શાહ, અમિત (જ. 22 ઑક્ટોબર 1964, મુંબઈ, મહારાષ્ટ્ર) : દેશના 31મા ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વરાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના પૂર્વગૃહમંત્રી. ભાજપના દિગ્ગજ નેતા અને ચૂંટણી-વ્યૂહરચનાકાર. અમિત શાહનો જન્મ મુંબઈસ્થિત ગુજરાતી પરિવારમાં થયો હતો. 16 વર્ષની ઉંમક સુધી પોતાના વતન માણસામાં રહીને અભ્યાસ કર્યો હતો. એ પછી તેમનો પરિવાર અમદાવાદ આવી વસ્યો હતો. અમદાવાદમાં આવ્યા બાદ સી. યુ. શાહ સાયન્સ કૉલેજમાંથી બાયોકેમિસ્ટ્રીના વિષય સાથે બી.એસસી. કર્યું. તેમના વડદાદા માણસાના નગરશેઠ હતા. તેમના પિતા અનિલચંદ્ર શાહની ગણતરી અમદાવાદના સફળ ઉદ્યોગસાહસિકોમાં થાય છે. અમિત શાહ પણ સ્નાતક થયા પછી શરૂઆતમાં તેમના પિતાના પીવીસી પાઇપના વ્યવસાયમાં સક્રિય થયા હતા.

અમિત શાહ

સંઘના સભ્યથી ભાજપના ધારાસભ્ય : તેમને બાળપણથી જ દેશભક્તોનું જીવનચરિત્ર વાંચવામાં રુચિ હતી. સમય જતાં અમિત શાહ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા. અમદાવાદમાં રહીને તેમણે સંઘ ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) માટે કામ શરૂ કર્યું. 1982માં પ્રથમ વખત તેમની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. એ વખતે નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક હતા અને સંઘમાં સક્રિય યુવાનોની કામગીરીની ચકાસણી તેમના ભાગે આવતી હતી. એ જોવા માટે નરેન્દ્ર મોદી અમદાવાદ આવતા, ત્યારે અમિત શાહ અમદાવાદ શહેરમાં સંઘના યુવા કાર્યકર તરીકે ખૂબ સક્રિય હતા.

1984-85ના વર્ષમાં અમિત શાહ ભાજપના સદસ્ય બન્યા અને સંઘ, એબીવીપી ઉપરાંત ભાજપમાં પણ સક્રિય બન્યા. માત્ર 22-23 વર્ષની વયે અમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં તેમને ભાજપના બૂથ એજન્ટની જવાબદારી મળી હતી. એક અદના કાર્યકર તરીકે ભાજપમાં જોડાયેલા અમિત શાહે તેમની ચૂંટણી- વ્યૂહરચનાની કુનેહ અને સખત પરિશ્રમ કરવાની ધગશને કારણે પક્ષમાં આગવી ઓળખ બનાવી. એ જ અરસામાં અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મહાસચિવ બન્યા. ગુજરાત ભાજપમાં પણ તેમણે સચિવ, ઉપાધ્યક્ષ જેવી મહત્વની જવાબદારી નિભાવી. એ દરમિયાન તેમની પ્રખર સંગઠક અને ચૂંટણી-વ્યૂહરચનાકાર તરીકેની ઓળખ વધુ મજબૂત બની. રામજન્મભૂમિ આંદોલનમાં યુવાવસ્થામાં તેમણે વ્યાપક જનસંપર્ક કર્યો હતો. એકતાયાત્રામાં પણ તેમની સક્રિયતાએ પક્ષના ટોચના નેતાઓનું ધ્યાન ખેંચ્યું. 1989ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. અમિત શાહને એ ચૂંટણીના સંચાલનની જવાબદારી મળી હતી. એ સિલસિલો છેક 2009 સુધી ચાલ્યો હતો. તે ઉપરાંત પૂર્વવડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડ્યા ત્યારે પણ અમિત શાહ એ ચૂંટણીના પ્રભારી હતા. 1990 પછીના સમયગાળામાં નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના સચિવ હતા અને તેમની સાથે મળીને ભાજપના કાર્યકર અને યુવા નેતા તરીકે અમિત શાહે ગુજરાતનાં અસંખ્ય ગામડાંઓનો પ્રવાસ કર્યો હતો અને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવાની ઝુંબેશમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ગુજરાતમાં ભાજપની સરકાર બની અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા એ અરસામાં અમિત શાહને ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કૉર્પોરેશન(GSFC)ના ચૅરમૅનની જવાબદારી મળી. તેમની અસરકારક કામગીરીને ધ્યાનમાં લીધા પછી ભાજપે 1997માં અમદાવાદમાં સરખેજની બેઠકની પેટાચૂંટણીમાં તેમને વિધાનસભાની ટિકિટ આપી હતી. એમાં વિજેતા બનીને અમિત શાહ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.

