શૈવદર્શન : પ્રાચીન ભારતનું શિવને પ્રમુખ માનતું દર્શન. વેદમાં એક તબક્કે અગ્નિ એ જ રુદ્ર છે એમ કહ્યું છે અને પછી ક્રમશ: રુદ્રનું શિવમાં રૂપાંતર થયું. અહીં રુદ્ર એક દેવ છે. તેમની આકૃતિનું પણ વર્ણન છે. તેઓ એકીસાથે દુષ્ટ તત્વના સંહારક અને સત્-તત્વના રક્ષક તથા કલ્યાણદાતા એવા દેવ છે. અહીં તેમનાં આધિભૌતિક અને આધિદૈવિક સ્વરૂપ પર ભાર છે. અથર્વવેદમાં તેમને સર્વવ્યાપક, સૃદૃષ્ટિકર્તા અને નિયન્તા કહ્યા છે અને આમ એક પરમ તત્વ તરીકે તેમની સ્થાપનાના સંકેતો મળે છે અને એ રીતે એમનું હવે આધ્યાત્મિક દૃષ્ટિએ નિરૂપણ થવા લાગ્યું, જે આગળ જતાં ઉપનિષદોમાં વિશેષ સ્પષ્ટ થયું. શ્વેતાશ્વેતર ઉપનિષદ કહે છે કે ‘જ્યારે કંઈ જ નહોતું, માત્ર અંધકાર જ હતો ત્યારે શિવ એકલું જ અસ્તિત્વ ધરાવતું તત્વ હતું.’ બૃહદારણ્યકમાં રુદ્રનો દશ પ્રાણ અને અગિયારમા પ્રાણ એવા હૃદય તરીકે ઉલ્લેખ થયો છે, તો મૈત્રાયણી ઉપનિષદમાં રુદ્રને આત્મા કહ્યા છે. અથર્વશિરસ્ ઉપનિષદમાં તેમને પરમ તત્વ કહ્યા છે. તેમાં પાશુપત સિદ્ધાંતનાં બીજ પણ જોઈ શકાય છે. આ ઉપરાંત સ્કન્દોપનિષદ, એકાક્ષરોપનિષદ, જાબાલ્યુપનિષદ, પાશુપત બ્રહ્મોપનિષદ, રુદ્રોપનિષદ, રુદ્રજાબાલોપનિષદ, નીલરુદ્રોપનિષદ જેવાં પ્રમાણમાં પછી રચાયેલાં ઉપનિષદોમાં શિવના સગુણ, નિર્ગુણ અને બંનેથી અતીત એવા પરમ તત્વ તરીકેનો નિર્દેશ તથા કેટલીક ઉપાસનાપદ્ધતિના નિર્દેશો મળે છે. મહાભારત તથા લિંગપુરાણ, શિવપુરાણ, સ્કન્દપુરાણ, મત્સ્યપુરાણ, કૂર્મપુરાણ અને બ્રહ્માંડ પુરાણ જેવાં પુરાણોમાં શિવકથાઓ અને શિવતત્વનાં નિરૂપણો છે. આ રીતે મૂર્ત, અમૂર્ત, વ્યક્ત, અવ્યક્ત, સ્રષ્ટા અને સંહર્તા એવાં દ્વિવિધ સ્વરૂપો દ્વારા એક પરમ તત્વ તરીકે શિવની સંકલ્પના ક્રમશ: દૃઢ થતી ચાલી.
પરંતુ આવા શિવતત્વનું સ્વતંત્ર દર્શન તરીકેનું સવિસ્તર આલેખન તો શૈવાગમોમાં જ મળે છે. એ આગમોને તંત્ર પણ કહેવાય છે. તે આગમ-સાહિત્ય વિપુલ છે. તેઓ મહદંશે કાશ્મીરમાં અને તેથી વિશેષ દક્ષિણ ભારતમાં રચાયાં છે. તેઓ સંસ્કૃત ભાષા તેમજ દક્ષિણની તમિળ વગેરે ભાષાઓ એમ બંનેમાં લખાયાં છે. આ વિશાળ આગમોમાંથી અઢાર આગમો શૈવાગમો મનાયાં છે અને તેમાં શૈવદર્શનની ભિન્ન ભિન્ન વિદ્યાઓનું નિરૂપણ થયું છે. આ શૈવદર્શન ચાર પ્રકારનું છે : શિવદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અથવા શક્તિવિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત.
શૈવદ્વૈત દર્શન : આ દર્શનને સામાન્ય રીતે પાશુપત દર્શન કહે છે અને પાશુપત સંપ્રદાય તેને જ પ્રમાણ માની અનુસરે છે. કેટલાંક ઉપનિષદો, મહાભારત અને પુરાણોમાં તથા વિશેષત: કેટલાંક આગમોમાં પાશુપત દર્શનનું નિરૂપણ જોવા મળે છે. આ ઉપરાંત માધવાચાર્યના ‘સર્વદર્શનસંગ્રહ’માં નકુલીશ (લકુલીશ) પાશુપત નામે એ સિદ્ધાંતનો ઉલ્લેખ છે. ગુણરત્ન તથા ભાસર્વજ્ઞના ગ્રંથોમાં પણ તેનો નિર્દેશ છે; પરંતુ પાશુપત દર્શનનું વિસ્તૃત અવગાહન કોઈ અજ્ઞાતનામા લેખકની ‘રત્નટીકા’ નામની ટીકામાં સુપેરે પ્રાપ્ત થાય છે. વળી, ‘પાશુપત સૂત્ર’ નામના લુપ્તગ્રંથ પર કૌંડિન્યકૃત ‘પઞ્ચાર્થભાષ્ય’ નામનો ગ્રંથ પણ આ સિદ્ધાંતનો પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે. તો રાજા ભોજે દ્વૈતશૈવ સિદ્ધાંતનું પ્રતિપાદન કરતો તત્વપ્રકાશિકા નામનો મહત્વનો ગ્રંથ રચ્યો છે. આ સિવાય પણ કેટલીક ટીકાઓમાં આ દર્શન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ દ્વૈત મતના મુખ્ય સિદ્ધાંતો આ પ્રમાણે છે : મૂળ ત્રણ તત્વો છે : પતિ, પશુ અને પાશ. (1) પતિ : તેમાં સર્વોચ્ચ તત્વ શિવ તે જ પતિ છે. પતિ એક, સર્વવ્યાપી, નિત્ય, અનાદિ, મુક્ત, નિર્મલ, નિયન્તા, શાંત, અકારણકારણ, સૃદૃષ્ટિકર્તા છતાં અવિકારી છે. તે સૃદૃષ્ટિનું નિમિત્ત કારણ છે, જ્યારે તેની શક્તિ ઉપાદાન કારણ છે. આ શક્તિ ચિદ્રૂપા છે. જીવ અને જગત બંને પતિના આધારે છે; પરંતુ પતિ પોતે સ્વતંત્ર છે. (2) પશુ : જીવાત્મા એ પશુ છે. તેની સંખ્યા અનેક છે. તે અજ્ઞાનથી આવૃત છે અને માયાના કારણે સુખદુ:ખનો ભોગ કરે છે. શિવસ્વરૂપનું જ્ઞાન થતાં મોક્ષનો અધિકારી બને છે. આમ, અજ્ઞાન અને માયાના પાશથી બંધાયેલો હોવાથી તે પશુ કહેવાય છે. (3) પાશ : પતિથી પશુને જુદો પાડતું તત્વ છે. પાશમાં મલ, માયા, કર્મ, નિરોધશક્તિ અને બિન્દુ નામના પાંચ અવાંતર પદાર્થોનો સમાવેશ થાય છે. મલ એ જીવના જ્ઞાન અને ક્રિયાશક્તિનું તિરોધાન કરે છે. માયા શુદ્ધ અને અશુદ્ધ – એમ બે પ્રકારની છે. તે વસ્તુરૂપા છે. અશુદ્ધ રૂપે તે જીવોને સંસારમાં