શેઠિયા, કનૈયાલાલ (જ. 11 સપ્ટેમ્બર 1919, સુજનગઢ, જિ. ચુરુ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદીના કવિ. તેઓ સમાજસેવક તથા સ્વાતંત્ર્યસૈનિક છે. તેઓ 1973-77 સુધી રાજસ્થાની સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બોર્ડના સભ્ય; રાજસ્થાની સાહિત્ય અકાદમી, ઉદયપુર; રાજસ્થાની સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી તથા હરિજન સેવક સંઘના સભ્ય રહ્યા હતા.
તેમણે અત્યાર સુધીમાં રાજસ્થાની, હિંદી તથા ઉર્દૂમાં કુલ 30 ગ્રંથો આપ્યા છે. રાજસ્થાનીમાં : ‘મિન્ઝર’ (1972); ‘લીલ્ટાન્સ’ (1974) તેમના કાવ્યસંગ્રહો છે. ‘ગલ્ગચિયા’ (1960) ગદ્યકાવ્ય છે. હિંદીમાં : ‘અગ્નિવીણા’ (1940); ‘પ્રતિબિંબ’ (1960); ‘અનામ’ (1974); ‘નિર્ગ્રથ’; ‘આકાશગંગા’; ‘નિષ્પત્તિ’; ‘શ્રેયસ્’ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ઉર્દૂમાં : ‘તાજમહલ’ વગેરે મુખ્ય છે.
તેમના સંખ્યાબંધ ગ્રંથો ઉચ્ચ માધ્યમિક અને યુનિવર્સિટી-કક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત કરાયા છે. તેમના કાવ્ય ‘ધરતી ધોરણ રી’ પર આધારિત દસ્તાવેજી ચિત્રનું નિર્માણ કરાયેલું, જેને ગોલ્ડન લોટસ ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેઓ સંખ્યાબંધ શૈક્ષણિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમણે મેવાડ સંકુલ, હલદીઘાટીની સ્થાપના કરી અને હરિજનો અને દલિતોના લાભાર્થે કાર્ય કર્યું.
તેમની રાજસ્થાની કૃતિ ‘લીલ્ટાન્સ’ નામક 68 કાવ્યોના સંગ્રહ બદલ તેમને 1976ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
તેમના પ્રસ્તુત કાવ્યસંગ્રહમાં શૈલીની તાજગી, ગહન આધ્યાત્મિક મૂલ્ય, ભારતીય વિચારધારા અને ટૅક્નોલૉજિકલ સંસ્કૃતિ વચ્ચેના તણાવના નિરૂપણને કારણે રાજસ્થાની સાહિત્યમાં તેનું સ્થાન અનોખું રહ્યું છે.
રાજસ્થાની તથા હિંદી સાહિત્યમાં તેમણે કરેલા પ્રદાન બદલ તેમને 1981માં એલ. પી. ટેસ્સિટોરી મેમૉરિયલ ગોલ્ડમેડલ; 1982માં વિવેક સંસ્થાન સન્માન, કોલકાતા; 1986માં જ્ઞાનપીઠ મૂર્તિદેવી સાહિત્ય પુરસ્કાર; 1987માં સૂર્યમલ મિશ્રા શિખર પુરસ્કાર; 1989માં નાહર સન્માન પુરસ્કાર પ્રાપ્ત થયાં છે.
બળદેવભાઈ કનીજિયા