શાહ, અબ્દુસ સલામ (જ. 1 જાન્યુઆરી 1947, ગાઝીપુર, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ કવિ અને વિદ્વાન. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ઉર્દૂ, આરબ કલ્ચર ઍન્ડ સિવિલાઇઝેશન ઍન્ડ અરેબિક લિટરેચરમાં એમ.એ. તથા ઉર્દૂમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ લખનૌ યુનિવર્સિટીમાં અરબી વિભાગમાં રીડરપદેથી અધ્યાપનકાર્ય સંભાળે છે. તેમણે તેમની કારકિર્દી અમેરિકામાં મિનેસોટા યુનિવર્સિટીના સાઉથ એશિયન સ્ટડિઝ વિભાગના પ્રાધ્યાપક તરીકે શરૂ કરેલી (1973-76); 1980માં યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના સિનિયર સહાયક સભ્ય; 1990માં ઑલ ઇન્ડિયા મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશનના મંત્રી; 1991-92 દરમિયાન ઉત્તરપ્રદેશ ઉર્દૂ અકાદમી, લખનૌના ઉપાધ્યક્ષ રહ્યા.
તેમની માતૃભાષા ઉર્દૂ હોવા છતાં તેમણે ઉર્દૂ ઉપરાંત હિંદી તથા અંગ્રેજીમાં 12 ગ્રંથો આપ્યા છે. ‘મુશરિઉલ હક : શક્શિયત ઔર ફિક્રી બસીરાત’ (1994, વિવેચનગ્રંથ); ‘કુલ્લિયાત-એ-શૌક’ (1982); ‘કુલ્લિયાત-એ-શાહજાદા સુલેમાન શિકોહ’ (1982); ‘કમલ-એ-નાસિરૂદ્દિન હૈદર’ (1983) આ બધા તેમના સંપાદકીય ગ્રંથો છે. જ્યારે ‘દબિસ્તાન-એ-આતશ’ (1977) તેમનો સંશોધનવિષયક ગ્રંથ છે. ‘એ રીડર ઑવ્ ક્લાસિકલ ઉર્દૂ પોએટ્રી’ (1976) પ્રો. એમ. એ. આર. બાર્કરના સહયોગમાં સંપાદિત કરેલ ગ્રંથ છે. 1990માં હિંદીમાં ‘ઇસ્લામ કા ઇતિહાસ’ 3 ગ્રંથોમાં આપ્યો છે. તેમણે સંખ્યાબંધ શિષ્ટમાન્ય ફારસી ગ્રંથોને ઉર્દૂમાં અને ઉર્દૂમાંથી અંગ્રેજીમાં અનૂદિત કર્યા છે.
આવા સાહિત્યિક પ્રદાન બદલ તેમને મીર અકાદમી, લખનૌ તરફથી ‘ઇમ્તિઆઝ-એ-મીર ઍન્ડ નવા-એ-મીર ઍવૉર્ડ’ આપવામાં આવ્યો છે.
બળદેવભાઈ કનીજિયા