શાહ, રૂપાંદે (જ. 21 જૂન 1940, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરનાં ગાયક તથા દેશભરમાં ખ્યાતિ ધરાવતી શાસ્ત્રીય સંગીતની શિક્ષણ, પ્રચાર અને પ્રસારને વરેલી ‘સપ્તક’ સંસ્થાનાં સ્થાપક સભ્ય. પિતાનું નામ કાંતિલાલ મણિલાલ. તેઓ શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ હતા. માતાનું નામ પુષ્પાવતી. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. સ્થાનિક ગુજરાત કૉલેજમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. પિતાનું સક્રિય પ્રોત્સાહન તથા પરિવારના અનુકૂળ વાતાવરણને લીધે નાનપણથી સંગીત, નૃત્ય તથા નાટક જેવી દૃશ્ય-શ્રાવ્ય કલાઓ પ્રત્યે આકર્ષાયાં. ખૂબ નાની ઉંમરમાં ગ્વાલિયર ઘરાણાના રાવસાહેબ મ્હસકરના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી. ઉપરાંત આઠ વર્ષની વયે અમદાવાદની ‘દર્પણ’ અકાદમીમાં વિખ્યાત નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ તથા ગુરુ ચતુન્ની પન્નીકરના માર્ગદર્શન હેઠળ નૃત્યની તાલીમ શરૂ કરી.
અહીં તેમણે સતત દસ વર્ષ સુધી ભરતનાટ્યમ્, કથકલી તથા કુચિપુડી નૃત્યશૈલીઓની ઘનિષ્ઠ તાલીમ લીધી. 1958માં દિલ્હી ખાતે આયોજિત અખિલ ભારતીય આંતર વિશ્વવિદ્યાલયીન યુવક મહોત્સવમાં તેમણે શાસ્ત્રીય નૃત્યની સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કર્યું. 1960માં વીસ વર્ષની ઉંમરે તેમણે આરંગેત્રમ્ રજૂ કર્યું. આરંગેત્રમ્ રજૂ કરનાર ‘દર્પણ’ અકાદમીનાં તેઓ સર્વપ્રથમ વિદ્યાર્થિની છે. આ સંસ્થાના નેજા હેઠળ તેમણે ઘણાં નાટકોમાં અભિનય કર્યો જેમાંથી ‘શિલપાદકરમ’, ‘નવલશા હીરજી’, ‘નિષ્કૃતિ’ જેવાં નાટકોમાં તેમની પ્રમુખ ભૂમિકા હતી. 1975માં અમદાવાદ ખાતે તેમનો શાસ્ત્રીય સંગીતનો પ્રથમ જાહેર કાર્યક્રમ રજૂ થયો ત્યારથી અત્યાર સુધી (1975-2005) તેમણે પ્રતિષ્ઠિત ગણાય એવા ઘણા અખિલ ભારતીય સ્તરના સંગીત-કાર્યક્રમોમાં પોતાની ગાયનકલાનો પરિચય આપ્યો છે. દા.ત., આકાશવાણીની અખિલ ભારતીય મંગળવાસરીય શાસ્ત્રીય સંગીતસભા, અખિલ ભારતીય શનિવારીય શાસ્ત્રીય સંગીતની રાષ્ટ્રીય સભાઓ, (નૅશનલ પ્રોગ્રામ ઑવ્ મ્યૂઝિક) દીપાવલી શાસ્ત્રીય સંગીત સભાઓ વગેરે. આકાશવાણી તથા દૂરદર્શનના ‘એ’ ગ્રેડના કલાકાર તરીકે તેમણે દેશનાં ઘણાં નગરોમાં શાસ્ત્રીય સંગીતના જાહેર કાર્યક્રમો રજૂ કર્યા છે.
