કૉર્નુ, એ. એ. : (જ. 25 ઑગસ્ટ 1801, ગાઝ, ઑસ્ટ્રિયા; અ. 31 માર્ચ 1877, પૅરિસ) : ફ્રેન્ચ અર્થશાસ્ત્રી અને ગણિતજ્ઞ. અર્થશાસ્ત્રના સૈદ્ધાંતિક વિશ્લેષણમાં ગાણિતિક તકનીકી પદ્ધતિઓનો ઉપયોગ કરનારા તે સર્વપ્રથમ અર્થશાસ્ત્રી ગણાય છે. તેમનું સૈદ્ધાંતિક વિશ્લેષણ મુખ્યત્વે બજારની સમતુલાની પ્રક્રિયાને આંશિક કે એકદેશીય રૂપે સ્પર્શે છે, જેમાં બધા પ્રકારનાં બજારસ્વરૂપો આવરી લેવામાં આવ્યાં છે. કોર્નુએ સાબિત કર્યું કે ઇજારામાં સીમાવર્તી ખર્ચ = સીમાવર્તી આવક (MC = MR) દ્વારા વ્યક્ત થતો પારસ્પરિક સંબંધ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીના સંદર્ભમાં સીમાવર્તી ખર્ચ = કિંમત- (MC = P)માં પરિણમે છે. માગના નિયમની સર્વપ્રથમ રજૂઆત કરવાનો પ્રયાસ કૉર્નુએ કર્યો હતો. કિંમત અને માગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે તેમ તેમણે સૌપ્રથમ પ્રતિપાદન કરી બતાવ્યું. [D = F(P)]. 1938માં પ્રકાશિત તેમના મુખ્ય સંશોધનગ્રંથમાં તેમણે પેઢીના સિદ્ધાંતનું પાયાનું ઉપકરણ (apparatus) ગાણિતિક સ્વરૂપમાં રજૂ કરીને ગણિતબદ્ધ અર્થશાસ્ત્રના પ્રણેતા બન્યા. માગ અને પુરવઠાનાં વિધેયો, વિવિધ સ્વરૂપનાં બજારોમાં ઉદભવતી સમતુલાની પ્રક્રિયા, કરવેરાના બોજનું વિવર્તન (shifting) અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે સંકળાયેલી સમસ્યાઓ વિશે તેમણે કરેલું સૈદ્ધાંતિક વિશ્લેષણ તેમનું મુખ્ય પ્રદાન ગણાય છે. તેમણે તેમની વિશ્લેષણપદ્ધતિમાં કલનશાસ્ત્ર(calculus)નો બહોળો ઉપયોગ કર્યો છે.
1834માં ફ્રાન્સની લાયન્સ યુનિવર્સિટીમાં તેમની પ્રોફેસર ઑવ્ એનાલિસિસ ઍન્ડ મેકૅનિક્સ તરીકે નિમણૂક થઈ હતી. 1835માં ગ્રેનોબલ યુનિવર્સિટીમાં તથા 1854માં ડિજૉન યુનિવર્સિટીમાં તે રેક્ટરના પદે નિમાયા હતા. 1838માં પ્રકાશિત ગ્રંથ ઉપરાંત 1863 તથા 1877માં તેમના બીજા નોંધપાત્ર ગ્રંથો પ્રકાશિત થયા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે