધ્યભાગમાં વસેલું આ શહેર જેલમની આજુબાજુ આશરે 5 કિમી.ની લંબાઈમાં પથરાયેલું છે, વર્તમાન સંજોગોમાં તે 1 કિમી. જેટલું વધુ વિકસ્યું છે. નદીમાં નૌકાગૃહોને કારણે તેમજ શિકારાઓની અવરજવરથી કાંઠાના ભાગો વ્યસ્ત અને જીવંત લાગે છે. તખ્ત ટેકરી પરથી આખાય શહેરને નિહાળી શકાય છે.

શ્રીનગર શહેર તેની આજુબાજુની ખેતી પેદાશોનું જથ્થાબંધ અને છૂટક બજાર ધરાવે છે. અહીં ગાલીચા, રેશમ અને રેશમી વસ્ત્રો, ધાતુકામની તેમજ કાષ્ઠ કલા-કોતરણીવાળી ચીજવસ્તુઓનો વેપાર ચાલે છે, આ વસ્તુઓની નિકાસ પણ થાય છે. શ્રીનગર દિલ્હી અને અમૃતસર સાથે નિયમિત હવાઈ સેવાથી સંકળાયેલું છે. પહાડી ભૂપૃષ્ઠને કારણે રેલમાર્ગો વિકસી શક્યા નથી, તેથી અવરજવર તેમજ માલની હેરફેર માટે સડકમાર્ગોનો જ ઉપયોગ થાય છે.

શહેરમાં આવેલાં જોવાલાયક સ્થળો પૈકી દાલ સરોવર, શાલીમાર-નિશાત-ચશ્મેશાહી બગીચા, જામિયા મસ્જિદ, હઝરતબાલ મસ્જિદ, કેન્ચિન્ગ્ટન સંગ્રહસ્થાન વિશેષ જાણીતાં છે. આ પૈકીનાં ઘણાખરાં સ્થળો પર રોમાંચક પદ્ય પણ રચાયાં છે. શહેરમાં કાશ્મીર યુનિવર્સિટી (1948) આવેલી છે. 2,550 મીટરની ઊંચાઈએ આવેલું વિશાળ હરિયાળું પુષ્પમેદાન ધરાવતું ગુલમર્ગ શ્રીનગરથી થોડાક જ અંતરે આવેલું જોવાલાયક સ્થળ છે. અહીંથી જઈ શકાય એવાં અન્ય જોવાલાયક સ્થળોમાં પહેલગામ, વુલર સરોવર, નંગા પર્વતશિખર, લિડાર નદીખીણ, અમરનાથ, ખિલનમર્ગ, અનંતનાગ-માર્તંડમંદિરનાં ખંડિયેર વગેરેનો સમાવેશ થાય છે.

ઇતિહાસ : સ્ટાઈને લખેલા પુસ્તકમાં મળતી નોંધ મુજબ, સાતમી સદીથી શ્રીનગર કાશ્મીરના પાટનગર તરીકે રહ્યું છે. આશરે 631માં હ્યુ-એન-શ્વાંગે શ્રીનગરની મુલાકાત લીધેલી ત્યારે પણ આ નગર આજના સ્થળે જ હતું, તે વખતે જેલમનું નામ વિતસ્તા હતું. શહેર ચાર કિમી. લંબાઈમાં અને 1.5 કિમી. પહોળાઈમાં નદીકાંઠે વિસ્તરેલું હતું. હ્યુ-એન-શ્વાંગ તેને નવા શહેર તરીકે વસ્યું હોવાનું જણાવે છે અને ઉમેરે છે કે તત્કાલીન (જૂનું) પાટનગર શ્રીનગરથી ઈશાનમાં ત્રણ કિમી.ને અંતરે પાંદ્રેથન (Pandrethan) ખાતે હતું. કલ્હણના મત મુજબ પાંદ્રેથન તે વખતે પુરાણઅધિષ્ઠાન (અર્થ : પુરાણું પાટનગર) નામથી ઓળખાતું હતું; તે એમ પણ જણાવે છે કે સમ્રાટ અશોકે ઈ. પૂ. 200ના ગાળામાં કાશ્મીરની ખીણ સુધી તેનું સામ્રાજ્ય વિસ્તારેલું. તેણે પર્વતની તળેટીની દક્ષિણ ધાર પર શ્રીનગર વસાવેલું. હિન્દુ શાસનકાળ દરમિયાન પુરાણઅધિષ્ઠાનનું મહત્વ ઘટતું ગયું. આજે પણ પાંદ્રેથનની ઉત્તરે અને ઈશાનમાં જૂની ઇમારતોના અવશેષો નજરે પડે છે. સમ્રાટ અશોકે પાંદ્રેથન અને તેનાથી ત્રણ કિમી.ને અંતરે આવેલી ટેકરી વચ્ચે બૌદ્ધ મઠ પણ બાંધેલો. આ સ્થળની નજીક તેણે શ્રીનગર વસાવેલું, તેનું નામ શ્રી એટલે લક્ષ્મી પરથી રાખવામાં આવેલું.

તેમ છતાં એમ પણ કહેવાય છે કે છઠ્ઠી સદીના મધ્યકાળમાં રાજા પ્રવરસેન બીજાએ આ નગર વસાવેલું, ત્યારે તેનું નામ પ્રવરસેનપુર હતું.  કલ્હણે તેનો ‘પ્રવરપુર’ જેવા ટૂંકા નામથી ઉલ્લેખ કરેલો છે. ત્યારપછી તે ‘શ્રીનગરી’ અથવા ‘શ્રીનગર’ તરીકે ઓળખાતું રહ્યું છે.

અગાઉ શ્રીનગર જેલમના જમણા કાંઠા પૂરતું સીમિત હતું, પરંતુ પછીથી ક્રમે ક્રમે તે બંને કાંઠે વિસ્તરતું ગયું. જેલમ નદી પરના સાત પુલની આરપાર તે આજે વિસ્તરી ચૂક્યું છે. રાજા અનંત(1028-1063)ના શાસન દરમિયાન અહીં એક શાહી મહેલ તૈયાર કરવામાં આવેલો.

1971-81 દરમિયાન શ્રીનગર જિલ્લાનો વિસ્તાર 3,103 ચોકિમી. જેટલો હતો, તે ઘટાડીને 2,228 ચોકિમી. જેટલો કરાયો છે. તેમાંથી બડગામ જિલ્લાને જુદો પાડવામાં આવેલો છે, સાથે સાથે બારામુલા જિલ્લાનાં 6 ગામ અને 3 ઘાટ શ્રીનગર જિલ્લામાં મુકાયાં છે. જૂના શ્રીનગર જિલ્લામાં કુલ 706 ગામ હતાં તે હવે 175 રહ્યાં છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી