શિલ્પશાસ્ત્રના ગ્રંથો (ભારતીય) : શિલ્પશાસ્ત્રની ભારતમાં બે પરંપરા છે – ઉત્તરી અથવા નાગરી અને દક્ષિણી અથવા દ્રવિડ. નાગરી શૈલીના વાસ્તુગ્રંથોના મુખ્ય પ્રણેતા વિશ્વકર્મા મનાય છે. નાગરી શૈલીના ગ્રંથોમાં ‘વિશ્વકર્મા-વાસ્તુશાસ્ત્ર’ (‘વિશ્વકર્મ-પ્રકાશ’), ભોજદેવનું ‘સમરાંગણસૂત્રધાર’ અને ભુવનદેવનું ‘અપરાજિતપૃચ્છા’ મુખ્ય છે. દ્રવિડ શૈલીના મુખ્ય પ્રણેતા મય ગણાય છે. આ શૈલીનો મુખ્ય ગ્રંથ ‘માનસાર’ છે. આ ઉપરાંત અગસ્ત્યરચિત ‘સકલાધિકાર’ કાશ્યપનો ‘અંશુમદ્ભેદાગમ’, મયનો ‘મયમત’ અને શ્રીકુમારરચિત ‘શિલ્પરત્ન’ પણ દ્રવિડ શૈલીના અન્ય મહત્વના ગ્રંથો છે.
‘વિશ્વકર્મ-પ્રકાશ’માં 17 અધ્યાયો મૂર્તિવિધાનને લગતા છે. નાગરી શૈલીનો આ પ્રાચીન ગ્રંથ છે. એમાં લક્ષ્મી વગેરે અષ્ટ દેવીઓનું મૂર્તિવિધાન તથા બ્રહ્માદિ મૂર્તિઓનાં સ્વરૂપોનું વિવેચન છે. ‘સમરાંગણ સૂત્રધાર’ના કેટલાક અધ્યાયો મૂર્તિવિધાનનું નિરૂપણ કરે છે. ખાસ કરીને તેમાં વાહનલક્ષણ, આયુધલક્ષણ અને પીઠિકાલક્ષણની ચર્ચા છે. ‘અપરાજિત પૃચ્છા’ વાસ્તુની જેમ પ્રતિમાવિધાનનો એક નોંધપાત્ર ગ્રંથ છે. ગુજરાતમાં બારમી સદી દરમિયાન ભુવનદેવે આ ગ્રંથની રચના કરી હતી. એના કેટલાક અધ્યાયો મૂર્તિવિધાનની વિપુલ માહિતી આપે છે. તેમાં લિંગ, શિવ, વિષ્ણુ, બ્રહ્મા, સૂર્ય, નવ ગ્રહ, ગણપતિ, કાર્તિકેય, દેવીઓ, માતૃકાઓ, દિક્પાલો, જૈન તીર્થંકરો વગેરેની મૂર્તિઓનાં વૈધાનિક સ્વરૂપોની ચર્ચા છે.
‘માનસાર’ના કુલ 70 અધ્યાયોમાં 50 વાસ્તુકલા વિશેના જ્યારે બાકીના 20 અધ્યાય મૂર્તિકલા વિશેના છે. આમાં લિંગવિધાન, પીઠલક્ષણ, જૈનપ્રતિમાવિધાન, બુદ્ધપ્રતિમાવિધાન, વિવિધ વાહનોના મૂર્તિનિર્માણની માહિતી આપી છે. અગસ્ત્યનો ‘સકલાધિકાર’ માત્ર શૈવ પ્રતિમાવિધાનની જ ચર્ચા કરે છે. કાશ્યપરચિત ‘અંશુમદ્ભેદાગમ’ના 39 અધ્યાયોમાં પ્રતિમાવિધાનનાં સચોટ વર્ણનો આપેલાં છે. ‘મયમત’માં મૂર્તિશાસ્ત્રને સ્પર્શતા ચાર અધ્યાયો છે.
આ ઉપરાંત પ્રતિમાવિધાનની ચર્ચા રજૂ કરતા ગ્રંથોમાં ‘પાંચરાત્રદીપિકા’, ‘ચતુર્વર્ગચિંતામણિ’, ‘મૂર્તિધ્યાન’, ‘મૂર્તિલક્ષણ’, ‘લક્ષણસમુચ્ચય’, ‘દેવતા-શિલ્પ’, ‘રૂપમંડન’, ‘તંત્રસાર’, ‘વિશ્વકર્માવતાર’, ‘રૂપાવતાર’, ‘જ્ઞાનરત્નકોશ’, ‘શિલ્પસાર’, ‘શિલ્પરત્ન’, ‘ક્ષીરાર્ણવ’, ‘દીપાર્ણવ’ વગેરે ઉલ્લેખનીય છે. ‘શુક્રનીતિ’, ‘બૃહત્સંહિતા’, ‘શારદાતિલકનિર્ણયસિંધુ’, ‘ધર્મસિંધુ’, ‘મંત્રમહાર્ણવ’, ‘મંત્રરત્નાકર’, ‘મેરુતંત્ર’, ‘ઈશાનશિવગુરુદેવપદ્ધતિ’, ‘હરિભક્તિ-વિલાસ’, ‘અભિલષિતાર્થચિંતામણિ’ (‘માનસોલ્લાસ’), ‘કૃષ્ણનંદતંત્ર-સાર’ વગેરે ગ્રંથો પણ પ્રતિમાવિધાનને લગતી સામગ્રી ધરાવે છે.
