શૂદ્રક : સંસ્કૃત નાટ્યકાર. ‘મૃચ્છકટિક’ નાટકના સર્જક. તેની પ્રસ્તાવનામાં શૂદ્રક વિશે જે માહિતી મળે છે તે આ પ્રમાણે છે : શૂદ્રક ઋગ્વેદ, સામવેદ અને ગણિતના તેમજ નૃત્ય અને સંગીત જેવી વૈશિકી કલાના જાણકાર હતા. ભગવાન શિવની કૃપાથી તેમને ગજશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થયેલું. તેમની આંખો બગડેલી, પણ પછીથી તે સારી થયેલી. તેમણે અશ્વમેધ યજ્ઞ કરેલો. તેઓ પોતાના પુત્રને ગાદીએ બેસાડી મૃત્યુ પામેલા. પૂરાં સો વર્ષ અને ઉપર દસ દિવસ જીવીને અંતે તેમણે અગ્નિમાં પ્રવેશ કરેલો. તેઓ યુદ્ધો લડવાના શોખીન, આળસ વગરના, તપસ્વી અને વેદના જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ તથા મોટા હાથીઓ સાથે બાહુયુદ્ધ કરવાનો શોખ ધરાવનારા હતા. તેઓ સુંદર શરીર, હાથી જેવી ચાલ, ચકોર જેવાં નયનો અને ચંદ્ર જેવું મુખ ધરાવતા હતા. તેઓ બ્રાહ્મણોમાં મુખ્ય હતા. આ માહિતીમાં પોતે મૃત્યુ પામ્યા એમ પોતે કેવી રીતે લખી શકે એ બાબત શંકા કરીને પરદેશી વિદ્વાનો તેને પ્રમાણભૂત માનતા નથી, જ્યારે ભારતીય પરંપરાના વિદ્વાનો આ માહિતી સાચી હોવાનું માને છે.
શૂદ્રક રાજાનું પાત્ર પ્રાચીન કાળથી જાણીતું છે. મહાકવિ કાલિદાસે પુરોગામી તરીકે ઉલ્લેખેલા રામિલ અને સૌમિલ નામના નાટ્યકારોએ ‘શૂદ્રકકથા’ નામનો ગ્રંથ લખેલો. બાણભટ્ટની ‘કાદંબરી’ મુજબ શૂદ્રક વિદિશા નગરીનો રાજા હતો; જ્યારે તેમના ‘હર્ષચરિત’ મુજબ ચકોરના રાજા ચંદ્રકેતુનો શત્રુ શૂદ્રક હતો. ‘કથાસરિત્સાગર’ મુજબ શૂદ્રક શોભાવતી નગરીનો અને ‘વેતાલપંચવિંશતિ’ મુજબ વર્ધમાન નગરનો રાજા હતો. ‘સ્કંદપુરાણ’ના અહેવાલ મુજબ વિક્રમ સંવતના સ્થાપક રાજા વિક્રમાદિત્યથી 27 વર્ષ પહેલાં શૂદ્રક નામનો રાજા રાજ્ય કરતો હતો. કલ્હણની ‘રાજતરંગિણી’ મુજબ શૂદ્રક સ્થિર નિર્ણય કરનારો રાજા હતો. કેટલાંક પુરાણોમાં આંધ્રભૃત્ય કુળના રાજા શિમુકનું વર્ણન છે, જે ઈ. પૂ. પહેલી સદીમાં થઈ ગયો; પરંતુ રાજા શિમુક એ જ શૂદ્રક છે એ સિદ્ધ કરવા પુરાવાઓ મળતા નથી.
‘મૃચ્છકટિક’ના લેખક શૂદ્રકનો સમય નક્કી કરવા માટે નીચેના મુદ્દાઓ પ્રસ્તુત છે :
આચાર્ય વામને આઠમી સદીમાં ‘મૃચ્છકટિક’ નાટકની એક પંક્તિ અને આચાર્ય દંડીએ સાતમી સદીમાં તેમાંનો એક શ્લોક ઉદ્ધૃત કર્યાં છે. તેથી શૂદ્રક સાતમી સદી પહેલાં થઈ ગયા છે. પાંચમી સદીમાં થયેલા વરાહમિહિરે ગુરુ અને મંગળને મિત્રગ્રહો કહ્યા છે, જ્યારે ‘મૃચ્છકટિક’માં તે બંને ગ્રહોને શત્રુ કહ્યા છે; તેથી ચોથી સદી પહેલાં શૂદ્રકનો સમય ગણી શકાય. વળી ન્યાયાધીશ નાયક ચારુદત્તને ‘મૃચ્છકટિક’માં જે શિક્ષા કરે છે તે ‘મનુસ્મૃતિ’ મુજબની છે. તેથી ઈ. પૂ. બીજી સદીમાં શૂદ્રકને મૂકી શકાય. વળી ભાસના ‘દરિદ્રચારુદત્ત’ નાટકનો વિસ્તાર ‘મૃચ્છકટિક’માં છે એમ માનનારા વિદ્વાનો શૂદ્રકને ઈ. પૂ. ત્રીજી સદીમાં થઈ ગયેલા માને છે.
શૂદ્રકે લખેલું ‘પદ્મપ્રાભૃતક’ નામનું ભાણ ‘ચતુર્ભાણી’માં પ્રકાશિત થયેલું છે અને તે પ્રાચીન પરંપરાનું હોઈ પાછળના સમયમાં લખાયેલ ભાણોની પરંપરા પાળતું નથી. જ્યારે શૂદ્રકનું ‘મૃચ્છકટિક’ સંસ્કૃત સાહિત્યનું એકમાત્ર સામાજિક નાટક છે; સાથે સાથે ઘણી બાબતોમાં અપૂર્વ છે. તેમાં દસ અંકોનું કદ, બે નાટકો થાય તેવાં બે કથાનકો, વેશ્યા નાયિકા, ગરીબ બ્રાહ્મણ નાયક, વિવિધ પ્રાકૃત ભાષાઓનો વિનિયોગ, વાસ્તવિક સમાજનું યથાતથ આલેખન, ઘણાં પાત્રોની ભરમાર, શકારનું અદ્વિતીય અને વિલક્ષણ પાત્ર, રસવૈવિધ્ય અને પ્રસંગવૈવિધ્ય, ઉત્તમ સંવાદો, અનેક પ્રકારનું હાસ્ય, સરળ શૈલી, ઉત્પાદ્ય કથાનક, બધા અંકોમાં નાયકની ઉપસ્થિતિનો અભાવ અને ભરતના નાટ્યશાસ્ત્રના નિયમોનો ભંગ એ બધી ‘મૃચ્છકટિક’ની વિલક્ષણતાઓ શૂદ્રકને અન્ય સંસ્કૃત નાટ્યકારોથી તદ્દન અલગ પાડે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી