શેખ, વજીહુદ્દીનનો રોજો : અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં આવેલું મુઘલકાલીન સ્થાપત્ય. મૌલાના વજીહુદ્દીન સૂફી સંત હતા. તેઓ ચાંપાનેરના વતની હતા અને 1537થી અમદાવાદ આવી વસ્યા હતા. તેમણે અહીં મદરેસા સ્થાપી હતી. તેઓ ‘અલવી’ના ઉપનામે સાહિત્ય-રચના પણ કરતા. 1589માં તેમનું અવસાન થતાં તેમના નિવાસ પાસે જ તેમને દફનાવવામાં આવ્યા હતા. ગુજરાતના તત્કાલીન મુઘલ સૂબેદાર મુર્તઝાખાને એમની કબર પર રોજો બંધાવ્યો. વજીહુદ્દીનના પૌત્ર શેખ હૈદરે રોજામાં મસ્જિદ અને હોજ બંધાવ્યાં હતાં. મુઘલ બાદશાહ જહાંગીર જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે તેમણે આ સ્થળની પણ મુલાકાત લીધી હતી. શેખની દરગાહ અને મસ્જિદને ફરતી ઊંચી દીવાલ છે. દરગાહ પશ્ચિમ બાજુએ આવેલી છે. દરગાહનું બાંધકામ ઊંચી પીઠિકા પર કરેલું છે. તેમાં પ્રવેશવા માટે ચારેય દિશામાં બે બે પ્રવેશદ્વારની રચના છે. બંને બાજુએ બીજાં ચાર ચાર પ્રવેશદ્વારો આવેલાં છે. અંદરની બાજુએ રોજાનો વિસ્તાર 9.3 x 17.8 મીટરનો છે. બંને તરફ સ્તંભોની હરોળ છે. મુખ્ય ઘૂમટની નીચે શેખ વજીહુદ્દીનની કબર છે. અગ્નિ ખૂણામાં એમનાં સગાંઓની નવ કબરો છે. આરસની બનેલી મુખ્ય કબરની ઉપર ચોરસ આકારનો મિનારો છે. મિનારાનું શીર્ષ ડુંગળી આકારના ઘૂમટથી આવૃત છે. રોજાની બંને બાજુની જાળીઓનું કોતરકામ આકર્ષક છે.
થૉમસ પરમાર