શાહ, વિદ્યાબહેન

January, 2006

શાહ, વિદ્યાબહેન (. 7 નવેમ્બર 1922, જેતપુર, રાજકોટ) : જાણીતાં મહિલા-કાર્યકર અને ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ-વિજેતા. કુટુંબની સુધારક વિચારસરણીને કારણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અભ્યાસની તક સાંપડી અને 1942માં અર્થશાસ્ત્ર વિષયનાં સ્નાતક બન્યાં. ‘હિંદ છોડો’ આંદોલનના આ વર્ષમાં તેઓ રાષ્ટ્રીય આંદોલનની અસર હેઠળ આવ્યાં. રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લઈ સામાજિક સેવાની પ્રવૃત્તિઓના પાઠ શીખ્યાં. ગાંધીવિચારો સ્વીકારી 1945માં મનુભાઈ શાહ સાથે સાદગીભર્યાં લગ્ન કર્યાં, જેઓ પછીથી ભારત સરકારના ઉદ્યોગમંત્રી બન્યા હતા.

આઝાદીના પ્રારંભકાળે મનુભાઈ સૌરાષ્ટ્ર રાજ્યમાં પ્રધાન બનતાં રાજકોટમાં સ્થાયી થયાં. 1951થી વિદ્યાબહેને ત્યાં મહિલાઓ માટે અને સામાજિક ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ આરંભી. તેમણે રાજકોટમાં બાળકો માટે બાલભવનની સ્થાપના કરી, જે ભારતભરમાં આ પ્રકારનું પ્રથમ બાલભવન હતું. તે પછી બાલભવન-ઝુંબેશ આરંભાઈ. સૌરાષ્ટ્રની બાલ-કલ્યાણ કાઉન્સિલ થકી સૌરાષ્ટ્રમાં 100 બાલમંદિરો અને 250 ક્રીડાંગણો સ્થપાયાં. 1986માં બાલકલ્યાણક્ષેત્રનો નૅશનલ ઍવૉર્ડ એનાયત કરી તેમની આ ક્ષેત્રની સેવાઓની વિશેષ રૂપે નોંધ લેવામાં આવી. વધુમાં હેલન કેલર ટ્રસ્ટ, નૅશનલ ફૉર્મ ઑવ્ વૉલન્ટરી ઑર્ગેનાઇઝેશન, ભારત સ્કાઉટ્સ ઍન્ડ ગાઇડ જેવી વિવિધ સંસ્થાઓમાં જુદાં જુદાં પદો પર રહી જે-તે પ્રવૃત્તિને વેગ આપ્યો. ભારતીય નૃત્ય, સંગીત અને ચિત્રકલાની પ્રવૃત્તિઓ પાંગરે તે માટે ત્રિવેણી કલા સંગમ સંસ્થા તેમણે રચી છે.

ગુજરાતીઓના સંદર્ભમાં તેમની એક સેવાની વિશેષ ભાવે નોંધ લેવી જરૂરી છે અને તે છે દિલ્હી ગુજરાતી સમાજનો વિકાસ. દિલ્હી ગુજરાતી સમાજ દ્વારા અતિથિગૃહ ઉપરાંત અનેકવિધ પ્રવૃત્તિઓના સંચાલનની નવી દિશા તેમના નેતૃત્વ નીચે હાથ ધરવામાં આવી. ત્યાંના સરદાર પટેલ વિદ્યાલયને વિકસાવવામાં તેમના પ્રયાસો નોંધપાત્ર હતા. ઉપરાંત ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને પરંપરા થકી દેશના વિવિધ ભાગોમાં વસતા ગુજરાતીઓને એકસૂત્રે બાંધવા માટે તેમણે વિવિધ 100 ગુજરાતી સમાજોની એક સાંકળ બનાવી. સૌ ગુજરાતી સમાજોને જોડવામાં તેમનું વિશેષ યોગદાન છે.

તેમની આવી વિશિષ્ટ સમાજસેવા તેમજ સંસ્કારસેવાના કારણે 1992માં તેમને ‘પદ્મશ્રી’થી વિભૂષિત કરવામાં આવ્યાં. 1998માં વિશ્વગુર્જરી ઍવૉર્ડ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું. 1998માં કુટુંબનિયોજન ઍસોસિયેશનનો ‘સમાજસેવા શિરોમણિ’ ઍવૉર્ડ અને 1999માં રાધારમણ ફાઉન્ડેશનનો ઍવૉર્ડ પણ તેમને પ્રાપ્ત થયા છે.

રક્ષા મ. વ્યાસ