શીળસ અને વાહિનીજળશોફ (urticaria and angio-oedema)

January, 2006

શીળસ અને વાહિનીજળશોફ (urticaria and angio-oedema) : ચામડી પર ઊપસેલા લાલાશ પડતા અને ખૂજલીવાળા વિસ્તારોને શીળસ કહે છે અને તેવી જ રીતે શરીરની અંદરના અવયવોમાં પ્રવાહી ઝમવાથી થતા વિકારને વાહિનીજળશોફ કહે છે. ચામડી પર જોવા મળતા ઊપસેલા અને રતાશ રંગના વિસ્તારો જાણે મધપૂડાના નાના નાના કોષો હોય એવા લાગતા હોવાથી તેમને મધુકોષો (wheals) કહે છે. ક્યારેક તે સર્પાકારી (serpiginous) પણ હોય છે. સામાન્ય રીતે તે ધડ અને હાથપગ પર જોવા મળે છે, પરંતુ હથેળી કે પગના તળિયે જોવા મળતા નથી. તેઓ શ્લેષ્મકલા (mucosa) પર પણ હોય છે. કેશવાહિની પછીની લઘુશિરા(venules)માંથી લોહીનો પ્રરસ (plasma) ચામડીની અંદર ઝમે ત્યારે આવા મધુકોષો બને છે. સાથે સાથે તે વિસ્તારનું રુધિરાભિસરણ પણ વધેલું હોવાથી ત્યાં સોજો અને રતાશ આવે છે. આ વિસ્તારોને દબાવવાથી તેમનો લાલ રંગ ઘટે છે. આ એક નિદાનસૂચક ચિહ્ન છે. તે હજુ ચાલુ રહેલી અતિપ્રતિગ્રાહ્યતા (hypersensitivity) કે વિષમોર્જા(allergy)ની પ્રતિક્રિયા સૂચવે છે. વાહિનીજળશોફના વિસ્તારોમાં ઘણી વખત ખૂજલી હોતી નથી. વાહિનીજળશોફનો સોજો પગ કે શરીરના નીચલા ભાગમાં થવાને બદલે મોટેભાગે હોઠ, જીભ, આંખનાં પોપચાં, જનનાંગો તથા હાથ-પગના પાછલા ભાગ પર વધુ જોવા મળે છે. તે પણ શ્લેષ્મકલાને અસર કરે છે. શીળસ અને વાહિનીજળશોફના વિસ્તારો થોડાક સમય માટે જ હોય છે. સામાન્ય રીતે તે 6 અઠવાડિયાંથી ઓછો સમય રહે તો તેને ઉગ્ર વિકાર અને તેથી લાંબો સમય રહે તો તેને દીર્ઘકાલી (chronic) વિકાર કહે છે.

વિવિધ પ્રકારનાં પરિબળો તે સર્જે છે માટે તકલીફો અને લક્ષણોનું વિગતવાર વૃત્તાંત (history) જાણી લેવામાં આવે છે. તાવ તથા અન્ય શારીરિક ચિહ્નો માટેની તીવ્રતા કેટલી છે તેની નોંધ કરાય છે. દર્દીના લોહીમાં આમવાતાભી ઘટક (rheumatoid factor), પ્રતિકોષકેન્દ્રી પ્રતિદ્રવ્ય (antinuclear antibody, ANA), ક્રાયોગ્લોબ્યુલિન્સ, પ્રતિરક્ષાપૂરક 4 અને 1ના અવદાબકો વગેરે દર્શાવતી કસોટીઓ કરાય છે. સારવારમાં સામાન્ય રીતે પ્રતિહિસ્ટામિન ઔષધો અને ગ્લુકોકોર્ટિકોઇડ અપાય છે. જો અતિતીવ્ર વિકારને કારણે શ્વસનક્રિયામાં અવરોધ ઉદ્ભવે તો તે જીવલેણ હોય છે. આવું સ્વરપેટીમાં આવતા વાહિનીજળશોફના સોજાથી થાય છે. તે સમયે એડ્રિનાલિન નામનું ઔષધ ચામડીની નીચે ઇન્જેક્શન દ્વારા અપાય છે.

શિલીન નં. શુક્લ