શિશુપાલવધ (સાતમી સદી) : સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાંનું એક. મહાકવિ માઘે લખેલું આ મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યની બૃહતત્રયીમાં પણ સ્થાન પામેલું છે. તેનું શીર્ષક સૂચવે છે તેમ શિશુપાલના વધનો પ્રસંગ તેમાં વર્ણવાયો છે. વીસ સર્ગના બનેલા આ મહાકાવ્યના પહેલા સર્ગમાં દ્વારકામાં શ્રીકૃષ્ણ પાસે નારદ મુનિ આવે છે. કૃષ્ણ મુનિનો સત્કાર કરે છે. નારદ મુનિ શિશુપાલના ત્રાસને વર્ણવી તેનો વધ કરવાની ભલામણ કૃષ્ણને કરે છે. બીજા સર્ગમાં રાજસૂય યજ્ઞનું યુધિષ્ઠિરે કૃષ્ણને નિમંત્રણ આપ્યું છે અને બીજી બાજુ નારદે શિશુપાલને ખતમ કરવાનું કહ્યું છે તેથી બેમાંથી કયું કાર્ય કરવું તે નક્કી કરવા કૃષ્ણ ભાઈ બળરામ અને પ્રધાન ઉદ્ધવ સાથે મંત્રણા કરી, યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જવાનું નક્કી કરે છે. ત્રીજા સર્ગમાં દ્વારકા નગરી અને સમુદ્રનું વર્ણન આપી યાદવ સૈન્ય સાથે કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રસ્થાન કરે છે. ચોથા સર્ગમાં રૈવતક પર્વતનું વર્ણન કરવામાં આવ્યું છે. પાંચમા સર્ગમાં પર્વતની તળેટીમાં સૈન્ય પડાવ નાખે છે. છઠ્ઠા સર્ગમાં પર્વત અને વસંતાદિ ઋતુઓનું વર્ણન છે. સાતમા સર્ગમાં કૃષ્ણ અને યાદવવીરોના વનવિહારનું વર્ણન છે. આઠમા સર્ગમાં જળક્રીડાનું, નવમામાં સૂર્યાસ્તનું, દસમામાં રાત્રીએ મધુપાન તથા યાદવવીરોની વિલાસક્રીડાનું વર્ણન છે. અગિયારમા સર્ગમાં પ્રભાતનું વર્ણન રજૂ થયું છે. બારમા સર્ગમાં સૈન્ય સાથે કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રયાણ કરે છે. અહીં માર્ગમાં આવતી યમુના નદીનું વર્ણન કરવામાં આવ્યું છે; તેરમામાં ઇન્દ્રપ્રસ્થ અને યુધિષ્ઠિરની રાજસભાનું વર્ણન આપ્યું છે; ચૌદમામાં રાજસૂય યજ્ઞ થાય છે અને તેમાં ભીષ્મની સંમતિથી કૃષ્ણને શ્રેષ્ઠ રાજાનું સન્માન યુધિષ્ઠિર યજ્ઞમાં આપે છે. આથી પંદરમા સર્ગમાં ગુસ્સે ભરાયેલો શિશુપાલ યુદ્ધ માટે સૈન્યને સજ્જ કરે છે. સોળમા સર્ગમાં કૃષ્ણ અને શિશુપાલના દૂતો વચ્ચે વિવાદ થાય છે; સત્તરમામાં યુધિષ્ઠિરની સભામાં ખળભળાટ થાય છે અને કૃષ્ણ સૈન્યને સજ્જ કરી રણમેદાને પડે છે. અઢારમા સર્ગમાં બંને સૈન્ય વચ્ચે તુમુલ યુદ્ધ થાય છે; ઓગણીસમામાં યુદ્ધનું વર્ણન ચિત્રબંધોની રચનાથી કરવામાં આવ્યું છે. છેલ્લે વીસમા સર્ગમાં કૃષ્ણ શિશુપાલ સાથે યુદ્ધ કરે છે અને એમાં કૃષ્ણ શિશુપાલનો વધ કરે છે. તે સાથે આ મહાકાવ્ય સમાપ્ત થાય છે.
મહાભારતમાંથી આ મહાકાવ્યનું કથાનક લેવામાં આવ્યું છે. આ મહાકાવ્યમાં દ્વારકા નગરી, રૈવતક પર્વત, સૈન્ય, ઋતુઓ, જલક્રીડા, મધુપાન, ચંદ્રોદય, વિલાસક્રીડા, પ્રભાત વગેરે મહાકાવ્ય માટેનાં આવશ્યક વર્ણનો જોવા મળે છે. ઓગણીસમા સર્ગમાં ચિત્રબંધોથી યુદ્ધવર્ણન મહાકવિ માઘના પાંડિત્યનું પરિચાયક છે. આ મહાકાવ્યના છઠ્ઠા સર્ગમાં બાવીસ જેટલા છંદો એકસાથે પ્રયોજ્યા છે. પ્રસ્તુત મહાકાવ્યના પ્રથમ નવ સર્ગોમાં જ સંસ્કૃત ભાષાનો આખો શબ્દકોશ ઠલવાઈ ગયો છે. કાલિદાસ જેવી ઉપમાઓ, ભારવિ જેવું અર્થગૌરવ અને દંડી અને બાણ જેવું પદલાલિત્ય આ મહાકાવ્યમાં જોવા મળે છે. પરિણામે આ મહાકાવ્ય રચીને આ મહાકાવ્યમાં શિશુપાલવધ કરીને મહાકવિ માઘે કવિઓના મદનો વધ કર્યો છે. આ મહાકાવ્ય એટલું ઉત્કૃષ્ટ બન્યું છે તેથી પ્રાચીન વિવેચકો काव्येषुमाघः એમ અભિપ્રાય આપે છે. વળી આ મહાકાવ્યનો આસ્વાદ લેવામાં જિંદગી ખર્ચાઈ જાય તેમ છે તેથી मेघे माघे गतं वयः। એવો અભિપ્રાય આપવામાં આવ્યો છે. ભારવિના ‘કિરાતાર્જુનીય’ મહાકાવ્યને સામે રાખી તેની સ્પર્ધામાં ચઢિયાતું મહાકાવ્ય લખવાનો પ્રયત્ન માઘે કરેલો એવો પણ એક અભિપ્રાય છે.
પ્ર. ઉ. શાસ્ત્રી