શાસ્ત્રી, રામનાથ (જ. 15 એપ્રિલ 1914; જમ્મુ–તાવી; જમ્મુ અને કાશ્મીર) : ડોગરી અને હિંદીના લેખક. પંજાબ યુનિવર્સિટીમાંથી ‘શાસ્ત્રી’ તથા ‘પ્રભાકર’ની ડિગ્રી ઉપરાંત સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી. અધ્યાપનનો વ્યવસાય; સંસ્કૃતના નિવૃત્ત પ્રાધ્યાપક. પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિ.
તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ડોગરી ભાષાના સિનિયર ફેલો, જમ્મુ યુનિવર્સિટી, 1971-75; મુખ્ય સંપાદક, ડોગરી શબ્દકોશ પરિયોજના, કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટેની જમ્મુ અને કાશ્મીર અકાદમી, 1977-87.
તેમને મળેલ સન્માન આ પ્રમાણે છે : બૅંગાલી લિટરરી કૉન્ફરન્સ શ્રીનગર તરફથી ઉત્તમ લેખક તરીકેનો ઍવૉર્ડ, 1969; કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1976; કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી ભાષાંતર માટેનું ઇનામ, 1989; કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટેની જમ્મુ અને કાશ્મીર અકાદમી તરફથી ઍવૉર્ડ, 1991 વગેરે.
આ ઉપરાંત તેમને ‘પદ્મશ્રી’નું સન્માન (1990) અને જમ્મુ અને કાશ્મીરની ઉક્ત અકાદમી તરફથી સન્માનપત્ર અપાયાં હતાં.
તેમના હિંદી પ્રકાશનમાં ‘નિહારિકા’ (1959) નામના સટીક સંપાદનનો સમાવેશ થાય છે. તેમનાં ડોગરી ભાષાનાં પ્રકાશનો આ પ્રમાણે છે : ‘ધરતી દા રિન’ (1971) (કાવ્યસંગ્રહ), ‘બાવાજિત્તો’ (1973) (અભ્યાસગ્રંથ), અકાદમી પુરસ્કૃત કૃતિ ‘બદનામી દી છાન’ (1973) (ટૂંકી વાર્તાઓ), ‘ઝકડિયાં કિનૉન’ (1975) (એકાંકીસંગ્રહ), ‘તલખિયાં’ (1980) (ગઝલસંગ્રહ), ‘ત્રયી મહાકાવ્ય’ (1978) (બાળવાર્તાઓ), ‘બાવાજિત્તો’ (1992) (નાટક), ‘કલમકાર ચરનસિંગ’ (1975), ‘દુગ્ગર દે લોકનાયક’ (1990) (રેખાચિત્ર). આ ઉપરાંત તેમણે ‘મૃચ્છકટિકમ્’, ‘નીતિશતકમ્’ તથા ‘વૈરાગ્યશતકમ્’ અને રવીન્દ્રનાથની ‘ગીતાંજલી’ ઉપરાંત અન્ય અનેક પુસ્તકોનાં ડોગરીમાં ભાષાંતર આપ્યાં છે.
મહેશ ચોકસી