પ્રવાહિત રાખે છે; જ્યારે શુદ્ધ રૂપે તે મોક્ષ તરફ ઉન્મુખ કરે છે. જીવ દ્વારા સુખપ્રાપ્તિ કે દુ:ખનિવૃત્તિ માટે થતી ક્રિયા તે કર્મ છે. તે પુનર્જન્મનું પણ કારણ છે. નિરોધ એ જીવના શુદ્ધ જ્ઞાનનો તિરોભાવ કરાવતું તત્વ છે. ખરેખર તો નિરોધ શક્તિ એ પતિની શક્તિ છે. બિન્દુ એ સૃદૃષ્ટિનું ઉપાદાન છે. સાંખ્યાદિ દર્શનોમાં ત્રિવિધ દુ:ખની આત્યન્તિક અને એકાન્તિક મુક્તિને મોક્ષ કહ્યો છે. પણ આ દર્શનમાં તે ઉપરાંત જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ દ્વારા પ્રાપ્ત સિદ્ધિઓનો પણ લાભ મળે છે અને અંતે જીવ પરમ શિવની સરૂપતા પ્રાપ્ત કરે છે; પરંતુ તે શિવથી અલગ જ રહે છે. તેથી આ દ્વૈત દર્શન છે.
શૈવદ્વૈતાદ્વૈત દર્શન : આ દર્શનને લકુલીશ પાશુપત દર્શન પણ કહ્યું છે. ક્રમિક, યોગજ, વિમલ, કિરણ વગેરે અઢાર આગમોમાં તથા પ્રાય: પાશુપત સિદ્ધાંત નિરૂપતા ગ્રંથોમાં આ દર્શનનું પણ પ્રતિપાદન થયું છે. આ દર્શનમાં પતિ, પશુ, યોગ, વિધિ અને દુ:ખાન્ત એ પાંચ પદાર્થો છે. પતિ અને પશુ માટે કારણ અને કાર્ય એવા શબ્દો વપરાયા છે.
(1) પતિ : તે અસત્-ભિન્ન, સત્સ્વરૂપ, આદ્ય, અનંત અને નિત્ય એવા શિવ છે. તે સૃદૃષ્ટિનું કારણ છે પણ તેનું કોઈ કારણ નથી. તે સ્વતંત્ર છે. (2) પશુ : તે પતિનું કાર્ય છે. પોતાના અસ્તિત્વ માટે તે પતિ પર આધાર રાખે છે. આ કાર્ય ત્રણ પ્રકારનું છે : વિદ્યા, કલા અને પશુ. વિદ્યા દ્વિવિધ છે. પહેલી બોધસ્વભાવ વિદ્યા, એના પણ બે પેટાપ્રકાર છે : વિવેકપ્રવૃત્તિ અને અવિવેકપ્રવૃત્તિ; જ્યારે બીજી અબોધસ્વરૂપા ધર્મ, અધર્મ અને સંસ્કાર રૂપે ત્રિવિધ છે. ચેતનને આધીન એવા અચેતન પદાર્થનું નામ કલા છે. તે પણ બે પ્રકારની છે : એક પૃથિવી વગેરે પંચમહાભૂતસ્વરૂપા અને બીજી પંચવિષયાત્મિકા. કલાઓ દ્વારા વશીભૂત જીવ તે પશુ છે. શરીરેન્દ્રિય વિષયલુપ્ત જીવ ‘साज्जन’ છે, જ્યારે તેનાથી મુક્ત જીવ તે निरज्जन છે. (3) યોગ : ચિત્ત દ્વારા આત્મા કે ઈશ્વરનો સંયોગ તે યોગ છે. જેમાં જપ, ધ્યાન, ધારણા વગેરે છે તે ક્રિયાલક્ષણ યોગ છે; જ્યારે ક્રિયાનો ઉપરમ સંવિદ્રૂપ સ્થિતિ તે બીજા પ્રકારનો યોગ છે. (4) વિધિ : યોગ માનસિક ક્રિયા છે ત્યારે વિધિ એ બાહ્ય ઉપાસના છે. તેનું ક્ષેત્ર અતિવિસ્તૃત છે. તેમાં નૃત્ય, ગીત વગેરેનો સમાવેશ થાય છે. (5) દુ:ખાન્ત : ત્રિવિધ દુ:ખનો આત્યન્તિક નાશ તે દુ:ખાન્ત છે. તે સાત્મક અને અનાત્મક એમ બે પ્રકારનો છે. અનાત્મક કેવળ દુ:ખ-મુક્તિ છે, જ્યારે સાત્મકમાં સર્વજ્ઞતા જેવી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે અને પછી સકલ ભેદોનું શમન થતાં મલનાશથી જીવ સ્વયં પતિ એટલે કે શિવ બની જાય છે. મલ અને માયાના કારણે પરિચ્છિન્ન હોવાથી જીવ પરતંત્રતા અનુભવે છે. તે તત્વત: પતિથી અભિન્ન હોવા છતાં પરાધીનતા અનુભવે છે; તેથી તે સ્થિતિમાં દ્વૈત છે અને સ્વરૂપનો બોધ થતાં જ તે પોતાના મૂળ રૂપે શિવત્વનો અનુભવ કરે છે; તેથી અદ્વૈત છે. એટલે આ દર્શન શૈવદ્વૈતાદ્વૈત દર્શન છે.
વિશિષ્ટાદ્વૈત-શક્તિવિશિષ્ટાદ્વૈત : અનુક્રમે શ્રીકંઠ અને શ્રીપતિનાં ‘બ્રહ્મસૂત્રભાષ્યો’માં આ સિદ્ધાંતનું પ્રતિપાદન થયું છે. આ દર્શનને વીરશૈવસિદ્ધાંત પણ કહે છે. પરમશિવ-બ્રહ્મમાં અપૃથગ રૂપે રહેતી શક્તિ તેનું વિશેષણ છે. આ શક્તિ ચિદચિદ્વિશિષ્ટ શક્તિ છે. તે સ્થૂળ અને સૂક્ષ્મ એમ બે પ્રકારની છે. પ્રથમ શક્તિથી ‘પર શિવ’નું અને દ્વિતીયાથી ‘જીવ’નું ગ્રહણ થાય છે. શક્તિવિશિષ્ટ પરમ શિવ સાથે શક્તિવિશિષ્ટ જીવના ઐક્યનો બોધ એ જ આ સિદ્ધાંતનો સાર છે. શિવ અને શક્તિ વચ્ચે અવિનાભાવ સંબંધ છે. સૂર્ય અને તેની પ્રભા જેવો આ સંબંધ છે. તે નિત્ય છે. શાંકર વેદાન્તથી જુદું પડતું આ દર્શન જગતને મિથ્યા નહિ પણ સત્ય માને છે. તે શક્તિવિશિષ્ટ શિવથી આવિર્ભાવ પામ્યું છે અને પ્રલય કાળે તેમાં જ લય પામે છે. કાચબાનાં અંગોની જેમ આ ઉત્પત્તિ-લય થયાં કરે છે તે બીજું કંઈ નથી પણ શક્તિવિકાસ અને શક્તિસંકોચ છે. જીવ પણ શિવનો અંશ છે. જીવ અને શિવ વચ્ચે પારમાર્થિક ભેદાભેદ છે. તે અગ્નિ અને તેના સ્ફુલ્લિગં જેવો છે. તત્વો કે પદાર્થોની બાબતમાં આ દર્શન સામાન્યત: પાશુપત મતની સમાન છે.
અદ્વૈત-શિવાદ્વૈત-પ્રત્યભિજ્ઞા દર્શન : ‘પ્રત્યભિજ્ઞા’ નામથી પ્રસિદ્ધ આ દર્શન તમામ શૈવદર્શનોમાં પ્રધાન છે. તેના પ્રમુખ આચાર્યો કાશ્મીરના હોવાથી અને કાશ્મીરમાં તેનો વિકાસ થયો હોવાથી આ દર્શનને કાશ્મીરી શૈવદર્શન પણ કહે છે. ‘માલિનીવિજયોત્તર’, ‘સ્વચ્છન્દ’, ‘શિવસૂત્ર’ અને ‘પરાત્રિંશિકા’ – એ આગમોને આ દર્શનનો મૂળ આધાર માનવામાં આવે છે. આ ઉપરાંત આ દર્શનનું વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે. અર્વાચીન સમયમાં પણ તેના પર વિભિન્ન ભાષાઓમાં અનેક ગ્રંથો લખાયા છે. તોપણ આ દર્શનની તલસ્પર્શી અને વ્યાપક વિચારણા કરનારા ત્રણ આચાર્યોના ગ્રંથો નોંધપાત્ર રહ્યા છે. તેમાં પ્રથમ આચાર્ય સોમદેવે ‘શિવદૃષ્ટિ’ નામના ગ્રંથમાં સર્વ શૈવાગમોનો નિચોડ આપ્યો છે. આ દર્શનના મૂળ આચાર્ય તો વસુગુપ્તને માનવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે શિવપલ નામની એક ચટ્ટાન પર શિવસૂત્રો કોતરવામાં આવ્યાં હતાં. ભગવાન શિવે વસુગુપ્તને સ્વપ્નમાં આવી આ સૂત્રોના ઉદ્ધાર માટે આદેશ આપ્યો. આચાર્ય વસુગુપ્ત(ઈ. સ.ની નવમી સદી)ના શિષ્ય તે જ સોમાનન્દ. તેમણે જ આ સૂત્રોના રહસ્યને સ્પષ્ટ કર્યું. એમના પટ્ટ-શિષ્ય ઉત્પલદેવે આ સિદ્ધાંતોનું વિશેષ વિવરણ કરતો ‘ઈશ્વરપ્રત્યભિજ્ઞા’ નામનો ગ્રંથ આપ્યો. ઉત્પલદેવના શિષ્ય આચાર્ય અભિનવગુપ્તે આ દર્શનને યોગ્ય ક્રમમાં ગોઠવી, તેનાં તત્વો, સિદ્ધાંતો અને ઉપાસનાપદ્ધતિને વ્યાપક અને સુવ્યવસ્થિત રૂપ આપ્યું. તેમનો ‘તંત્રાલોક’ આ દર્શનનો માન્ય ગ્રંથ છે અને તેનું જ સંક્ષિપ્ત રૂપ ‘તંત્રસાર’ નામનો બીજો ગ્રંથ છે. વસુગુપ્તના શિષ્ય માહેશ્વરાચાર્યે સ્પન્દસિદ્ધાંતનું નિરૂપણ કર્યું. માહેશ્વરાચાર્ય કલ્લટના નામે ઓળખાય છે. તેમણે બાવન શ્લોકોમાં રચેલો ‘સ્પન્દકારિકા’ ગ્રંથ સરળ હોવા છતાં ગૂઢ બની રહ્યો છે. આ ઉપરાંત ક્ષેમરાજ, વરદરાજ તથા અન્ય આચાર્યોએ, વૃત્તિ, ટીકા અને સ્વતંત્ર પ્રકરણો પણ લખ્યાં છે. આ દર્શનમાં પણ પતિ, પશુ અને પાશને મૂળભૂત રૂપે સ્વીકાર્યાં હોઈ તેને ત્રિક સિદ્ધાંત પણ કહે છે. આ દર્શનમાં સ્વાતંત્ર્યવાદ, આભાસવાદ, સંવિદ્-દ્વયવાદ કે યથાર્થપ્રત્યયવાદ રૂપે નિરૂપણ થયું છે. સ્વાતંત્ર્ય, પ્રકાશ અને વિમર્શ – એ મૂળ સિદ્ધાંત છે. કેવલ પરમશિવ, પરમેશ્વર જ પરમ સત્ય છે. સંસાર તેનો વિલાસ છે. તે જ પરમ ચૈતન્ય