શાંતિનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના સોળમા તીર્થંકર. જૈન પરંપરા અનુસાર પ્રવર્તમાન કાળચક્રમાં ત્રેસઠ શલાકાપુરુષો અર્થાત્ સર્વશ્રેષ્ઠ પુરુષો થઈ ગયા. આ શલાકાપુરુષોમાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ અર્થાત્ અર્ધચક્રવર્તી, 9 બલદેવ (વાસુદેવના મોટાભાઈ) અને 9 પ્રતિવાસુદેવ (વાસુદેવના પ્રતિસ્પર્ધી રાજા) હોય છે. ક્વચિત્ એક જ વ્યક્તિ પૂર્વજીવનમાં ચક્રવર્તી અને પછીના જીવનમાં તીર્થંકર સ્વરૂપે પણ હોઈ શકે. ભગવાન શાંતિનાથ પૂર્વજીવનમાં ચક્રવર્તી હતા અને પછી તે જ જીવનમાં સંસારત્યાગ કરી, ઉગ્ર તપશ્ર્ચર્યા પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી. તીર્થસ્થાપના અર્થાત્ જૈન ધર્મની પુન:સ્થાપના કરી, તીર્થંકર બન્યા. તેઓ પાંચમા ચક્રવર્તી અને સોળમા તીર્થંકર બન્યા.
તીર્થંકર-જીવન પૂર્વે તેમના જીવે ભવભ્રમણમાં પસાર કરેલ અગિયાર જન્મોની વિગતો જૈન પુરાણોમાં મળે છે. અગિયારમા ભવમાં મેઘરથ રાજા રૂપે તેમણે એક બાજના મુખમાંથી પારેવાને બચાવવા પોતાનું માંસ બાજને આપ્યાનો પ્રસંગ જૈન પુરાણો આલેખે છે.
આ પૂર્વભવો દરમિયાન ઉત્તરોત્તર ગુણવિકાસ સાધી બારમા જન્મમાં તેઓ હસ્તિનાપુરના રાજા વિશ્વસેન અને રાણી અચિરાદેવીના પુત્ર રૂપે જન્મ્યા. તેમનાં માતાએ તેઓ ગર્ભમાં આવ્યા ત્યારે પ્રત્યેક તીર્થંકરનાં માતાની માફક ચૌદ સ્વપ્નો જોયાં હતાં. માતાના ઉદરમાં તેઓ આવ્યા ત્યારે દેશમાં સર્વ અશિવ ઉત્પાત શાંત થયા હતા. તેથી તેમનું નામ ‘શાંતિનાથ’ પાડવામાં આવ્યું.
જૈન અનુશ્રુતિ મુજબ, પચીસ હજાર વર્ષની વય પૂરી થતાં તેમનો વિવાહોત્સવ થયો અને રાજ્યાભિષેક થયો. રાજ્યપાલન કરતાં કરતાં પચીસ હજાર વર્ષ વીત્યાં, ત્યારે ષટ્ખંડ ભરતક્ષેત્રમાં સમસ્ત રાજાઓને જીતી તેઓ ચક્રવર્તી બન્યા. ચક્રવર્તી રૂપે પચીસ હજાર વર્ષ તેમણે રાજ્ય કર્યું. પંચોતેર હજાર વર્ષની વયે એક હજાર રાજાઓ સાથે મુનિદીક્ષા લઈ, ઉગ્ર તપશ્ર્ચર્યા કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેમણે તીર્થ-સ્થાપના કરી. પોષ શુક્લ નવમીના દિવસે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. ધર્મોપદેશ કરતાં કરતાં જ્યારે તેમનું એક લાખ વર્ષનું આયુષ્ય પૂરું થયું ત્યારે જ્યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીના દિવસે તેઓ સમેતશિખર પર એક માસના અનશન પછી નવસો મુનિઓ સાથે નિર્વાણ પામ્યા. તેમના ચક્રાયુધ નામક ગણધર મુખ્ય શિષ્ય હતા.
રમણીક શાહ
સલોની જોશી