શૂલરોગ : વાત, પિત્ત, કફ તથા આમથી થતો પેટનો દુ:ખાવો (colic pain). આયુર્વેદમાં પારિભાષિક શબ્દ તરીકે પેટના દુખાવા માટે ‘શૂલ’ શબ્દ રોગ તરીકે વપરાય છે. શૂલરોગ (પેટનો દુખાવો) આઠ પ્રકારનો થાય છે : વાત, પિત્ત, કફથી એક એક કરી ઉત્પન્ન થાય છે તે ત્રણ; વાતપિત્ત, પિત્તકફ, કફવાત એમ બે બે દોષથી 3 પ્રકાર થાય છે અને ત્રણેય દોષોથી એક એટલે કે વાત, પિત્ત અને કફના સંયુક્ત પ્રકોપથી ઉત્પન્ન થાય છે તે ત્રિદોષજ અને આમદોષથી ઉત્પન્ન થાય છે તે. આ રીતે આઠ પ્રકારના શૂલરોગ છે. વાતજ શૂલમાં પીડા વધુ હોય છે, વિબંધ (કબજિયાત) હોય છે, સોય ભોંકાવા જેવી પીડા કે વેદના થાય છે. આ પીડા શેક કરવાથી, માલિશ કરવાથી તથા પેટ ઉપર મર્દન કરવાથી ઓછી થાય છે. પિત્તજન્ય શૂલમાં પેટમાં જલન (દાહ) થાય છે, પરસેવો આવે છે, તરસ વધારે લાગે છે. આ પ્રકાર ઠંડા પીણા તથા ઉપચારથી શાંત થાય છે. કફજન્ય શૂલમાં મંદ વેદના, શિરમાં દુ:ખાવો, વિબંધ (કબ્જ) અંગમર્દ (શરીરમાં થતો તોડ), મોઢામાં પાણી આવવું, ઊલટી જેવું લાગવું આ લક્ષણો થાય છે. જ્યારે બે બે દોષોના પ્રકોપથી જે તે દોષોનાં લક્ષણો થાય છે અને ત્રણેય દોષોના પ્રકોપથી ત્રિદોષનાં લક્ષણો ઉત્પન્ન થાય છે. આમદોષજન્ય શૂલમાં પેટમાં ગડગડાટ થાય છે, પેટ ફૂલી જાય છે, ઊલટી થાય છે અને મોઢામાં પાણી આવવાનાં લક્ષણો થાય છે. જે શૂલમાં પિત્તનું પ્રમાણ અધિક હોય અને જમ્યા પછી પાચનકાળમાં જે શૂળ ઉત્પન્ન થાય છે, તેને ‘પરિણામશૂળ’ કહે છે. જે શૂળ ભોજનપૂર્વે, ભોજનમધ્યે અથવા ભોજન પછી ગમે ત્યારે થાય છે તે ‘અન્નદ્રવ શૂલ’ કહેવાય છે. શૂલરોગમાં હીંગ, લસણ, સંચળ વગેરેની દવાઓ તથા શંખવટી, લશુનાદિ વટી, અજમોદાદિ ચૂર્ણ, હિંગાવષ્ટક ચૂર્ણ, લવણભાસ્કર ચૂર્ણ, શિવાક્ષાર પાચન ચૂર્ણ, અવિપત્તિકર ચૂર્ણ, શતાવરીઘૃત વગેરે દવાઓ દોષાનુસાર લાભકારક બને છે.
હરિદાસ શ્રીધર કસ્તૂરે
બળદેવપ્રસાદ પનારા