કૉરેજિયો (Correggio) (જ. ઑગસ્ટ 1494, કૉરેજિયો, મોદેના, ઇટાલી; અ. 5 માર્ચ 1534, ઇટાલી) : ખ્રિસ્તી ધાર્મિક અને રતિભાવપ્રેરક ગ્રેકો-રોમન પુરાકથા-વિષયક ચિત્રો ચીતરવા માટે જાણીતા ઇટાલિયન બરોક ચિત્રકાર. મૂળ નામ ઍન્તૉનિયો એલેગ્રી.
ઍન્તૉનિયો કૉરેજિયો જે નાના શહેરમાં જન્મ્યા અને મૃત્યુ પામ્યા તે કૉરેજિયોમાં તેમના પિતા પેલેગ્રિનો એલેગ્રી વેપારી હતા. મોટા થઈ આ કલાકારે પોતાના શહેરનું નામ પોતાના નામ તરીકે અપનાવેલું. સ્થાનિક ચિત્રકાર કાકા લૉરેન્ઝો એલેગ્રી પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધેલી અને તેઓ પરિપ્રેક્ષ્ય (perspective), શ્યશાસ્ત્ર (optics), શિલ્પ તથા ચિત્ર શીખ્યા.
આશરે 1504માં કૉરેજિયો કોરેજિયો છોડી માન્તુઆ ગયા. અહીં તેમણે બે ગોળાકાર (tondi) ચિત્રો ચીતર્યાં : ‘એન્ટૂમ્મેન્ટ ઑવ્ ક્રાઇસ્ટ’ તથા ‘મેડોના ઍન્ડ સેઇન્ટ્સ’. પહેલેથી જ કૉરેજિયો પર વિખ્યાત ચિત્રકાર લિયૉનાર્દો દ વિન્ચીનો ભારે પ્રભાવ જોવા મળે છે. કૉરેજિયો આકૃતિને રેખા વડે વ્યાખ્યાયિત કરવાને બદલે લિયૉનાર્દોની જેમ પ્રકાશ અને છાપાનાં ધાબાંથી વ્યાખ્યાયિત કરે છે. એ પરથી એવું ચોક્કસ અનુમાન કરવામાં આવે છે કે તે માન્તુઆ આવતા પહેલાં રોમ ગયા હોવા જોઈએ જ્યાં લિયૉનાર્દોનાં ચિત્રો જોયાં હશે.
માન્તુઆ છોડી પાર્મા જઈ કૉરેજિયોએ સાન્તા ફ્રાન્ચેસ્કો ચર્ચ માટે મીઠા રંગોમાં ત્રણ ચિત્રોની ‘મેડોના ઑવ્ સેંટ ફ્રાન્સિસ’ શ્રેણી ચિત્રિત કરી. તેમાં ‘નેટિવિટી’ ‘ઍડોરેશન ઑવ્ કિન્ગ્ઝ’ તથા ‘ક્રાઇસ્ટ ટેકિન્ગ લીવ ઑવ્ હિઝ મધર’ સમાવેશ પામે છે.
પાર્મામાં કૉરેજિયોની ચિત્રશૈલીએ પ્રૌઢિ ધારણ કરી. એક પછી એક ઉત્તમ તૈલચિત્રો અને ભીંતચિત્રો તેઓ સર્જતા ગયા. અહીંનાં ચર્ચ, મઠો અને મહેલોમાં તેમના ‘ઍસેન્શન ઑવ્ ક્રાઇસ્ટ’, ‘કૉરોનેશન ઑવ્ ધ વર્જિન’, ‘એઝમ્પ્શન ઑવ ધ વર્જિન’, ‘ઍડોરેશન ઑવ ધ શેફડર્ઝ’, ‘મેડોના ઑવ્ સેંટ જેરોમ’, ‘ધ મેડોના ઑવ્ બાસ્કેટ’, ‘ધ વર્જિન ઍડોરિન્ગ ધ ચાઇલ્ડ જિસસ’, ‘મિસ્ટિક મેરેજ ઑવ્ સેંટ કૅથેરાઇન’, ‘ડાનાએ’(Danae), ‘જ્યુપિટર ઍન્ડ આયો’ તથા ‘નોલી મે તેન્ગેરે’એ ખાસ આકર્ષણ જમાવ્યું. આ ચિત્રોમાં ત્વચા અને માનવશરીર અત્યંત માંસલ અને રતિપ્રેરક આલેખાયેલાં ‘જ્યુપિટર ઍન્ડ આયો’માં આયોને વાદળના રૂપમાં જ્યુપિટર આવીને ચુંબન કરી જાય છે તે ર્દશ્ય આલેખિત છે. ‘નૉલી મે તેન્ગેરે’માં મેરી મેગ્ડેલીના પૂજ્ય ભાવ વડે ઈસુનો સ્પર્શ કરી પાવન થવા માંગે છે ત્યારે તેની પવિત્રતાને અક્ષુણ્ણ રાખવા ઈસુ તેને ‘મને અડીશ નહિ’ (નૉલી મે તેન્ગેરે) કહે છે તે ક્ષણનું આલેખન છે. મેરી મોડેલીનના મુખ પર આકર્ષણ, પ્રેમ અને વંદનના ભાવ સાથે કોરેજિયોએ હતાશાના ભાવ સ્પષ્ટ આલેખ્યા છે.
કૉરેજિયોને કોઈ શિષ્ય નહોતા; પરંતુ પાર્માના બરોક ચિત્રકારો જિયોયાની લાન્ફ્રાન્કો (1582-1647) તથા પાર્મિજિયાનિનો (1503-40) એ તેની શૈલી અપનાવી હતી.
અમિતાભ મડિયા