શિપિંગ કૉન્ફરન્સ : એકસરખા જ સામુદ્રિક માર્ગ ઉપર વારંવાર આવ-જા કરતાં લાઇનર જહાજોના માલિકોના સમૂહની યાત્રીઓનું ભાડું અને માલ-પરિવહનનું નૂર નક્કી કરવા માટે અવારનવાર મળતી પરિષદ.
દરિયાઈ માર્ગવ્યવહારમાં નિશ્ચિત સમયે નૂરના નિશ્ચિત દરે અને નિશ્ચિત માર્ગે માલ વહન કરતાં જહાજો લાઇનર તરીકે ઓળખાય છે. માલ વહન કરવામાં સમય, નૂરના દર અને માર્ગની બાબતોમાં અનિશ્ચિત હોય તેવાં જહાજો ‘ટ્રૅમ્પ’ નામથી ઓળખાય છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ સુધી જહાજો કદમાં નાનાં અને ગતિમાં ધીમાં હતાં. આથી, માંગ-પુરવઠાની સમતુલા જળવાઈ રહેતી. હરીફાઈ હતી પણ તીવ્ર નહોતી. વૈજ્ઞાનિક શોધખોળો અને ટેક્નૉલૉજીના વિકાસને પરિણામે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જહાજો કદમાં મોટાં અને ગતિમાં ઝડપી થવા માંડ્યાં. પરિણામે જહાજી સેવાનો પુરવઠો એની માંગ કરતાં વધી ગયો. એનું તાર્કિક પરિણામ તીવ્ર હરીફાઈમાં આવ્યું. નફો મળે ત્યાં સુધીની હરીફાઈ ધંધાદારીઓ કરતા હોય છે, પરંતુ જે હરીફાઈના અંતે બધા ધંધાદારીઓને નુકસાન થવા માંડે ત્યારે તેઓ પરસ્પર સમજૂતી કરી લઈને ધંધા અને નફાને બચાવી લેતા હોય છે. આવું જ જહાજો ચલાવતી શિપિંગ કંપનીઓની બાબતમાં બન્યું. એમની વચ્ચેની તીવ્ર હરીફાઈને પરિણામે અનેક જહાજી કંપનીઓ ફડચામાં ગઈ અને નાદાર બની. આથી, જુદી જુદી જહાજી કંપનીઓના સંચાલકોએ પરસ્પર મળવાનું રાખ્યું. એમની કૉન્ફરન્સો યોજાઈ. આ મળવાનું વિધિપૂર્વકનું અને/અથવા અવૈધિક પણ રહ્યું. વિશ્વના બધાં જ જહાજી માર્ગો માટે બધી જ શિપિંગ કંપનીઓના સંચાલકોની આવી કૉન્ફરન્સ કદી મળી જ નથી. જેમની મળી એમણે જે માર્ગો માટે પરસ્પર સમજૂતી શક્ય બની તે કરી. આવી પ્રત્યેક સમજૂતી ‘શિપિંગ કૉન્ફરન્સ’ના નામથી ઓળખાય છે.
ઈ.સ. 1875માં સૌપ્રથમ કલકત્તા કૉન્ફરન્સથી ઓળખાતી શિપિંગ કૉન્ફરન્સ થઈ. ત્યારબાદ અનેક કૉન્ફરન્સો થઈ. આ કૉન્ફરન્સો દ્વારા હરીફાઈની તીવ્રતા ઘટાડવાના પ્રયત્નો થયા છે. ટ્રૅમ્પ અને કૉન્ફરન્સમાં નહિ જોડાયેલી કંપનીઓને ધંધો મળે નહિ તે માટે પ્રયત્નો થયા. આ પ્રયત્નોના ભાગ સ્વરૂપે ‘વિલંબિત વળતરપદ્ધતિ’નો ખૂબ ઉપયોગ થયો. આ પદ્ધતિ અન્વયે ગ્રાહકોને એવી લાલચ આપવામાં આવતી કે તેઓ જો ચોક્કસ સમયગાળા માટે કૉન્ફરન્સની સભ્ય કંપનીના જહાજનો ઉપયોગ કરશે તો તેમની નિષ્ઠા માટે વળતર આપવામાં આવશે અને ગ્રાહકે જે નૂર ભર્યું હોય તેના દસ ટકા વળતર નિર્ણીત સમયગાળો પૂરો થયા બાદ બે-ત્રણ મહિને મળશે. આમ કરીને શિપિંગ કૉન્ફરન્સ ગ્રાહકોને એમનાં જ જહાજોનો ઉપયોગ કરવા માટેના બંધક બનાવતી હતી. વળી કૉન્ફરન્સની સભ્ય જહાજી કંપનીઓ નૂરની આવક એકત્રિત કરતી, પછી તે નક્કી કરેલા ભાગાંશે પરસ્પર વહેંચી લેતી. અન્ય સાધનોને પણ તેઓ ભેગાં કરી તેમનો અંદરોઅંદર ઉપયોગ કરતી. આમ કરીને શિપિંગ કૉન્ફરન્સ ક્રમશ: ઇજારો સ્થાપવા માંડી. પરિણામે જુદા જુદા દેશોની સરકારોએ ‘વિલંબિત વળતર-પદ્ધતિ’, હરીફોને નુકસાન પહોંચાડવાની નીતિ અને ગ્રાહકોને બંધક બનાવવાની રીતિને ગેરકાયદેસર ઠેરવી. પરિણામે, વીસમી સદીના ઉત્તરાર્ધથી શિપિંગ કૉન્ફરન્સનું મહત્વ ઘટી ગયું છે.
સૂર્યકાન્ત શાહ