શાહની મસ્જિદ, ઇસ્ફાહાન : ઈરાનની જાણીતી મસ્જિદ. શાહ અબ્બાસ 1લાએ સ્થપતિ ઉસ્તાદ અબુલ કાસિમના માર્ગદર્શન નીચે 1611માં ઇસ્ફાહાનમાં આ મસ્જિદનું બાંધકામ શરૂ કરાવ્યું. મસ્જિદનું સંપૂર્ણ બાંધકામ 1638માં પૂર્ણ થયું હોવાનું જણાય છે. તેના પ્રાંગણનો ઉત્તરાભિમુખ દરવાજો (portal) 1616માં બંધાઈને પૂર્ણ થયો હતો એમ ત્યાંના શિલાલેખ પરથી જાણવા મળે છે. આર્થર ઉફામ પોપ પ્રમાણે ચાર અઇવાન (iwan = મુખ્ય પ્રાર્થનાગૃહ) ધરાવતી આ મસ્જિદનો પ્લાન ઘણો જ વિકસિત છે, તેનાં થોડાં જ વર્ષો અગાઉ મશદમાં બંધાયેલી ગવ્હારશદની મસ્જિદને તે મળતી આવે છે. ગવ્હારની મસ્જિદમાં પ્રાર્થનાગૃહની બંને બાજુએ આવેલા વિશાળ ખંડોને બદલે અહીં બે લંબચોરસ ઓરડા છે. જે વિશાળ મુખભાગ ધરાવતા પ્રાર્થનાગૃહથી જોડેલા છે. શિયાળામાં નમાજ માટે આનો વિશેષ ઉપયોગ થતો. પ્રાર્થનાગૃહની ઉપરના ઘૂમટ (vault) પથ્થરના સ્તંભ પર આધારિત કમાનો પર ટેકવેલા છે. ઉનાળાના દિવસોમાં અઇવાનની સામેના શાન(પ્રાંગણ)માં લોકો નમાજ પઢતા. પ્રાંગણને ફરતી રિવાક (પડાળી = corridor) બે મજલાની છે. પ્રાર્થનાખંડના મુખભાગમાં ત્રિપક્ષી (tripartite) સુશોભન જોવા મળે છે. આ
સુશોભન રોમનો દ્વારા ઈરાનમાં પ્રવેશ્યું હતું. રોમનોએ સાસાનિ લોકો પાસેથી આ સુશોભનની જાણકારી મેળવી હતી. ગૂઢ મંડપોની બંને બાજુએ ફુવારા સહિતના બગીચા છે. બગીચાને ફરતી કમાનશ્રેણીઓ (arcades) છે. આ ઇમારતમાં સુંદર ચિત્રિત ચોરસ ટાઇલ્સ જડેલા છે. મસ્જિદનો પ્રવેશ મોટા ચૉક(મેદાન)ની દક્ષિણ બાજુએ કેન્દ્રમાં છે. આને કારણે આ મસ્જિદ મક્કાભિમુખ છે. મસ્જિદને મક્કાભિમુખ બનાવવાની સ્થપતિઓની યોજના અસામાન્ય છે. આમ કરવા છતાં મસ્જિદની ભૂમિતિ અને તેની સપ્રમાણતાનો ભંગ થયો નથી. તેનું પ્રવેશદ્વાર મોટેભાગે ટાઇલ મોઝેકથી જડેલું છે, જ્યારે મસ્જિદની અંદરના ભાગમાં ગ્લેઝ્ડ ટાઇલ્સ જડેલાં છે જેમાં ચિત્રકામ થયેલું જોવા મળે છે. ચાર અઇવાન ધરાવતી મસ્જિદનું પૂર્ણ કક્ષાનું સ્વરૂપ અહીં છે.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર