શોથ : વિવિધ કારણસર અંગ ઉપર ઉભાર પેદા કરતો સોજાનો રોગ. શોથ કે સોજા (અં. Anasarca edema dropsy કે swelling)નો રોગ થવાનાં કારણો (આયુર્વેદવિજ્ઞાન મુજબ) – વમન, વિરેચનાદિ શોધનમાં ખામી, જ્વર (તાવ) જેવા રોગ તથા ઉપવાસથી કૃશ અને દુર્બળ થયેલી વ્યક્તિ જો ખાટા, ખારા, તીખા, ગરમ તથા જડ પદાર્થોનું સેવન કરે તે; દહીં, અપક્વ ભોજન, માટી કે વધુ ભાજી ખાવી, સમુદ્રી માછલીનું વધુ સેવન, વિષ વડે દૂષિત થયેલ ભોજનનું સેવન; હરસ-મસાનું દર્દ; વ્યાયામ કે શ્રમ ન કરવો ને બેઠાડુ જીવન, શરીરમાં ખૂબ વધી ગયેલા વાતાદિ દોષોનું શોધન ન કરવું, હૃદય જેવાં મર્મ સ્થાનો પર દોષો એકત્ર થવા કે ત્યાં લાગેલ માર-ચોટ, આમદોષ ભેગો થવો, ગર્ભપાત થવો કે પ્રસૂતિ ખરાબ રીતે થવી, પંચકર્મ નામની દેહશુદ્ધિની ક્રિયાનો મિથ્યા યોગ થવો… વગેરે કારણોથી શરીરમાં સોજા કે શોથનો રોગ થાય છે.
પોતાનાં કારણોથી દૂષિત થયેલ વાયુ દૂષિત રક્ત, પિત્ત અને કફ-દોષને શરીરની ઉપરની ત્વચા નીચેની શિરાઓ(કે માંસપેશી)માં લઈ જઈ ત્યાં દોષ એકત્ર થવાથી અવરોધ પેદા થતાં, ત્વચા અને માંસની વચ્ચે આશ્રિત લોહી સાથે ત્રણેય દોષો ભેગાં મળીને અંગ ઉપર એક ઉભાર (ઉત્સેધ) પેદા કરે છે, તેને વૈદ્યો ‘શોથ’ કહે છે
શોથ રોગ બરાબર પ્રગટે તે પહેલાં શરીરમાં દાહ, શિરા કે રક્તવાહિનીઓ પહોળી થવી તથા શરીરમાં ભારેપણું જણાવું – એ આ આ રોગનાં પૂર્વલક્ષણો છે. રોગ પ્રગટ થયા પછી શરીર કે સોજાવાળાં અંગો ભારે લાગવાં, અસ્થિરતા, અંગોમાં ઉભાર (ટેકરા), સોજાવાળો ભાગ ગરમ (કે ઠંડો) થવો, રક્તવાહિનીઓ પાતળી કે પહોળી થવી, શરીરનાં રૂંવાડાં ઊભાં થવાં, તથા સોજાવાળા અંગના વર્ણ(રંગ)ની વિકૃતિ – આ બધાં શોથ રોગનાં સામાન્ય લક્ષણો છે.
શોથ રોગ આયુર્વેદના મતે 9 પ્રકારનો છે. વાયુ, પિત્ત અને કફદોષથી એક એક એમ 3; પછી વાત-પિત્ત, વાત-કફ અને કફ-પિત્ત – એ રીતે 22 દોષોથી ઉત્પન્ન 3; ત્રણેય દોષોથી 1 સન્નિપાતજ; આઠમો – કંઈ વાગવા-પડવાથી કે માર-ચોટથી અને નવમો ઝેરી પદાર્થોના પ્રભાવથી.
આ રોગ થવાનાં કારણો મુખ્યત્વે બે પ્રકારનાં છે :
(1) નિજકારણજન્ય : જેમાં વિવિધ મિથ્યા આહારવિહારનાં કારણોથી શરીરના વાતાદિ દોષો પ્રકોપ પામીને દોષજ સોજો (શોફ કે શ્વયથુ edema) પેદા કરે છે. (2) આગંતુક (બાહ્ય) કારણજન્ય : શરીરને કંઈ ધાતુ – પથ્થર માટી કે લાકડી કે શસ્ત્ર વાગવું, વાઘ જેવા હિંસક પ્રાણીના નખ કે દાંત વાગવા, બળી કે દાઝી જવું, રાસાયણિક જલદ ક્ષારો કે કેમિકલથી દાઝવું, વિષદોષની અસર, વિવિધ રોગોત્પાદક સૂક્ષ્મ રોગજંતુઓ કે વાયરસનો પ્રભાવ તેમજ વીજળી-પ્રવાહથી દાઝવું કે શોક લાગવો જેવાં કારણો ગણાવી શકાય. આ પ્રકારમાં શરીર પર જખમ પડી, તેમાં પાક, પરુ ને વ્રણ થવા સાથે અંગમાં સોજો થવાની સંભાવના વધુ રહે છે.
શોથ-સોજા-નો રોગ (આંતરિક કારણોમાં) પ્રાય: હૃદય, વૃક્ક (કિડની કે મૂત્રપિંડ) અને યકૃત(લીવર)ની ખરાબીથી થાય છે. હૃદય નબળું પડવાથી કે હૃદયની કોઈ ખામી સર્જાવાથી સૌપ્રથમ હાથ અને પગ ઉપર સોજો દિવસના સમયે આવે છે. આ સોજો રાત્રે ઓછો થઈ જાય છે; જેથી સવારે ઊઠતી વખતે સોજો જણાતો નથી; પણ પછી ક્રમશ: સોજો વધતો જણાય છે; જ્યારે મૂત્રપિંડ(વૃક્ક : કિડની) બગડવાથી જે સોજો થાય છે તેમાં સૌપ્રથમ વ્યક્તિના મુખ (આંખની પાંપણ ઉપર તથા ગાલ) ઉપર સોજો દેખાય છે. તે સાથે પેશાબ દર્દીને ઓછો થાય છે. આ સોજો મોટાભાગે દિવસના સમયે ઓછો અને રાતે વધુ થાય છે. દિવસે પરસેવા તથા મૂત્રમાર્ગે ઝેર બહાર નીકળી જતાં સોજો ઓછો જણાય છે; પરંતુ રાતે તેમ થતું નથી. યકૃત(લીવર)ના દોષથી ઉત્પન્ન શોથ(સોજા)માં હાથ, પગ અને મુખ ઉપર એકસાથે સોજો વધે છે. સર્વાંગ (આખા શરીરમાં) શોથ (જનરલ એનાસારકા કે ઇડિમા) પ્રાય: હૃદય, યકૃત તથા કિડની (વૃક્ક) ત્રણેય અવયવોની વિકૃતિથી થાય છે; જ્યારે અર્ધાંગ (ડૂંટીથી નીચેનાં અંગોનો) શોથ ઉપર્યુક્ત હૃદય, કિડની તથા યકૃતનાં અંગોની વિકૃતિ અલ્પમાત્રામાં થાય ત્યારે પેદા થાય છે. જ્યારે ઊર્ધ્વાંગ (ડૂંટીથી ઉપરનાં અંગોનો) શોથ પ્રાય: વૃક્ક(કિડની)ની ખામી કે વિકારથી થાય છે. આ મુખ્ય લક્ષણ ઉપરાંત બંનેમાં રોગના કારણ મુજબ અન્ય સાર્વદૈહિક લક્ષણો પણ ઘણાં જોવા મળે છે. શરીરના કોઈ એક જ અંગમાં સોજો (Local edema) પ્રાય: આગંતુક (બાહ્ય) કારણોથી થાય છે.
શરીરની અંદરના વાતાદિ દોષોના કારણે થતા સોજામાં જો દોષો હોજરીમાં રહેલ હોય તો છાતી અને તેની ઉપરના મુખ ઉપર સોજો થાય છે. વૃક્ક (કિડની) વિકારથી થતા સોજામાં પ્રાથમિક લક્ષણ વ્યક્તિના મુખ પર ખાસ કરી, આંખોની ઉપર-નીચે (પાંપણ ઉપર) સોજો પ્રગટે છે. દોષ જ્યારે પક્વાશયમાં રહે છે, ત્યારે તે સ્થાનની નજીકનાં અંગોમાં વિકાર થતાં લીવર(યકૃત)નો રોગ તથા જળોદર થાય છે; જેને પૈત્તિક શોથ (શોફ) કહે છે. જ્યારે ડૂંટીથી નીચેના ભાગનાં અંગોમાં થતો સોજો પ્રાય: વાતદોષજન્ય હોય છે, જે પ્રાય: હૃદયના વિકારનો નિર્દેશ કરે છે. આખા શરીર કે રક્તમાં ફેલાયેલા દોષો આખા અંગમાં (સાર્વ-દૈહિક) સોજો પેદા કરે છે. પોષણના અભાવથી થતો સોજો ‘વાતજ શોથ’ સમાન હોય છે. તેમાં પણ હૃદયની વિકૃતિ થાય છે અને સોજા પગ-પંજાથી જ શરૂ થાય છે. સોજાનો રોગ ખૂબ જૂનો થાય ત્યારે કે બધા દોષો આખા શરીરમાં (રક્ત મારફતે) ફેલાય ત્યારે સાર્વદૈહિક સોજો પેદા થાય છે.
ચિકિત્સા : હૃદય અને યકૃતવિકારમાં મૂત્રલ અને પાણી જેવા ઝાડા કરાવનારી રેચક ઔષધિ આપવાથી રક્તમાં રહેલું પાણી બહાર નીકળી જતાં સોજો ઊતરે છે. વૃક્ક(કિડની : મૂત્રપિંડ)ના દર્દમાં તીવ્ર મૂત્રલ ઔષધિ અપાતી નથી, કારણ તેથી લાભને બદલે હાનિ થાય છે. આ રોગમાં પણ રેચ અપાય છે. તે ઉપરાંત પરસેવા દ્વારા ગૅસ-વાયુ બહાર નીકળવાની દવા પણ અપાય છે. ઘણી વાર મૂત્ર-પિંડ(કિડની)ના વિકારથી થયેલા સોજામાં પેશાબની અંદર ઓજસ-દ્રવ્ય (આલ્બ્યુમિન) જાય છે, જે મૂત્રની લૅબોરેટરી-તપાસથી જાણી શકાય છે. મૂત્રપિંડની ખામીથી થયેલ સોજામાં તેલની માલિશ નથી કરાતી. જ્યારે બહારનાં (આગંતુક) કારણોથી થયેલા સોજા ઉપર દોષાનુસાર તેલ-માલિશ, શેક, લેપ, પોટીસ વગેેરે લગાવાય છે. ઝેર, રક્તવિકાર અથવા માર-ચોટ કે મૂઢમારથી થયેલ સોજા પર કે જેમાં લોહી જામીને એક સ્થળે એકત્ર થયું હોય તેની ઉપર જળો અથવા શિંગડી મૂકીને અનુભવી વૈદ્યો સોજો મટાડે છે.
સોજાના લોકોપયોગી સરળ ઉપચારો : (1) પુનર્નવાદિક્વાથ : સાટોડી, દારૂહળદર, સૂંઠ, હીમેજ, ગળો, ચિત્રો, ભારંગમૂળ અને દેવદારનો ઉકાળો કરી રોજ બે વાર પીવાથી સર્વાંગનો સોજો મટે છે, (2) વછનાગ, સૂંઠ અને સાટોડીનાં મૂળને ગોમૂત્રમાં વાટી ગરમ લેપ કરવાથી કફ કે જળપ્રધાન સોજો મટે છે, (3) ગલકીનાં પાનનો રસ ગોમૂત્રમાં ઉમેરી રોજ પીવાથી કફદોષપ્રધાન સોજા મટે છે. (4) કાંગચી, આકડો અને એરંડાનાં પાન વાટી, તેને ગરમ કરી લેપ કરવાથી વાતદોષજન્ય કે માર-ચોટના સોજા મટે છે. (5) આદાનો રસ અથવા સૂંઠના ઉકાળામાં દૂધ નાંખી પિવાય છે. તે પચે તે પછી ત્રિફળાના ઉકાળામાં શિલાજિત – 1-2 ગ્રામ નાંખી પીવાથી ત્રિદોષજન્ય સોજો મટે છે. (6) સાટોડી, ચિત્રો, નગોડ, ગૂગળ, એરંડાનાં પાન અને કાંટાસરિયાનો ઉકાળો કરી, તેની વરાળનો શેક લેવાથી સોજા મટે છે. (7) એરંડાનાં મૂળ, ઇન્દ્રજવ, સૂંઠ, લીંડીપીપર, સાજીખાર, જવખાર, હળદર અને દેવદાર સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી, તેમાં ચૂર્ણથી ચોથા ભાગે મંડૂર ભસ્મ ઉમેરી દવા શીશીમાં ભરી લેવાય છે. આ દવા 5 ગ્રામ જેટલી સવાર-સાંજ ગરમ પાણી અથવા મધ સાથે સતત 12 માસ લેવાથી સોજા, દમ અને પિંડરોગ મટે છે. આ દવાના સેવન વખતે દર્દીએ ખટાશ, કબજિયાત કરે તેવી સૂકી-લૂખી-વાયડી ચીજો; મીઠાઈ, મઠ-વાલ-વટાણા (કઠોળ) તથા મીઠી-ભારે ચીજો ખવાતી નથી. (8) વાયુદોષના સોજામાં રોજ ગરમ મીઠા દૂધ સાથે 12 ચમચી દિવેલ પીવામાં આવે છે અને તે ગરમ કરી, સોજા પર મસળાય છે. (9) પિત્તદોષ(ગરમી)ના કે લોહીના સોજા ઉપર દશાંગ-લેપ અને સોનાગેરુ અથવા લીમડાનાં પાનની ચટણીમાં સોનાગેરુ મેળવી રોજ લેપ કરાય છે. વળી આંબળાં, ગળો, જેઠીમધ, ભાંગરો અને ઉંબરાની છાલનો ઉકાળો સાકર મેળવી અપાય છે.
સોજાનાં શાસ્ત્રોક્ત ઔષધો : વૈદ્યો સોજાના રોગમાં દર્દીના દોષ મુજબ જે ઔષધો વાપરે છે તેમાં પુનર્નવાદિ ક્વાથ, પુનર્નવાસવ, પુનર્નવારિષ્ટ, પુનર્નવા, મંડૂરવટી, પુનર્નવાગૂગળ, શોથારિ મંડૂર, સુધાનિધિરસ, દુગ્ધવટી, તક્રમંડૂર, શોથકાલાનલરસ, ચિત્રકાદિઘૃત; દશાંગલેપ, દોષઘ્નલેપ, વાતઘ્નલેપ, અસ્થિસંધાનક લેપ, પુનર્નવાદિ તેલ, મહાવિષગર્ભ તેલ, મહાનારાયણ તેલ તથા શુષ્કમૂલાદ્ય તેલ, ચંદ્રપ્રભાવટી, આરોગ્યવર્ધિનીવટી, ત્રિફલા ગૂગળ જેવી અનેક ઔષધિઓની ગણના થાય છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા