શ્રવણસહાયક (hearing aid)

January, 2006

શ્રવણસહાયક (hearing aid) : વાતચીત થઈ શકે તે માટે અવાજને મોટો કરતું બૅટરીથી ચાલતું વીજાણ્વીય (electronic) સાધન. તે સૂક્ષ્મધ્વનિગ્રાહક(microphone)ની મદદથી અવાજના તરંગો મેળવે છે અને ધ્વનિતરંગોને વીજસંકેતોમાં ફેરવે છે. તેમાંનું ધ્વનિવર્ધક (amplifier) વીજસંકેતોને મોટા કરે છે અને તે ફરીથી અવાજમાં ફેરવીને કાનની અંદર ગોઠવાયેલા ધ્વનિક્ષેપક (speaker) દ્વારા કર્ણઢોલ પર ધ્વનિસંકેતો મોકલે છે. અમેરિકામાં આશરે 2.8 કરોડ લોકોમાં સાંભળવાની તકલીફ છે. તે લગભગ બધી ઉંમરે તથા બધા જ સામાજિક-આર્થિક સ્તરોએ જોવા મળે છે. 18 વર્ષથી નાનાં દર 1000 બાળકોમાંથી 17ને બહેરાશ જોવા મળી છે જ્યારે 65 વર્ષથી વધુ વયે 1000માંથી 314 જણાને બહેરાશ થાય છે. ક્યારેક તે વારસાગત હોય છે તો ક્યારેક તે રોગ, ઈજા, દવાઓ કે ઘોંઘાટ સાથેના લાંબા સમયના સંપર્કને કારણે થાય છે.

બહેરાશ અનુભવતી વ્યક્તિઓને વિવિધ પ્રકારની તકલીફો હોય છે; જેમ કે, કોઈ એક વ્યક્તિને આસપાસ અવાજ હોય તો વાતચીત કરતાં મુશ્કેલી પડે છે, તો કોઈના કાનમાં સતત ઘંટડી વાગતી હોય તેવો અવાજ આવે છે. તેને ઘંટડીનાદ (tinnitus) કહે છે. કેટલાકને રેડિયો કે ટેલિવિઝનને સામાન્ય અવાજે સાંભળવામાં મુશ્કેલી પડે છે તો કેટલાક સાંભળવાનો સતત પ્રયત્ન કરવાથી થાક અને અકળામણ અનુભવે છે. ક્યારેક ચક્કર આવવાની કે સંતુલન જતું રહેવાની તકલીફ રહે છે. નાક, કાન અને ગળાના સર્જ્યન બહેરાશની તકલીફ હોય તેની તકલીફોનું વૃત્તાંત સાંભળીને, શારીરિક તપાસ કરીને તથા શ્રવણમાપન (audiometry) તથા વિવિધ નૈદાનિક ચિત્રણો (diagnostic imaging) મેળવીને (દા.ત., સી.ટી. સ્કૅન, એમ.આર.આઇ., વગેરે) તેની બહેરાશના કારણનું નિદાન કરે છે. બાહ્ય કર્ણ કે મધ્ય કર્ણના રોગોમાં મેલ દૂર કરી, ચેપની કે અન્ય રોગની સારવાર કરીને બહેરાશ દૂર કરી શકાય છે. અંત:કર્ણના રોગોમાં શ્રવણસહાયક સાધનો કે શંખાકૃતિ-નિરોપ (cochlear implant) મૂકીને સારવાર અપાય છે. અંત:કર્ણના વિકારોમાં થતી બહેરાશને ચેતાકીય બધિરતા (neural deafness) અથવા ચેતાસંવેદની બધિરતા (sensorineural deafness) કહે છે. શ્રવણમાપન કસોટીના પરિણામ પરથી શ્રવણવિદ (audiologist) નક્કી કરે છે કે શ્રવણસહાયકથી લાભ થશે કે કેમ. તેઓ ચેતાસંવેદનીય બધિરતાવાળા દર્દીઓની સાંભળવાની અને ભાષણને સમજવાની ક્ષમતા વધારે છે.

કાનની રચના : (1) બાહ્યકર્ણ, (2) બાહ્યકર્ણનળી, (3) કર્ણઢોલ, (4) હથોડી, (5) એરણ, (6) પેંગડું, (7) શંખાકૃતિ, (8) શ્રવણચેતા, (9) મધ્યકર્ણ નલિકા

શ્રવણસહાયક અંગેના નિર્ણય કરવામાં સાંભળવાની ક્ષમતા, ઘર અને બહારની પ્રવૃત્તિ અને ક્રિયાઓ, શારીરિક મર્યાદાઓ, અન્ય રોગો અને વિકારોની હાજરી, દેખાવની દૃષ્ટિએ પસંદગી વગેરે વિવિધ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. તેને આધારે એક અથવા વધુ શ્રવણસહાયકની જરૂર છે કે કેમ તે નક્કી કરાય છે. બે શ્રવણસહાયકો પહેરવાથી અવાજનું સંતુલન, ઘોંઘાટવાળા વાતાવરણમાં સંભળાયેલા શબ્દોની સમજણ અને અવાજ ક્યાંથી આવી રહ્યો છે તેનું સ્થાન જાણવું વગેરે વધુ સારી રીતે થઈ શકે છે.

કાનમાં કે કાનની પાછળ પહેરી શકાતા શ્રવણસહાયકોના વિવિધ પ્રકારો છે. તેમની રચના, કદ, ધ્વનિવર્ધનની ક્ષમતા તથા અન્ય લાભ જુદા જુદા છે. તેમના મુખ્ય 4 પ્રકાર છે : (1) કર્ણાંત: (in the ear, ITE); (2) કર્ણોત્તર (behind the ear, BTE), (3) નલિકાંત: (in the canal, ITC) અને (4) પૂર્ણ નલિકાંત: (complete in canal, CIC). સામાન્યથી મધ્યમ પ્રકારની બહેરાશ માટે કાનમાં પહેરવાનો કર્ણાંત: શ્રવણસહાયક ઉપયોગી છે. તેનું બહારનું પ્લાસ્ટિકનું આવરણ કઠણ હોય છે. તેમાં દૂરસર્પિલ (telecoil) તથા ચુંબકસર્પિલ (magnetic coil) જેવી અવાજનું પ્રસરણ વધારતી સંરચનાઓ હોય છે, જેથી ટેલિફોન પર સારી રીતે વાત થઈ શકે. કાનમાંનો મેલ કે પરુ કે અન્ય સ્રાવ તેને નુકસાન કરે છે. તે નાના કદની સંયોજના (device) છે માટે ક્યારેક તેને કાનમાં જાળવી રાખવામાં તકલીફ પડે છે તથા તેનાથી પડઘા (feedback) પડે છે. સામાન્ય રીતે તે નાનાં બાળકોને માટે યોગ્ય ગણાતી સંયોજના નથી કેમ કે ઉંમરની સાથે તેમના કાન પણ મોટા થાય છે, માટે તેને વારંવાર બદલવી પડે છે.

કર્ણોત્તર પ્રકારની સંયોજના કાનની પાછળ પહેરવામાં આવે છે અને તે કાનના બહારના છિદ્રમાં ગોઠવાયેલી પ્લાસ્ટિકની એક બીજી નાની સંયોજના સાથે જોડાયેલી હોય છે. તે મંદથી તીવ્ર પ્રકારની બહેરાશ માટે દરેક ઉંમરે પહેરી શકાય તેવી સંયોજના છે. જો કાનમાં અંદર નાંખવાની સંયોજના બરાબર બંધબેસતી ન હોય તો પડઘા (feedback) પડે છે, સિસોટી વાગતી હોય એવું લાગે છે.

નલિકાંત: પ્રકારનો શ્રવણસહાયક 2 કદમાં મળે છે. તેને કાનની નલિકાના કદ અને આકાર પ્રમાણે વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણેનો બનાવી (customize) શકાય છે તે મંદથી મધ્યમ બધિરતામાં ઉપયોગી છે. પૂર્ણ નલિકાંત: સંયોજના બાહ્યકર્ણનલિકામાં લગભગ પૂરેપૂરી સંતાડેલી રખાય છે. તે મંદથી મધ્યમ બધિરતામાં વપરાય છે. તે ઘણી નાની છે માટે તેને વાપરનારને કાઢીનાંખી શકવાની તકલીફ રહે છે તથા તેમાં દૂરસર્પિલ સંરચના હોતી નથી. તેને કાનમાંના સ્રાવો અને મેલ નુકસાન કરે છે. સામાન્ય રીતે તે બાળકો માટે ખાસ ઉપયોગી નથી.

જ્યારે આ પ્રકારની સંયોજનાઓ ઉપયોગી ન હોય ત્યારે શરીર પર પહેરી શકાય એવી સંયોજના વપરાય છે જેને કાન સાથે તાર વડે જોડેલી હોય છે. આવા શ્રવણસહાયકને દૈહિક શ્રવણસહાયક (body hearing aid) કહે છે.

શ્રવણસહાયકોની કાર્યપ્રવિધિ (mechanism) 3 પ્રકારની હોય છે – ઍનેલૉગ/એડ્જસ્ટેબલ, ઍનેલૉગ/પ્રોગ્રામેબલ અને ડિજિટલ/પ્રોગ્રામેબલ. આ ત્રણેય પ્રકાર જુદા જુદા પ્રકારની વીજપથિકાઓ (circuitry) અથવા વીજાણુકી(electronics)ના સિદ્ધાંતો વાપરે છે. શ્રવણવિદ કેટલો મોટો અવાજ હોવો જોઈએ એ નક્કી કરે છે અને તેને આધારે ઍનેલૉગ/એડ્જસ્ટેબલ શ્રવણસહાયક તૈયાર કરાય છે. આ સૌથી સસ્તી સંયોજના છે. ઍનેલૉગ/પ્રોગ્રામેબલ શ્રવણસહાયક માટે સંગણકના કાર્યક્રમ(computer programme)ની મદદથી એક કરતાં વધુ પ્રકારની વિવિધ પરિસ્થિતિઓ માટે અવાજની તીવ્રતા અને કદને દૂરસ્થ નિયંત્રક (remote control) વડે નક્કી કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવે છે. તેથી પહેરનાર વ્યક્તિ સ્થાનિક સ્થિતિ પ્રમાણે સૌથી સારું સાંભળી શકાય તેવો સંગણકીય ક્રિયાક્રમ પસંદ કરી શકે છે. આ પ્રકારની આંતરિક સંરચના બધા જ પ્રકારના શ્રવણસહાયકોમાં મળી શકે છે. ડિજિટલ/પ્રોગ્રામેબલ સંયોજનામાં સંગણકની મદદથી અવાજની ગુણવત્તા વ્યક્તિગત ધોરણે નક્કી કરી શકાય છે. આ સંયોજનામાં સૂક્ષ્મધ્વનિગ્રાહક (microphone), સ્વીકારક (receiver), ઊર્જાકોષ (battery) તથા સંગણક પટ્ટી (computer chip) હોય છે. તે બધા જ પ્રકારના શ્રવણસહાયકોમાં વાપરી શકાય છે અને સૌથી મોંઘી હોય છે.

શ્રવણસહાયક વડે ટેવાતાં થોડો સમય લાગે છે. તેથી તે સમય અને ધીરજનું કામ છે. તે સામાન્ય રીતે સંભળાય તેવું સંપૂર્ણપણે અને કાનમાં ઘંટડીનાદ કે ઘોંઘાટ પૂરેપૂરો જતો રહે એવું કરી શકતા નથી. વિવિધ સંજોગો અને પરિસ્થિતિઓમાં તેની મદદથી સાંભળવાની ટેવ પાડવી પડે છે. તે માટેના કાર્યક્રમો ઉપલબ્ધ હોય છે. એક મોટી મુશ્કેલી પોતાનો જ અવાજ ઘણો મોટો સંભળાય તે છે. તેનાથી મોટેભાગે ટેવાવું પડે છે. કાનમાં મેલ જામે કે શ્રવણસહાયક બરાબર બંધબેસતું ન હોય તો સિસોટી વાગે છે. તેને પડઘો પડવો (feedback) કહે છે. તેનું કારણ દૂર કરવાથી આ તકલીફ જતી રહે છે.

શ્રવણસહાયકો

સામાન્ય રીતે શ્રવણસહાયકને ગરમી તથા ભેજથી દૂર રાખવાનું સૂચવાય છે. ઊર્જાકોષ (battery) જેવો પૂરો થાય કે તરત તેને બદલી નાંખવો હિતાવહ છે. તેની સફાઈની સૂચનાઓ આપવામાં આવેલી હોય છે. તેનું પાલન કરવાથી ફાયદો રહે છે. શ્રવણસહાયક પહેરીને વાળના રક્ષણ-પોષણ-દેખાવ અંગેની કોઈ ક્રિયા કે દ્રવ્યનો ઉપયોગ ન કરવાની તકેદારી રાખવાનું જણાવાય છે. જ્યારે તે વપરાશમાં ન હોય ત્યારે તેને બંધ કરવાથી લાભ રહે છે. તેને તથા તેના ઊર્જાકોષો બાળકોના હાથમાં ન આવે તે ખાસ જોવાય તો તેનાથી તેમને થતું જોખમ નિવારી શકાય છે.

શિલીન નં. શુક્લ