અને સ્વપ્રકાશ છે. અહીં પ્રકાશને જ આભાસ કહ્યો છે એટલે એનો અર્થ અન્ય અર્થ કરતાં વિશિષ્ટ છે. એ પ્રકાશ પરમ ચેતના છે. તે પોતે જ પોતામાં સ્વતંત્ર રીતે અધિષ્ઠિત છે. સ્વપ્ન અને સુષુપ્તિમાં પણ તે જ શુદ્ધ અહં રૂપે જાગ્રત રહે છે; પણ જ્યારે એ પ્રકાશની સાથે શરીર, બુદ્ધિ, પ્રાણ વગેરે સંલગ્ન હોય છે ત્યારે અહમ્ અશુદ્ધ હોય છે. શુદ્ધ અહં તો પૂર્ણ અને નિરતિશય અવિકારી છે. તેનાં જ નામો પરાસંવિત્, પરમેશ્વર, પરમશિવ તથા અનુત્તર છે. વિશ્વાત્મક રૂપે પરમ શિવ સર્વમાં વ્યાપક છે અને વિશ્ર્વોત્તીર્ણ રૂપે તે સર્વ પદાર્થોનું અતિક્રમણ કરે છે. આ અનેકવિધ જગત પરમશિવ સાથે નિતાન્ત અભિન્ન છે અને તેનું સ્ફુરણ માત્ર છે. સ્વભિત્તિ ઉપર, માત્ર પોતાના આધારે જ સ્વેચ્છાથી તે જગતનું ઉન્મીલન કરે છે. પોતાના પ્રકાશની અનુભૂતિ તે વિમર્શ છે. વિમર્શ એ પ્રકાશનો સ્વભાવ છે. પ્રકાશ અને વિમર્શ અભિન્ન જ છે. બુદ્ધિરૂપી દર્પણમાં પડતા પ્રકાશનો વિમર્શ તે इदम् છે. તેને જ જગત કહે છે. इदम् – शुद्ध अहम् થી અંતતોગત્વા, ભિન્ન નથી, પણ સ્વયં શિવ જ છે એવી અનુભૂતિ સમજણ કે ઓળખાણ એ જ પ્રત્યભિજ્ઞા છે. સૃદૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોધાન અને અનુગ્રહ – એ પરમ શિવનાં પાંચ મહાન કાર્યો છે તો ચિત્, આનન્દ, ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા તેમની પાંચ શક્તિ છે. આ સર્વનો સમાવેશ કાશ્મીરી શૈવ પરંપરા નીચેનાં છત્રીસ તત્વોમાં કરે છે. (1થી 5) પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ એ પંચમહાભૂતો; (6-10) રૂપ, રસ, ગંધ, તેજ, સ્પર્શ અને શબ્દ એ પાંચ તન્માત્રાઓ; (11-20) પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો (21-23) મન, બુદ્ધિ, અહંકાર એ ત્રણ અંત:કરણ (24-25) પ્રકૃતિ અને પુરુષ, (26-31) નિયતિ, કાલ, રાગ, વિદ્યા, કલા અને માયા એ છ કંચુક તથા (32-36) શુદ્ધ વિદ્યા, ઈશ્વર, સદાશિવ, શક્તિ અને શિવ – એ છ શુદ્ધ તત્વો. શુદ્ધ તત્વો શુદ્ધ અહમ્ છે. વળી માયા વગેરેથી इदंની ભિન્નતા થાય છે અને કંચુક એટલે કે બંધ કે પરિચ્છિન્નતાને કારણે પ્રકૃતિ-પુરુષ, જીવ-જગત બધું પ્રગટ થાય છે. કાર્મ મળ, માયીય મળ અને આણવ મળ બંધનાં કારણ છે. શાંભવ, શાક્ત અને આણ્વોપાયથી મળનાશ થતાં ક્રમશ: પરમશિવાદ્વૈતની અનુભૂતિ થાય છે.
વસંત પરીખ