ગુજરાતના ગૃહમંત્રીથી દેશના ગૃહમંત્રી : અમિત શાહને 2002ની ચૂંટણીમાં ફરીથી સરખેજની બેઠક પરથી ટિકિટ મળી હતી. ગુજરાતના તમામ ધારાસભ્યોમાં અમિત શાહ સૌથી વધુ 1,58,036 મતોથી વિજેતા બન્યા હતા. આ ઐતિહાસિક પછી પક્ષમાં તેમની સ્થિતિ વધારે મજબૂત થઈ અને તેમની ગણતરી ગુજરાત ભાજપના ટોચના નેતાઓમાં થવા લાગી. 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપની સરકાર બની ત્યારે અમિત શાહને પ્રથમ વખત મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. અમિત શાહ મોદી સરકારના સૌથી યુવા મંત્રી હતા. એક સમયે તેમની પાસે ગૃહ, કાયદો, બોર્ડર સિક્યુરિટી, ટ્રાન્સપોર્ટ, સિવિલ ડિફેન્સ, એક્સાઇઝ સહિતના 12-12 પૉર્ટફોલિયોની જવાબદારી હતી. એ સમયગાળામાં ગુજરાતમાં નરેન્દ્ર મોદી પછી અમિત શાહ સૌથી પ્રભાવશાળી નેતા તરીકે ઊભરી આવ્યા હતા. 2002થી 2012 સુધી તેઓ ગુજરાત સરકારમાં મંત્રી રહ્યા. સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના ખૂબ જ ગાજેલા વિવાદમાં તેમના ઉપર આરોપો કરવામાં આવ્યા. 25મી જુલાઈ, 2010માં તેમની ધરપકડ પણ થઈ હતી. 29મી ઑક્ટોબર, 2010માં ગુજરાત હાઈકોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા આ કેસમાં તેમને રાહત મળી અને 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નારણપુરાની બેઠક પરથી તેઓ વિજેતા બન્યા. 2014માં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અમિત શાહને તમામ આરોપમાંથી મુક્ત કર્યા હતા.

2012 પછી અમિત શાહ રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય થયા. ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા ત્યાર બાદ અમિત શાહે રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી સંભાળી. તેમને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવાયા. ચૂંટણી-વ્યૂહરચનાકાર તરીકે તેમણે 2014માં ભાજપનો ચૂંટણીપ્રચાર સંભાળ્યો. સાથે સાથે ઉત્તરપ્રદેશ જેવા અતિ મહત્વના રાજ્યના પ્રભારી પણ બન્યા. ઉત્તરપ્રદેશના પ્રભારી અમિત શાહે ભાજપને 2014માં લોકસભાની 80માંથી 73 બેઠકો પર ઐતિહાસિક વિજય અપાવીને રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રભાવ વધાર્યો. ભારતીય મીડિયાએ અમિત શાહને ‘મૉડર્ન ડે ચાણક્ય’ કહીને બેનમૂન ચૂંટણી-વ્યૂહરચનાકાર તરીકે નવાજ્યા. અમિત શાહ દેશભરમાં નરેન્દ્ર મોદી પછી બીજા નંબરના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઊભરી આવ્યા.

2017 સુધી અમિત શાહ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય હતા. ઑગસ્ટ-2017માં અમિત શાહ રાજ્યસભાના સાંસદ બન્યા. 2019માં અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા. જે બેઠક પર તેઓ એક સમયે એલ. કે. અડવાણી અને અટલ બિહારી વાજપેયીના પ્રચારની જવાબદારી સંભાળતા હતા એ જ બેઠક પર 69 ટકા મતો મેળવીને તેઓ લોકસભામાં પ્રવેશ્યા. 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમના અધ્યક્ષપદ હેઠળ ભાજપને અભૂતપૂર્વ વિજય મળ્યો તે પછી તેમને નરેન્દ્ર મોદીની સરકારમાં માનભર્યું સ્થાન મળ્યું હતું. 1 જુલાઈ, 2019ના રોજ અમિત શાહ દેશના 31મા ગૃહમંત્રી બન્યા. ગૃહમંત્રી તરીકે તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ રદ્ કરવાનો ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કર્યો. તે અંતર્ગત જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી જમ્મુ-કાશ્મીર અને લદાખ – એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા હતા. એ જ રીતે તેમણે દેશભરમાં નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન (એનઆરસી) લાગુ કરવાનો પ્રસ્તાવ પણ રાજ્યસભામાં મૂક્યો હતો. 2019માં જ તેમણે રાજ્યસભામાં સિટીઝન ઍમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) બિલ રજૂ કર્યું હતું. જુલાઈ-2021થી અમિત શાહ નવા બનેલા કો-ઑપરેશન મંત્રાલયના મંત્રી પણ છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ : જુલાઈ-2014માં ભાજપના કેન્દ્રીય સંસદીય બોર્ડે તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા. જાન્યુઆરી-2016માં અમિત શાહ બીજી વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. ભાજપ અધ્યક્ષ તરીકે તેમનો કાર્યકાળ પક્ષ માટે ખૂબ સફળ ગણાય છે. તેમના કાર્યકાળમાં જ ભાજપે સભ્યપદની દેશવ્યાપી ઝુંબેશ ચલાવી હતી, તેના ભાગ રૂપે ભાજપ 10 કરોડ પ્રાથમિક સભ્યો ધરાવતો દેશનો જ નહીં, પણ વિશ્વનો એક માત્ર રાજકીય પક્ષ બન્યો હતો. અમિત શાહ ભાજપના અધ્યક્ષ બન્યા પછી 2014થી 2016 દરમિયાન થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષને ઐતિહાસિક વિજય મળ્યો હતો. દિલ્હી અને બિહારની ચૂંટણીને બાદ કરતાં ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, આસામમાં સરકાર બનાવી હતી. જમ્મુ-કાશ્મીરમાં અભૂતપૂર્વ બેઠકો મેળવીને ગઠબંધનથી સરકાર રચી હતી. એટલું જ નહીં, તેમની બીજી ટર્મ દરમિયાન પણ પક્ષને મહત્વના રાજ્યોમાં સફળતા મળી હતી, જેમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશનો સમાવેશ થતો હતો. મણિપુર, ત્રિપુરામાં પક્ષનો દેખાવ બહેતર બન્યો હતો. નાગાલૅન્ડ અને મેઘાલયમાં ભારતીય જનતા પક્ષ સત્તામાં સહયોગી બન્યો હતો.

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ બેઠકો મળી ત્યારે અમિત શાહ જ ભાજપ-અધ્યક્ષ હતા. તેમણે  ‘અબ કી બાર 300 પાર’નો નારો આપ્યો હતો. ભાજપ અધ્યક્ષ અમિત શાહે 2019ની ચૂંટણી દરમિયાન 543માંથી 312 બેઠકોમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો. ભાજપે 303 બેઠકો મેળવીને વિક્રમ સર્જ્યો હતો. અમિત શાહ ભાજપના સૌથી સફળ રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાય છે. તેમના કાર્યકાળમાં ભાજપે સૌથી વધુ સભ્યો બનાવ્યા હતા. સૌથી વધુ રાજ્યોમાં વિજય મેળવ્યો હતો અને લોકસભામાં ઐતિહાસિક બેઠકો જીતી હતી. લોકપ્રિયતાની બાબતમાં વિવિધ સર્વેક્ષણમાં અમિત શાહ નરેન્દ્ર મોદી પછી બીજા ક્રમે સ્થાન પામે છે.

હર્ષ મેસવાણિયા