સિલિગુડી (Siliguri) : પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : તે 26° 42´ ઉ. અ. અને 88° 26´ પૂ. રે. પર દાર્જિલિંગથી અગ્નિકોણમાં 79 કિમી.ને અંતરે તથા જલપાઇગુડીથી અગ્નિકોણમાં 60 કિમી. અંતરે મહાનંદા અને તિસ્તા નદીઓની વચ્ચેના ભાગમાં લગભગ સરખા અંતરે આવેલું છે. તે કાલિમ્પાગ અને સિક્કિમ જતા કાચા રસ્તાનું તેમજ દાર્જિલિંગ અને જલપાઇગુડીને સાંકળતા સડકમાર્ગ અને રેલમાર્ગનું અંતિમ મથક છે. સિલિગુડીથી 12 કિમી. અંતરે ‘બાગડોગરા’ હવાઈ મથક આવેલું છે. આ રીતે તે દાર્જિલિંગ, સિક્કિમ અને તિબેટ માટે વેપારનું કેન્દ્રીય સ્થળ બની રહેલું છે. અહીં ચાના બગીચા, લાકડાં વહેરવાની તથા શણની મિલો આવેલી છે. આ નગર ગરમ કપડાં તેમજ રાચરચીલા માટે જાણીતું બનેલું છે.
1931માં અહીં મ્યુનિસિપાલિટીની સ્થાપના થયેલી, ત્યારે ઉત્તર બંગાળ સાથે સંલગ્ન ઉચ્ચ શિક્ષણની સંસ્થા હતી. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડતાં આ નગર નિર્વાસિતોથી ભરાતું ગયેલું. તે ઉપરાંત 1971માં બાંગ્લાદેશનું નિર્માણ થવાથી વધુ નિર્વાસિતો ઉમેરાયા. આ નગર આંતરરાષ્ટ્રીય સીમાઓના સ્થળે આવેલું હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વિશેષ છે. અહીં મોટેભાગે બૌદ્ધધર્મીઓની વસ્તી વિશેષ છે. 2001 મુજબ સિલિગુડીની વસ્તી 4,70,300 જેટલી છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તેનો વિકાસ થતો ગયેલો, આજે તે આધુનિક શહેર બની રહ્યું છે.
નીતિન કોઠારી