શિગુલા, હાન્ના [. 25 ડિસેમ્બર 1943, કેટોવાઇસ, પોલૅન્ડ (તત્કાલીન જર્મન કબજા હેઠળનું કેટોવિત્ઝ)] : જર્મન રંગભૂમિ અને ચલચિત્રોમાં વિવિધ પાત્રોની આક્રમક રજૂઆત કરવા માટે ખ્યાતનામ અભિનેત્રી. હાન્ના શિગુલા સમય જતાં જર્મન ચિત્રસર્જક બાઇન્ડરનાં ચિત્રોનું અવિભાજ્ય અંગ બની ગયાં હતાં. તેમનો ઉછેર જર્મનીમાં થયો હતો. ત્યાં જ મ્યૂનિક યુનિવર્સિટીમાં તેમણે ભાષા અને સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. તેમનો ઇરાદો તો શિક્ષણકાર્યને કારકિર્દી બનાવવાનો હતો, પણ નવા પ્રવાહનાં નાટકો ભજવતા એક જૂથ સાથે તેઓ સંકળાયાં અને નાટકોમાં ભાગ લેવા માંડ્યાં. અહીં જ તેઓ દિગ્દર્શક રેઇનર ફાસ-બાઇન્ડરના સંપર્કમાં આવ્યાં. તેઓ શિગુલા માટે આ ક્ષેત્રે પથદર્શક બની રહ્યાં. એ પછી તેમનાં મોટાભાગનાં નાટકો અને તેમનાં 40 પૈકી 18 ચિત્રોમાં તથા અન્ય સર્જકોનાં ચિત્રોમાં પણ તેમણે કામ કર્યું અને અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી. જોકે ફાસ-બાઇન્ડરનાં ચિત્રોએ જ તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હતી.

1982માં ફાસ-બાઇન્ડરનાં ઓચિંતા નિધન પછી તેમણે માર્કો ફેરેરી, ગોદાર્દ, આન્દ્રે વાજદા, ટ્રોટા, શ્ર્લોનડ્રોફ, સ્કોલા વગેરે અગ્રણી સર્જકોનાં ચિત્રોમાં કામ કરવું ચાલુ રાખ્યું હતું. જબ્બર ખ્યાતિ છતાં તેમણે હોલિવુડ જવાને બદલે યુરોપમાં જ રહેવું પસંદ કર્યું હતું. તેઓ સામાન્ય કદકાઠી ધરાવતાં હતાં અને સૌન્દર્યના આજના માપદંડ મુજબ ખાસ સુંદર પણ નહોતાં, પણ તેમનાં જોમવંતા અભિનયને કારણે તેમનાં ઉપર્યુક્ત અન્ય પાસાંની ભાગ્યે જ નોંધ લેવાતી. અભિનય પ્રતિભાને કારણે જ હાન્ના શિગુલા યુરોપમાં લગભગ ત્રણ દાયકા સુધી અગ્રિમ હરોળનાં અભિનેત્રી બની રહ્યાં હતાં. 1979માં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં તેમને તેમના ચિત્ર ‘ધ મેરેજ ઑવ્ મારિયા બ્રાઉન’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક મળ્યું હતું. તેમના અભિનય માટે કહેવાતું કે તેઓ તેમનાં પાત્રને એવી ઊંચાઈએ લઈ જતાં કે તે જ તે ચિત્રનું સૌથી મોટું પ્રભાવક બળ બની રહેતું. તેમણે અમેરિકન ધારાવાહિકોમાં પણ કામ કર્યું હતું અને ખાસ તો જીવનચરિત્રો પરથી બનેલી ધારાવાહિકો પૈકી 1986માં ‘બાર્તુમ’માં જેની લિન્ડ, ‘પીટર ધ ગ્રેટ’માં કૅથેરાઇન સ્કેવૉન્સ્કાયા તથા 1987માં ‘કાસીનોવા’માં કેન્દ્રીય પાત્રની માતાની ભૂમિકાઓ ભજવી હતી.

હાન્ના શિગુલા

નોંધપાત્ર ચિત્રો : ‘લવ ઇઝ કોલ્ડર ધેન ડેથ’ (1969), ‘ગૉડ્ઝ ઑવ્ ધ પ્લેગ’, ‘વ્હાય ડઝ હેર આર રન એમક ?’ (1970), ‘બીવેર ઑવ્ ધ હોલી વૉર’ (1971), ‘ધ મર્ચન્ટ ઑવ્ ધ ફોર સિઝન્સ’, ‘ધ બિટર ટિયર્સ ઑવ્ પીટર વૉન કૅન્ટ, જેલ બેટ’ (1973), ‘એફી બ્રેઇસ્ટ’ (1974), ‘રાગ મૂવ’ (1975), ‘ધ મેરેજ ઑવ્ મારિયા બ્રાઉન’, ‘ધ થર્ડ જનરેશન’ (1979), ‘સર્કલ ઑવ્ ડિસીટ’ (1981), ‘પૅશન’, ‘ઍન્ટૉનિટા’, ‘શિયર મૅડનેસ’, ‘અ લેબર ઑવ્ લવ’, ‘ફ્રેન્ડ્ઝ ઍન્ડ હસબન્ડ્ઝ’ (1982), ‘અ લવ ઇન જર્મની’, ‘ધ ફ્યૂચર ઇઝ વુમન’ (1984), ‘ધ ડેલ્ટા ફોર્સ’ (1986), ‘ડેડ અગેઇન’ (1991), ‘વર્ડ’ (1996).

હરસુખ થાનકી