શાહ, ઇનાયત સૂફી (જ. 1656, મુલતાન, હાલ પાકિસ્તાનમાં; અ. 7 જાન્યુઆરી 1718) : ઝોકમિરાનપુર. સિંધના શાહ ઇનાયત તરીકે જાણીતા સૂફી કવિ. એક સમયે મુલતાન પર શાસન કરનાર લંગાહ પરિવારના મખ્દૂમ ફઝ્લ અલ્લાહના પુત્ર. તેમનો પરિવાર તત્કાલીન મુઘલ સૂબેદારે આપેલી જમીન પર બાથોરો (મિરાનપુર) ખાતે પાછળથી સ્થાયી થયેલો. ઇનાયતે મિરાનપુરમાં ફારસી તથા અરબીનો અભ્યાસ કરેલો. તેમણે સિંધીમાંનાં લોકગીતો અને શિષ્ટમાન્ય કાવ્યો વિશે સારી એવી જાણકારી મેળવેલી. ઇનાયતે યુવાન વયે ઈરાન અને ઇરાકના પ્રવાસે નીકળી પડ્યા બાદ દક્ષિણ ભારતની યાત્રા કરેલી. આ બધાં સ્થળોએ સૂફીઓના સાન્નિધ્યમાં રહીને તેઓ સૂફીવાદના રંગે રંગાયા હતા. તેમણે પાછળથી સિંધના ઠટ્ટા નગરમાં આવીને સૂફીવાદનો પ્રસાર કર્યો. છેલ્લે ઝોક ગામે આવીને સ્થિર થયેલા.
તેઓ લોકોને આધ્યાત્મિક પ્રેરણા આપવાની સાથોસાથ દુ:ખી દરિદ્રોના હિતાર્થે લોકકલ્યાણનાં કાર્યો કરતા રહ્યા. તેમણે તેમના વિચારોને કાર્યમાં મૂર્તિમંત કરીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. ધર્મના આડંબરો અને દુષ્ટ આચરણોનો તેમણે વિરોધ કર્યો. મુલ્લા-મૌલવીઓની સ્વાર્થી વૃત્તિઓની ભર્ત્સના કરી. કલ્હોડા શાસકો અને જમીનદારો અને જાગીરદારોના અત્યાચારો સામે અવાજ ઉઠાવ્યો. હિંદુઓને મારીને મુસલમાન બનાવવાની ધર્માંતરવૃત્તિનો તેમણે ભારે પ્રતિકાર કર્યો.
ઝોક ખાતે તેમણે ભવ્ય દરગાહની સ્થાપના કરી. ‘ખેડે તેની જમીન’નું સૂત્ર અપનાવી ખેત-મજૂરો, કસબીઓ અને ગરીબોને જમીન પર તેમનાં ઝૂંપડાં બાંધી રહેવા માટે અને રોજગારી માટે તેમણે જમીન વહેંચી આપી. મહેસૂલ નહિ ભરવા માટે બંડ પોકાર્યું અને આમ સિંધમાં તેમણે ક્રાંતિ સર્જી.
શાહ અબ્દુલ મલિક ગિલાનીના અનુયાયી બનવા તેઓ મુલતાન, દિલ્હી અને બૂરહાનપુર મારફત બિજાપુર પહોંચ્યા. ઘણાં વર્ષો ત્યાં ગાળ્યાં બાદ તેઓ મિરાનપુર આવ્યા અને ત્યાં ‘ખન્ગાહ’ એટલે મઠની સ્થાપના કરી. સિંધી લોકકથાઓ ઉમર મારવી અને સસઈ પુન્હુંને કાવ્યમાં વણી લઈને આધ્યાત્મિક સ્વરૂપ આપ્યું. ભૂમિહીન ખેતમજૂરોને જમીન વહેંચવાને તેમજ ધાર્મિક આડંબરોના વિરોધ કરવાને કારણે જમીનદારો, જાગીરદારો અને મૌલવીઓએ ઠટ્ટાના મુઘલ સૂબેદાર આઝમખાનના કાન ભંભેર્યા કે આ સૂફી તેમની ગાદી પચાવી પાડવા માગે છે. તેથી તત્કાલીન દિલ્હીના રાજ્યકર્તા મુઘલ સુલતાન ફાર્રુખ્શિયરના હુકમથી આઝમખાને સંધિના બહાને કૂટનીતિ વાપરી તેમને તંબૂમાં બોલાવી તેમનો શિરચ્છેદ કર્યો. તેથી દિલ્હીના સૈયદ ભાઈઓએ સુલતાનની કત્લ કરી. શાહ ઇનાયતની દફનવિધિ દિલ્હીમાં કરવામાં આવી અને ત્યાં મકબરો બનાવવામાં આવ્યો જે સૂફીઓ માટે પવિત્ર યાત્રાધામ બની ગયો. આ મહાન સૂફીની શહીદી પર ઘેરો શોક વ્યક્ત કરતી ‘સૂર રામકલી’(શાહ-જો-રિસાલો)માં શાહ અબ્દુલ લતીફે 7 બેતો ગાઈ છે. એમ કહેવાય છે કે તેમના શિરચ્છેદ બાદ તેમના મુખેથી કેટલીક બેતો સરી પડેલી જેનો સંગ્રહ ‘બેસૂરનામા’ તરીકે પ્રગટ કરવામાં આવ્યો હતો.
જયંત રેલવાણી