‘દર્પણ’ અકાદમીના નેજા હેઠળ તેનાં અગ્રણી નૃત્યાંગના તરીકે તેમણે દેશવિદેશનો પ્રવાસ ખેડ્યો છે અને તે દરમિયાન ભારતનાં અને વિદેશનાં ઘણાં નગરોમાં શાસ્ત્રીય નૃત્યના જાહેર કાર્યક્રમો રજૂ કર્યા છે. દા.ત., ‘તાસેર દેશ’, ‘ભાનુસિંહેર પદાવલિ’, ‘ગીતગોવિંદ’ તથા ‘કુર્વંચી’ જેવી પ્રથમ પંક્તિની નૃત્યનાટિકાઓમાં અગ્રણી નૃત્યાંગના તરીકે તેમણે ભાગ લીધો છે. આ ઉપરાંત દેશનાં વિવિધ નગરોમાં શાસ્ત્રીય નૃત્યના એકલ કાર્યક્રમો પણ તેમણે આપ્યા છે. આ બધા કાર્યક્રમો માટે તેમની સર્વત્ર પ્રશંસા થઈ છે. ‘દર્પણ’ અકાદમીમાં તેમણે ઘણાં ઊગતા કલાકારોને વર્ષો સુધી ભરતનાટ્યમ્ અને કથકલીની તાલીમ આપી છે. દૂરદર્શન પર પ્રસારિત ઘણી નાટ્યશ્રેણીઓમાં તેમણે અભિનેત્રી તરીકે ભાગ લીધેલ છે. 1975-76માં તેમને સંગીત નાટક અકાદમી દ્વારા સર્વોત્કૃષ્ટ કલાકારનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
રાવસાહેબ મ્હસકરના માર્ગદર્શન હેઠળ તેમણે સતત પંદર વર્ષ સુધી શાસ્ત્રીય સંગીતની તાલીમ તો લીધેલી જ, પરંતુ તે ઉપરાંત તેમણે સુરેન્દ્ર જેટલીના માર્ગદર્શન હેઠળ રવીન્દ્ર સંગીત તથા ગઝલગાયકીની તાલીમ પણ લીધેલી છે. ‘ગીતાંજલિ’ નામના સંગીત એકમનાં તેઓ સક્રિય સભ્ય હતાં. તેમણે ઉસ્તાદ ગુલામકાદિરખાંસાહેબ, પંડિત મણિરામજી, ઉસ્તાદ ગુલામ અહમદખાંસાહેબ જેવા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના દિગ્ગજોના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીય ગાયનની ઉચ્ચ કક્ષાની તાલીમ લીધી છે અને તે દ્વારા પોતાની ગાયનકલા પરિપક્વ બનાવી છે. વિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત રાજન મિશ્રાએ તેમને બનારસ ઘરાનાની ગાયકીની ખૂબીઓથી પરિચિત કર્યા છે અને તેને લીધે તેમની શાસ્ત્રીય ગાયન રજૂ કરવાની પદ્ધતિ વિકાસ પામી છે.
1963માં મૃણાલિની સારાભાઈનાં મદદનીશ નિર્દેશક તરીકે અમેરિકાના ન્યૂયૉર્ક શહેર ખાતેની ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍડવાન્સ્ડ સ્ટડિઝ ઇન થિયેટર’ની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે સંસ્કૃત નાટક ‘સ્વપ્નવાસવદત્તમ્’ રજૂ કર્યું હતું. આ નાટ્યપ્રયોગમાં ભાગ લેનાર બધા જ કલાકારો અમેરિકન હતા એ વિશેષ નોંધપાત્ર બાબત છે. અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ પરિવારમાં પ્રફુલ્લ અનુભાઈ સાથે તેમનાં 1962માં લગ્ન થયાં હતાં.
રૂપાંદે શાહ અમદાવાદની જાણીતી સંસ્થા ‘સપ્તક’ના ઊગતા કલાકારોને હાલ શાસ્ત્રીય સંગીતની નિયમિત તાલીમ આપી રહ્યાં છે. (1980-2005).
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારથી તેમને સન્માનવામાં આવ્યાં છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે