શાહ, ઉમાકાન્ત (. 20 માર્ચ 1915; . નવેમ્બર 1988) : કલાના પ્રસિદ્ધ ઇતિહાસવિદ અને ભારતીય વિદ્યાના પ્રખર વિદ્વાન. આઝાદી પૂર્વેના ભારતીય વિદ્યાના વિદ્વાનો શિવરામ મૂર્તિ, વાસુદેવશરણ અગ્રવાલ અને મોતીચંદ્રની શ્રેણી જેવા વિદ્વાનોમાં ઉમાકાન્ત શાહનું નામ મૂકી શકાય. ‘એલિમેન્ટ્સ ઑવ્ જૈન આર્ટ’ એ વિષય પર તેમણે પીએચ.ડી. ડિગ્રી માટે સંશોધન કર્યું. વડોદરાની ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં ‘રામાયણ યોજના’ના તંત્રી તરીકે 1955 સુધી રહ્યા. આ જ સંસ્થાના ઉપાધ્યક્ષ તરીકે 1954 સુધી સેવાઓ આપી હતી. આ સંસ્થાની સેવા કરવાની તેમને જે ઉત્તમ તક મળી તેનો તેમણે વિદ્વત્તાપૂર્ણ સંશોધન કરવામાં ઉપયોગ કર્યો. ડૉ. વિનયતોષ ભટ્ટાચાર્ય(પૂર્વ અધ્યક્ષ, ઑરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ)ના તેઓ અનુગામી બન્યા. ડૉ. ભટ્ટાચાર્યને તેઓ પોતાના એક ગુરુ ગણતા હતા. ડૉ. ભટ્ટાચાર્ય બૌદ્ધ પ્રતિમાવિજ્ઞાનના અને તેમાંયે વિશેષ કરીને વજ્રયાન અને તાંત્રિક બૌદ્ધ ધર્મના ઊંડા અભ્યાસી હતા, જ્યારે શ્રી શાહ જૈન કલા અને મૂર્તિવિજ્ઞાનના વિદ્વાન હતા. જર્મન વિદ્વાન હર્મન ગોએત્ઝ(જેમણે 1940 દરમિયાન બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલરીનું આયોજન કર્યું હતું.)નું શ્રી શાહે માર્ગદર્શન મેળવ્યું હતું અને તેમના સહયોગથી ગુજરાતની કલાવિષયક ઐતિહાસિક સામગ્રી વિશે કામ કર્યું હતું. અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડૉલોજી સાથે પણ તેઓ સંકળાયેલા હતા.

ઉમાકાન્ત શાહ

રામાયણ વિભાગના મુખ્ય સંપાદક અને તેના અધ્યક્ષ તરીકે તેમણે ‘ઉત્તરકાંડ’ની સમીક્ષિત આવૃત્તિ અંગે ખૂબ જ ધીરજ અને ખંતથી કામ કર્યું. રામાયણના સંશોધનને લીધે સંસ્થામાં તે પછી રાષ્ટ્રીય રીતે મહત્વનાં મહાકાવ્યો અને પુરાણોની સમીક્ષિત આવૃત્તિઓ તૈયાર કરવાની શાખા શરૂ થઈ. રામાયણ ઉપરાંત તેમણે ‘ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ’ના આશ્રયે ગુજરાતમાં અલભ્ય વાચનાચાર્ય સુધાકલશકૃત ‘સંગીતોપનિષદશારોદ્ધાર’ પર સંશોધન કર્યું. પોતે વૈષ્ણવ હોવા છતાં તેમણે જૈન કલા, મૂર્તિવિજ્ઞાન હસ્તપ્રતો અને નવી મળી આવેલ જૈન ધાતુ-પ્રતિમાઓ વિશે સંશોધન કર્યું. બૃહદ મુંબઈ રાજ્ય તરફથી ગુજરાતમાંથી નવાં જડેલાં કલા-કેન્દ્રો વિશે લખવાની જવાબદારી શ્રી શાહને સોંપવામાં આવી. એના અનુસંધાનમાં શ્રી શાહે અકોટાની ધાતુ-પ્રતિમાઓ અને શામળાજીનાં શિલ્પો વિશેના મોનોગ્રામ અનુક્રમે 1959 અને 1960માં પ્રસિદ્ધ કર્યા. અકોટાની ધાતુ-પ્રતિમાઓના સંશોધને વડોદરાના ઇતિહાસ પર નવો પ્રકાશ પાડ્યો. અહીં જૈન ધર્મના પ્રસારનો ખ્યાલ આવ્યો; એટલું જ નહિ, પરંતુ મધ્યકાલ દરમિયાન દક્ષિણ ભારતમાંથી ચોળ અને બિહાર-બંગાળમાંથી પાલ શૈલીનાં ધાતુશિલ્પો મળી આવે છે. તે જ રીતે પશ્ચિમ ભારતના પ્રદેશમાં ધાતુ-પ્રતિમાની એક વિશિષ્ટ શૈલી અસ્તિત્વમાં હતી તેની પણ જાણ થઈ. શામળાજીમાંથી પ્રાપ્ત શૈવ શિલ્પો અને માતૃકાનાં શિલ્પો એલિફન્ટાનાં શિલ્પો સાથે સામ્ય ધરાવતાં હોવાનું જણાયું. ઈ. પૂ. પહેલી સદીથી અને તે પછી પશ્ચિમ ઘાટના પ્રદેશમાં સીધા જ પર્વતમાંથી કોરી કાઢવામાં આવતા શિલ્પના વિકાસનો ગુજરાત પણ એક ભાગ હતું. ડૉ. શાહે નમ્રપણે પોતાનો મત વ્યક્ત કર્યો હતો કે પશ્ચિમ ભારતમાં ક્ષત્રપકાલની શરૂઆતથી એક પ્રાદેશિક શિલ્પ શૈલીનો વિકાસ થયો હતો અને જતે દિવસે ગુપ્ત શૈલીની સ્વતંત્ર શૈલી તરીકે તેને જોવાનું જરૂરી બન્યું. શામળાજી પાસેના દેવની મોરી નામના સ્થળેથી મળી આવેલા બૌદ્ધ ઈંટેરી સ્તૂપના અવશેષોએ તેમના આ મંતવ્યને અનુમોદન આપ્યું. ગુપ્ત સામ્રાજ્યની બહાર પશ્ચિમ ભારતમાં એક પ્રાદેશિક ભારતીય શિલ્પશૈલીની ડૉ. શાહની માન્યતા સ્વીકૃત માન્યતાની વિરુદ્ધમાં હતી. તેમણે તેમનો આ મત 1970માં લૉસ એન્જલસમાં ભરાયેલ ઇન્ટરનૅશનલ સેમિનારમાં રજૂ કર્યો. આ પછી 1981માં તેમને યુ.એસ.માં ડૉ. સ્ટેલા ક્રેમરિશ આયોજિત ‘શિવ અને શૈવાયત આર્ટ’ પરના આંતરરાષ્ટ્રીય સેમિનાર માટે આમંત્રવામાં આવ્યા. આ સેમિનારમાં ડૉ. શાહે ‘લકુલીશ સંપ્રદાય અને તેની પ્રતિમાઓ’ વિશે વિદ્વત્તાપૂર્ણ સંશોધનપત્ર રજૂ કર્યો. ભારતના વિદ્વત્-સમાજે 1968માં બનારસ મુકામે યોજાયેલ ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સમાં તેમને ‘ફાઇન આર્ટ્સ ઍન્ડ ટૅક્નિકલ સાયન્સ’ સેક્શનના અધ્યક્ષ તરીકે ચૂંટીને તેમનું બહુમાન કર્યું. આર્ટ પર્ચેઝ કમિટી ઑવ્ નૅશનલ મ્યુઝિયમ(દિલ્હી)માં તેમણે પોતાની સેવાઓ આપી હતી. 1958થી 1970 દરમિયાન એમ. એસ. યુનિ. ઑવ્ બરોડામાં સેનેટ સભ્ય હતા. ‘હેરિટેજ ટ્રસ્ટ ઑવ્ બરોડા’ના તેઓ સંસ્થાપક સભ્ય હતા. 1960થી 1970 સુધી તેમણે ‘જર્નલ ઑવ્ ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયેન્ટલ આર્ટ’(કોલકાતા)ના સહ-સંપાદક તરીકે પણ જવાબદારી સ્વીકારી હતી. તેમણે 175 શોધપત્રો લખ્યાં હતાં. તેમણે 15 જેટલા ગ્રંથો લખ્યા હતા : (1) ‘હોલી આબુ’ (જયંતવિજયજીકૃત પવિત્ર આબુનો અનુવાદ) (1953); (2) ‘સ્ટડીઝ ઇન જૈન આર્ટ’ (1955); (3) ‘સુવર્ણભૂમિ મેં કાલકાચાર્ય’ (1956); (4) ‘અકોટા બ્રોન્ઝિઝ’ (1958); (5) ‘બ્રહ્મશાંતિ ઍન્ડ કપર્દિ યક્ષાસ’ (1958); (6) ‘ગીર્વાણ પદમંજરી ઍન્ડ ગીર્વાણવ મંજરી’ (1958); (7) ‘લોથલ’ (ગુજરાતી) (1960); (8) ‘સુધાકલશગણિ’, ‘સંગીતોપણિષત્સારોદ્ધાર’, ‘એ વર્ક ઓન ઇન્ડિયન મ્યુઝિક ઍન્ડ ડાન્સિંગ’ (1961); (9) ‘ભીમવિક્રમ-વ્યાયોગ ઑવ્ વ્યાસ મોક્ષાદિત્ય ઍન્ડ ધર્મોદ્ધરણમ્ ઑવ્ પંડિત દુર્ગેશ્વર’ (1966); (10) ‘ક્રિટિકલ એડિશન, ઉત્તરકાંડ ઑવ્ વાલ્મીકિસ રામાયણ’ (1975); (11) ‘આસ્પેક્ટ્સ ઑવ્ જૈન આર્ટ ઍન્ડ આર્કિટેક્ચર’ (1975); (12) ‘ન્યૂ ડૉક્યુમેન્ટસ ઑવ્ જૈન પેન્ટિંગ’ (મોતીચંદ્ર સાથે) (1975); (13) ‘મોર ડૉક્યુમેન્ટસ ઑવ્ જૈન પેન્ટિંગ ઍન્ડ ગુજરાતી પેન્ટિંગ’ (1976); (14) ‘ટ્રેઝર્સ ઑવ્ જૈન ભંડારાસ’ (1978), અને (15) ‘જૈનરૂપમંડન’ (1987).

રતન પારિમુ

અનુ. થૉમસ પરમાર