શાહ, વારિસ (. 1735, જંદિયાલા શેરખાન હાલ પાકિસ્તાનમાં; . ?) : પંજાબી કવિ. સૈયદ પરિવારમાં જન્મ. બાળપણમાં તેમણે માતાપિતા ગુમાવ્યાં. કાસુરની મદરેસામાં સૂફી ફકીરો પાસે શિક્ષણ લીધું. તેઓ  પોતાને કાસુરના પીર મખદૂમના શિષ્ય માનતા.

‘કિસ્સા હિર-રાંઝા’ નામક પ્રેમાખ્યાન રચવાની સાથે તેઓ લોકપ્રિય બન્યા. ‘સસ્સી-પુન્નુ’ અને ‘સી-હરફિસ’ પણ તેમની ભાવનાપ્રધાન કૃતિઓ ગણાય છે. પંજાબી ભાવનાપ્રધાન કૃતિઓમાં હિરની વાર્તા વારિસ શાહની કૃતિ પહેલાંની મનાય છે. તેનો પ્રથમ અનુવાદ અકબરના રાજ્ય દરમિયાન થઈ ગયેલા અરોરા ખત્રી દામોદરે કરેલો તે ઉપલબ્ધ છે. તત્કાલીન એક શીખ વડા ભાઈ ગુરુદાસના એક કડવામાં હિર અને રાંઝાનો આડકતરો ઉલ્લેખ આવે છે. રંગદર્શી પ્રેમની પરંપરામાં પંજાબનાં સોહની-મેહવાલ, સિંધનાં સસ્સી-પુન્નુ અને અરબસ્તાનનાં લયલા-મજનૂ જેવાં જાણીતાં પ્રેમીજનોનો ઉલ્લેખ  મળે છે.

આ પ્રણયકથાની અન્ય રજૂઆતો વારિસ શાહની રજૂઆત પહેલાંની છે અને તે હમીદ, એહમદ અને મુકબાલ દ્વારા કરાઈ હતી. ભાઈ ગુરુદાસ અને દામોદરના સમકાલીન શાહ હુસેનથી માંડીને અલી હૈદર અને બલ્લે શાહ જેવા મુસ્લિમ સૂફીઓએ આ વાર્તાની પ્રશંસાત્મક રજૂઆત કરી છે.

આમ વારિસ શાહનો અનુવાદ લોકપ્રિય બન્યો, જેની લોકપ્રિયતા જોગા સિંગ, લાહોરા સિંગ, કિશન સિંગ આરિફ, ભગવાનસિંગ અને ફઝલ શાહ મારફત ઓગણીસમી સદીના અંત સુધી ચાલી અને વીસમી સદીમાં તેનો સદંતર અંત આવ્યો.

હિર અને રાંઝાની પ્રણયકથાએ પંજાબી લોકોમાં સદીઓ સુધી આકર્ષણ જમાવ્યું હતું. વારિસ શાહના રૂપાંતરમાં પ્રશિષ્ટ કૃતિનાં તમામ  લાવણ્ય અને સમર્થતા રહેલાં છે. છતાં તેમાંના બે પ્રેમી હૃદયોનું ઊંડાણ, દુ:ખદ ઘટનાની તીવ્રતા અને અભિવ્યક્તિનો આનંદ માત્ર વિસ્મયકારક છે. આ કથામાં કરેલ આકસ્મિક રાજકીય અને ઐતિહાસિક સંદર્ભોની પ્રચુરતા નોંધપાત્ર છે. એવા એકાદ સંદર્ભમાં મુઘલોના સામ્રાજ્યવાદ અને નાદીરશાહ અને અહમદશાહ અબદલી જેવા અત્યાચારીની ક્રૂરતા સામે લોકચળવળના પરિણામરૂપ પંજાબમાં  જાગેલ સામાજિક અને રાજકીય ક્રાંતિનો સંક્ષિપ્ત ઉલ્લેખ જોવા મળે છે.

બળદેવભાઈ કનીજિયા