‘તારાલક્ષણ’, ‘સાધનામાલા’, ‘બુદ્ધપ્રતિમાલક્ષણ’ અને ‘બિંબમાન’ વગેરે ગ્રંથોમાં બૌદ્ધપ્રતિમાવિધાનની ચર્ચા છે. ‘તારાલક્ષણ’ નામના ગ્રંથમાં તારા અને અન્ય બૌદ્ધદેવીઓનાં વર્ણનો છે. બુદ્ધની દશતાલમૂર્તિ માટે તિબેટી ભાષામાં ‘દશતાલન્યગ્રોધ-પરિમંડલબુદ્ધ-પ્રતિમાલક્ષણ’ નામે ગ્રંથ રચાયો છે. ‘સાધનામાલા’ ગ્રંથમાંથી સેંકડો બૌદ્ધ પ્રતિમાઓનાં વિધાનો પ્રાપ્ત થાય છે. ‘વાસ્તુસાર’, ‘લોકપ્રકાશ’, ‘આચારદિનકર’, ‘નિર્વાણકલિકા’, ‘પ્રતિષ્ઠાસારોદ્ધાર’ વગેરે ગ્રંથોમાં જૈન પ્રતિમાઓ વિશે વિગતે માહિતી આપી છે.
ઉપર્યુક્ત ગ્રંથોમાં મૂર્તિઓમાં પ્રયોજાયેલ ભંગિઓ, આસનો, મુદ્રાઓ, આયુધો, પ્રમાણ, દેવનાં વાહનો વગેરેની ચર્ચા સાથે જે તે દેવ-દેવીઓની પ્રતિમાનાં વર્ણનો અને લક્ષણો પણ રજૂ કર્યાં છે. મૂર્તિઓની ઊભી રહેવાની સ્થિતિને ભંગ કે ભંગિ કહે છે. ભંગ ચાર છે સમભંગ, આભંગ, ત્રિભંગ અને અતિભંગ. મૂર્તિઓમાં બેસવાની સ્થિતિ સામાન્ય રીતે આસન તરીકે ઓળખાય છે. પદ્માસન, યોગાસન, વીરાસન, સ્વસ્તિકાસન, પર્યંકાસન, અર્ધપર્યંકાસન, વજ્રાસન, આલીઢાસન, પ્રત્યાલીઢાસન, સુખાસન, ઉત્કટાસન, કૂર્માસન, લલિતાસન, સિંહાસન, પ્રલંબાસન વગેરે આસનો સામાન્ય રીતે મૂર્તિઓમાં જોવા મળે છે. હાથની સ્થિતિને મુદ્રા કહે છે. આ મુદ્રાઓ સંકેતસૂચક હોય છે. અભયમુદ્રા, વરદમુદ્રા, કટકમુદ્રા, તર્જનીમુદ્રા, કટ્યવલંબિત, દંડહસ્ત, અંજલિમુદ્રા, વિસ્મયમુદ્રા, છિન્નમુદ્રા, યોગમુદ્રા, તત્વમુદ્રા, કર્તરીમુદ્રા, ચપેટદાનમુદ્રા, તર્પણમુદ્રા, ભૂમિસ્પર્શમુદ્રા, ધર્મચક્રમુદ્રા, હરિણમુદ્રા વગેરે મુદ્રાઓ જાણીતી છે. આમાંની ઘણીખરી મુદ્રાઓ ભરતનાટ્ય જેવાં શાસ્ત્રીય નૃત્યોમાં પણ પ્રયોજાય છે. મુદ્રાઓ દ્વારા મનના ભાવ અભિવ્યક્ત કરવામાં આવે છે. જે તે દેવ-દેવીઓના ચોક્કસ હાથમાં ચોક્કસ આયુધ કે ઉપકરણ હોવું જોઈએ. તેની વિગતે ચર્ચા કરી છે. સામાન્ય રીતે હિંદુ દેવ-દેવીઓ તેમના હાથમાં ધારણ કરેલાં આયુધો અને તેમનાં વાહનથી ઓળખાતાં હોય છે. મૂર્તિઓ પ્રમાણસર બનાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. મૂર્તિકારની પોતાની વાળેલી મૂઠીના ચોથા ભાગને સામાન્ય રીતે એક અંગુલ કહે છે. આવા 12 અંગુલનો 1 તાલ બને છે. તાલના ચોથા ભાગને અંશ કહે છે. ઉત્તમ નવતાલ ગણાય છે.
શિલ્પશાસ્ત્રના ઉપર્યુક્ત ગ્રંથોમાંથી કેટલાક ગ્રંથોમાં પ્રતિમાવિધાન ઉપરાંત પ્રતિમા-પ્રતિષ્ઠાવિધાન, વાહનસ્થાપનાવિધિ, લિંગસ્થાપન, પ્રતિમા માટેનાં દ્રવ્યો, ભગ્ન પ્રતિમાઓનું સંધાન કરવા વજ્રલેપ વગેરે બાબતો પણ જણાવવામાં આવી છે.
થૉમસ પરમાર