શેલી, એન્ડ્રુ વી. (Schally, Andrew V.)

January, 2006

શેલી, એન્ડ્રુ વી. (Schally, Andrew V.) (. 30 નવેમ્બર 1926, વિલ્નો પોલૅન્ડ) : સન 1977ના રોજર ગિલ્મિન (Roger Guillemin) (1/4 ભાગ) અને રોઝાલિન યૅલો (1/2 ભાગ) સાથેના 1/4 ભાગના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમણે આ સન્માન મગજમાં ઉત્પાદન પામતા પેપ્ટાઇડ અંત:સ્રાવો (hormones) અંગેના ગિલ્મિન સાથેના શોધાન્વેષણ (discovery) માટે મળ્યું હતું. રોઝાલિન યેલો આ સન્માન પેપ્ટાઇડ અંત:સ્રાવોના વિકિરણશીલ પ્રતિરક્ષાલક્ષી આમાપન(radio immunoassay)ની પદ્ધતિ વિકસાવવા માટે મળ્યું હતું. શેલી અમેરિકાની વેટેરન્સ એડ્મિનિસ્ટ્રેશન હૉસ્પિટલ, ન્યૂ ઑર્લિયન્સ, લૉસ એન્જેલિસના વૈજ્ઞાનિક છે. તેમના પૂર્વજો પોલિશ, ઍસ્ટ્રો હંગેરિયન, ફ્રેન્ચ અને સ્વીડિશ હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝી-શાસિત પૂર્વ યુરોપમાં તેમનું બાળપણ સંઘર્ષ સાથે વીત્યું. તે સમયે તેઓ રોમાનિયાના યહૂદી-પોલિશ સમુદાયમાં રહેતા હતા. તેમના પિતા મિત્રરાજ્યોના સૈનિક તરીકે યુદ્ધમાં જોડાયેલા હતા. સન 1945માં તેઓ ઇટાલી, ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ થઈને સ્કૉટલૅન્ડ પહોંચ્યા. તેમણે 1946માં શાળાશિક્ષણ પૂરું કર્યું અને લંડનમાં રસાયણશાસ્ત્ર ભણવા માંડ્યા. તે સમયે તેઓ ફૂટબૉલ રમતા અને સંગીતમાં પણ રસ ધરાવતા હતા.

23 વર્ષની ઉંમરે તેઓ તબીબી સંશોધન તરફ આકર્ષાયા ત્યારે તેઓ ઇંગ્લૅન્ડની રાષ્ટ્રીય તબીબી સંશોધન-સંસ્થામાં જોડાયા. ત્યાં તેમણે વિવિધ રસાયણશાસ્ત્ર અને તબીબીવિદ્યાના નોબેલ પારિતોષિક-વિજેતાઓ સાથે કામ કર્યું. સન 1952માં તેઓ મૉન્ટ્રિયલ, કૅનેડા ગયા અને મેક્ગિલ વિશ્વવિદ્યાલયમાં જોડાયા. ત્યાં તેઓ અંત:સ્રાવવિદ્યા (endocrinology) અને પ્રાયોગિક ચિકિત્સાવિદ્યા (experimental therapeutics) શીખ્યા અને તેમને મગજનાં કાર્યો અને અંત:સ્રાવોનાં કાર્યો વચ્ચેના સંબંધ વિશે રસ જાગ્યો. સન 1954માં તેમને અધશ્ર્ચેતક વિસ્તાર(hypothalamic region)માં વિશેષ રસ પેદા થયો.

એન્ડ્રુ વી. શેલી

સન 1955માં તેમણે અને ડૉ. સેફ્રાને બહિર્દેહી પ્રણાલી (invitro system) વડે અધશ્ર્ચેતક અને ચેતાપીયૂષિકા(neuro hypophysis)માં બાહ્યકપોષી વિમુક્તક ઘટક (corticotrophin releasing factor, CRF) શોધી બતાવ્યો. પીયૂષિકા ગ્રંથિ(pituitary gland)ના કાર્યનું નિયમન અંત:સ્રાવો વડે થાય છે તેવું દર્શાવતી આ પ્રથમ સાબિતી હતી. સન 1957માં તેમણે ડૉક્ટરેટ પ્રાપ્ત કરી. સન 1957થી 1962 સુધી તેઓ હ્યુસ્ટન, ટેક્સાસમાં દેહધર્મવિદ્યાના મદદનીશ પ્રાધ્યાપક તરીકે રહ્યા, પણ તેમનું CRF પરનું સંશોધન અટકી પડ્યું. તે સમયે તેમની શોધ અંગે શંકાઓ પ્રદર્શિત કરાયેલી.

સન 1961માં તેમણે ઇલેક્ટ્રૉફૉરેસિસ અને અન્નમાર્ગના એટલે કે જઠરાંત્રીય (gastrointestinal) અંત:સ્રાવો અંગે માહિતી મેળવી. સન 1962માં તેઓ અમેરિકાના નાગરિક બન્યા. સન 1962માં તેઓ વેટેરન્સ એડ્મિનિસ્ટ્રેશન ખાતે અધશ્ર્ચેતક અંગેના સંશોધન માટેની પ્રયોગશાળાના સ્થાપક વડા બન્યા. સન 1962માં તેઓ ન્યૂ ઑર્લિયન્સની વેટેરન્સ એડ્મિનિસ્ટ્રેશન હૉસ્પિટલના અંત:સ્રાવ અને બહુપેપ્ટાઇડ (polypeptide) વિભાગના વડા અને ટુલેન વિશ્વવિદ્યાલયમાં મેડિસિન વિષયના સહપ્રાધ્યાપક બન્યા. ત્યાં સન 1966માં પ્રાધ્યાપક બન્યા. ગલગ્રંથિપોષી વિમોચક અંત:સ્રાવ (thyrotrophic releasing hormone, TRH) પીતપિંડકારી અંત:સ્રાવ-વિમોચક અંત:સ્રાવ (luteinzing hormone-releasing hormone, LHRH) અને પોર્સાઇન સોમેટોસ્ટેટિન અંગેનાં તેમનાં સંશોધનો અનુક્રમે સન 1969, 1971 અને 1975માં થયાં. તેઓ નિદાન-ચિકિત્સીય વાતાવરણમાં કામ કરતા હતા, તેથી તેમને વધુ સારાં નિદાન અને સારવારના ઉપાયોમાં રસ પડ્યો. તેમને લાગ્યું કે વ્યંધ્યતાની સમસ્યા તેમજ વસ્તીનિયંત્રણની જરૂરિયાત એમ બંને દિશામાં કાર્ય કરવા માટે પ્રજનનલક્ષી અંત:સ્રાવવિદ્યા(reproductive endocrinology)માં રસ લેવો જોઈએ. તેથી તેમણે ગર્ભનિરોધક સ્ટીરોઇડો અને ક્લૉમિફેન પર અભ્યાસ કર્યો. સન 1966માં તેમણે ગલગ્રંથિપોષક-વિમોચક અંત:સ્રાવ(TRH)માં ગ્લુટામિક ઍસિડ, હિસ્ટાડિન અને પ્રોલિન નામના ત્રણ અંત:સ્રાવ સમ-આણ્વિકભાર (equimolar) સાથે રહેલા છે એવું દર્શાવ્યું. સન 1969 પછી તેમણે TRHનું બંધારણ શોધી બતાવ્યું. તેમણે LH-RHનું શુદ્ધ નિષ્કર્ષ સ્વરૂપ (pure isolate) તૈયાર કરવામાં ઘણી જહેમત ઉઠાવી અને 1,60,000 અધશ્ર્ચેતકોમાંથી 800 mg. જેટલું LH-RH છૂટું પાડીને દર્શાવ્યું કે તે એક બહુપેપ્ટાઇડ દ્રવ્ય છે. સન 1971માં તેમણે તેમના સાથીદારોની મદદથી LH-RHનું બંધારણ દર્શાવ્યું અને સન 1977 સુધીમાં તેના સમધર્મીઓ (analogs) પણ શોધ્યા. તે ગર્ભનિરોધક ઔષધ તરીકે સફળતા પામે તેમ છે તેમ તેમને લાગ્યું.

તેમણે 1981માં LHRH પુર:સ્થગ્રંથિ(prostate gland)ના કૅન્સરમાં અસરકારક દ્રવ્ય છે તેવું શોધી બતાવ્યું. તેમણે 2200 શોધલેખો લખ્યા છે, જેમાંના 1,200 લેખો નોબેલ પારિતોષિક પછી છે. તેમને અનેક માન-સન્માનો મળેલાં છે.

તેઓ સન 1974માં એના મારિયા સાથે પરણ્યા હતા. સન 2004ના સપ્ટેમ્બરમાં તેમનાં પત્ની ગલગ્રંથિના કૅન્સરને કારણે અવસાન પામ્યાં.

શિલીન નં. શુક્લ