શાહ, વાડીલાલ મોતીલાલ

January, 2006

શાહ, વાડીલાલ મોતીલાલ (. 11 જુલાઈ 1878, વીરમગામ, ગુજરાત; . 21 નવેમ્બર 1931) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર અને સુધારાવાદી નિબંધલેખક. સ્થાનકવાસી જૈન કુટુંબમાં જન્મ. તીવ્ર જ્ઞાનપિપાસુ અને લેખક. પિતા મોતીલાલ તરફથી સંસ્કારવારસો મળ્યો. પ્રાથમિક શિક્ષણ વીરમગામમાં. માધ્યમિક શિક્ષણ માટે 14 વર્ષની વયે અમદાવાદમાં ટ્યૂશન કરતાં કરતાં ગુજરાત કૉલેજમાં જોડાયા. ત્યાં એડિસન અને ગૉલ્ડસ્મિથનાં લખાણોથી પ્રભાવિત થઈ તેમની શૈલીમાં ‘યુવક’ તખલ્લુસથી ‘મધુમક્ષિકા’ (1894) પ્રગટ કર્યું.

મુનિશ્રી છગનમલજી સ્વામીના સંપર્કમાં આવતાં તેમનામાં ભારે વિચારપરિવર્તન આવ્યું. જૈન સમાજમાં પ્રવર્તતી વાડાબંધી અને સંકુચિતતા સામે વિદ્રોહ જગાવવા અને સમાજ-સુધારણાના ઉદ્દેશથી 1899થી ‘જૈન હિતેચ્છુ’ માસિક સતત 23 વર્ષ સુધી સંપાદિત કર્યું. સાપ્તાહિક ‘જૈન સમાચાર’ના તંત્રી બન્યા.

જૈનદર્શન અને જર્મન ફિલસૂફ નિત્શે અને શોપનહોરના પ્રભાવ હેઠળ તેજાબી કલમથી સમકાલીન જૈન સમાજનાં દૂષણો પર ચાબખા માર્યા અને સમાજમાં જાગૃતિ લાવવાનો જબરદસ્ત પ્રયાસ કર્યો. 1911માં રતલામમાં જૈન ટ્રેનિંગ કૉલેજની સ્થાપના કરી, કન્યાવિક્રય, બાળલગ્ન, વૃદ્ધલગ્ન, બાળદીક્ષા જેવાં દૂષણો સામે તેઓ લડતા રહ્યા, અને વિધવાવિવાહના હિમાયતી રહ્યા. તેના ફળસ્વરૂપે 1906માં અખિલ ભારતીય જૈન કૉન્ફરન્સની સ્થાપના કરવામાં આવી. 1917માં સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહની સ્થાપના અમદાવાદ અને મુંબઈ ખાતે કરી. તત્વજ્ઞ અને ચિંતક તરીકે તેમનાં કેટલાંક લખાણો કથાત્મક રીતે કે રૂપકકથા રૂપે અને સંવાદોના માધ્યમ દ્વારા અભિવ્યક્ત કરાયાં છે.

ધર્મતત્વને લક્ષમાં રાખીને તેમણે ‘નમીરાજ’ (1906); ‘સુદર્શન’ ભાગ 1 (1908); ‘મૃત્યુના મોંમાં અથવા અમૃતલાલનું અઠવાડિયું’ (1921) જેવી નવલકથાઓ આપી છે. જ્યારે ધર્મપ્રવણ-કથાઓ રૂપે ‘મધુમક્ષિકા’; ‘સતી દમયંતી’ (1902); ‘ઋષિદત્તા આખ્યાયિકા’ (1904); ‘હિતશિક્ષા’ (1904-05); ‘મહાત્મા કબીરનાં આધ્યામિક પદો’ (ભા. 1-2) (1911); ‘ધર્મસિંહ બાવની’ (1911); ‘જૈન સમાચાર ગદ્યાવલિ’ (ખંડ 1થી 8) (1912), (ખંડ 9-10) (1913); ‘મહાવીર મિશન’ (1913); ‘મહાવીર કહેતા હવા’ (1921); ‘મસ્તવિલાસ’ (1925); ‘જૈન દીક્ષા’ (1929); ‘એક’ (1932) જેવા ચરિત્રમૂલક અને સંપાદિત ઉલ્લેખનીય ગ્રંથો તેમણે આપ્યા છે. આ ઉપરાંત જૈનદર્શન અને ધર્મગ્રંથો પર ઘણાં લખાણો કર્યાં છે.

તેમના ઊંડા ચિંતનસભર ‘નગ્ન સત્ય’ નામક ગ્રંથ બદલ તેમને ગુજરાત સાહિત્ય સભા દ્વારા 1927માં ગલીઆરા પ્રાઇઝ પ્રાપ્ત થયેલું. તેમણે ‘કૈવલ્ય’, ‘યુવક’, ‘મોટું મીંડું’, ‘વૉન્સ્યૉર’, ‘રમૂજી’, ‘શોધક’, ‘એનાર્કિસ્ટ’, ‘કહાણીપતિ’, ‘અર્હન્નક’, ‘બીમાર અભ્યાસી’, ‘ભમતો ભૂત’ અને ‘ભેદુ’ જેવાં વિવિધ તખલ્લુસો હેઠળ ‘સંસારમાં સુખ ક્યાં છે ?’ (1909), ‘પ્રાયશ્ચિત્ત’ (1920), ‘પૉલિટિકલ ગીતા’ (1921) અને ‘આર્યધર્મ’ જેવાં અન્ય લખાણો કર્યાં છે. આમ સુધારાવાદી પત્રકાર-લેખક તરીકે તેમનું પ્રદાન મહત્વનું રહ્યું છે.

કાન્તિભાઈ શાહ