શેવડે, વસંત ત્ર્યંબક (જ. 1917, મુંબઈ; અ ?) : સંસ્કૃત ભાષાના કવિ અને વિદ્વાન. તેમની મહાકાવ્ય સમી રચના ‘વિંધ્યવાસિનીવિજય મહાકાવ્ય’ બદલ 1985ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ અમરાવતીમાં મેળવ્યું. 1941માં તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી.
તેમણે સંસ્કૃત સાહિત્ય તથા વ્યાકરણનો ગહન અભ્યાસ કર્યો છે, ભારતીય તર્ક-મીમાંસા પદ્ધતિના તેઓ નામાંકિત મર્મજ્ઞ છે. તેમની પ્રકાશિત કૃતિઓ છે – ‘શુંભવધમહાકાવ્યમ્’, ‘રઘુનાથ-તાર્કિક-શિરોમણિચરિતમ્’, ‘શ્રીકૃષ્ણચરિતમ્’, ‘શ્રી મોતીબાબાજામદાર- ચરિતમ્’ તથા ‘અભિનવમેઘદૂતમ્’. આ ઉપરાંત ઉદયનાચાર્ય-
રચિત ‘ન્યાય-કુસુમાંજલિ’ પરની વિદ્વત્તાપૂર્ણ ટીકા પણ તેમણે પ્રગટ કરી છે.
પુરસ્કૃત કૃતિ પુરાણો પર આધારિત દુર્ગા પર રચાયેલું મહાકાવ્ય છે. મહાકાવ્યસહજ રૂપ-બંધ, વર્ણનકલાનું સામર્થ્ય તથા ભક્તિજન્ય સંવેદના બદલ આ રચના સંસ્કૃત સાહિત્યમાં અનુપમ ઉમેરણ લેખાઈ છે.
મહેશ ચોકસી