કોરી ખાડી : સિંધુ નદીના લુપ્ત પૂર્વમુખનો અવશેષ. ભૌગોલિક સ્થાન : 23° 45′ ઉ. અ. અને 68°. 30′ પૂ. રે. કોરી ખાડી કચ્છના છેક પશ્ચિમ છેડા ઉપર આવેલી છે. ભૂતકાળમાં પૂર્વમાંથી આવતી રાજસ્થાનની લૂણી નદી તથા બનાસ અને સિંધુનો એક ફાંટો અરબી સમુદ્રને મળતો હતો. સિંધુનું મુખ પશ્ચિમ તરફ ખસતાં છેવટે એનો ‘પૂરણ’ નામે એક ફાંટો જ કચ્છમાં બાકી રહ્યો. સિંધુ નદીના મુખની એ પૂર્વ શાખાનું વહેણ પણ ઈ. સ. 1764માં ઝારાના યુદ્ધ પછી સિંધના અમીર ગુલામશાહે મોરામાં બંધ બાંધીને કચ્છમાં આવતું અટકાવી દીધું. ત્યાર બાદ ઈ. સ. 1819ના ભૂકંપથી રણની લખપત અને સિંધ વચ્ચેની ભૂમિ ઊંચી આવતાં સિંધુનું પાણી આવતું તદ્દન બંધ થયું. કોરી ખાડી તેના પ્રવેશ નજીક મક્રા અને સાલેહ વચ્ચે 8થી 10 કિમી. પહોળી છે. ખાડીનો પૂર્વ સિવાયનો ભાગ રેતીના ભાઠાથી અવરોધાયો છે. આ ઉપર લખપત અને કોટેશ્વરનાં સ્થળ આવેલાં છે. કોટેશ્વરમાં ભરતી વખતે 4.6 મીટર પાણી રહે છે. પાનન્ધ્રોની લિગ્નાઇટની ખાણ નજીક હોવાથી કોટેશ્વરથી તેની નિકાસ માટે જેટી બંધાઈ છે. કરાંચીના ઉદય પૂર્વે લખપત ધીકતું બંદર હતું. ભૂકંપને કારણે લખપત નજીક કોરી ખાડીની ઊંડાઈ ઘટી જતાં આયાત-નિકાસ બંધ થઈ અને 1962–63થી બંદર બંધ થયું. 45 કિમી. લાંબી કાવી અને 42 કિમી. લાંબી ગુહાવડ નદીઓ કોરી ખાડીને મળે છે. કોટેશ્વર નજીક નારાયણ સરોવર 2 કિમી.ના અંતરે છે. જખૌ અને કોરી ખાડી નજીકનો સમુદ્ર મત્સ્યઉદ્યોગ માટે જાણીતો છે. પાકિસ્તાનની સરહદ કોરી ખાડીની નજીક છે. આ માર્ગે પાકિસ્તાનના ડ્રગ માફિયા ભારતમાં કેફી દ્રવ્યો મોકલાવે છે.
શિવપ્રસાદ રાજગોર