કૉરી કાર્લ ફર્ડિનાન્ડ તથા કૉરી ગર્ટી ટેરેસા

January, 2008

કૉરી, કાર્લ ફર્ડિનાન્ડ તથા કૉરી, ગર્ટી ટેરેસા (કાર્લ ફર્ડિનાન્ડ કૉરી : જ. 15 ડિસેમ્બર 1895, પ્રાગ; અ. 20 ઑક્ટોબર 1984, કેમ્બ્રિજ મૅસે., યુ.એસ.) તથા (ગર્ટી ટેરેસા કૉરી : જ. 15 ઑગસ્ટ 1896 પ્રાગ; અ. 26 ઑક્ટોબર 1957, સેન્ટ લુઈસ, યુ.એસ.) : નૉબેલ પારિતોષિકવિજેતા દંપતી. કૉરીએ ગ્લુકોઝના અણુનું ફૉસ્ફેટવાળું સંયોજન શોધ્યું હતું જે ગ્લુકોઝ – ખાંડ (શર્કરા) – કાંજી(starch)ના આંતર-પરિવર્તન (interconversion)માં ઉપયોગી બન્યું છે. તેમના સંશોધનમાં બર્નાન્ડો હાઉસે પણ સહકાર્યકર્તા હતા. આ ત્રિપુટીને

1947નું શરીરક્રિયાશાસ્ત્ર – તબીબી શાખાનું નૉબેલ પારિતોષિક મળ્યું હતું. 6 વર્ષ પછી તેમણે કૉરી-ચક્ર(Cori cycle)માં કાર્ય કરતો ગ્લાયકોજનનો ઉત્સેચક (enzyme) શોધ્યો અને ગ્લાયકોજનનું સંશ્લેષણ પણ કર્યું. સતત અતિશય શ્રમ કરવાથી ઑક્સિજનની ઊણપ ઉદભવે છે અને અજારક ચયાપચય દ્વારા સ્નાયુમાં લૅક્ટિક ઍસિડ જમા થાય છે તેને કારણે થાક લાગે છે. લૅક્ટિક ઍસિડમાંથી ફરીથી ગ્લાયકોજન બનાવવા તેને યકૃત(liver)માં મોકલવામાં આવે છે. ગ્લાયકોજનમાંથી ફરીથી ગ્લુકોઝ બને છે, જે ઊર્જા મેળવવા માટે વપરાય છે. આ ચયાપચયચક્રને કૉરી-ચક્ર કહે છે.

(1) યકૃત(liver)માં ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બને, (2) ગ્લુકોઝ લોહી દ્વારા સ્નાયુમાં જાય, (3) સ્નાયુમાં અજારક શ્રમ સમયે તેમાંથી લૅક્ટિક ઍસિડ બને, (4) લૅક્ટિક ઍસિડ ફરીથી યકૃતમાં જાય અને તેનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ થાય.

કૉરીએ કૉરી-ચક્ર તેની પત્નીના મૃત્યુ પછી શોધ્યું હતું.

હરિત દેરાસરી