કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટો (1848) : માર્ક્સવાદ અને સામ્યવાદના ઇતિહાસમાં પ્રસિદ્ધ ફ્રેડરિક એન્જેલ્સના સહયોગમાં કાર્લ માર્ક્સે તૈયાર કરેલ રાજકીય ખત.
શ્રમિકોના કૉમ્યુનિસ્ટ લીગ નામના નાના આંતરરાષ્ટ્રીય પક્ષના ઉદબોધન સમું આ ખત 1848ની ક્રાન્તિ સમયે પ્રસિદ્ધ થયું હતું. ‘દાસ કૅપિટલ’માં વિસ્તૃત રીતે આલેખાયેલી માર્ક્સની ‘વૈજ્ઞાનિક સમાજવાદ’ની ફિલસૂફીના મહત્ત્વના અંશો તેમાં છે. તેમાં પ્રારંભનું કથન છે ‘‘હાલમાં અસ્તિત્વ ધરાવતા સઘળા સમાજનો ઇતિહાસ એટલે વર્ગસંઘર્ષ’’. એનું અંતિમ વાક્ય છે : ‘‘વિશ્વના શ્રમિકો એક થાઓ. તમારે તમારી બેડીઓ સિવાય કશું ગુમાવવાનું નથી.’’ સદી પછી પણ ઘોષણાપત્રનો પ્રભાવ એટલો જ દુર્ઘર્ષ છે.
જૂન 1847માં કૉમ્યુનિસ્ટ લીગની પહેલી કૉંગ્રેસ લંડનમાં મળી હતી. તેમાં ફ્રેડરિક એન્જલ્સે ‘કૉમ્યુનિસ્ટ કન્ફેશન ઑવ્ ફેઇથ’(કૉમ્યુનિસ્ટ માન્યતા)નો મુસદ્દો રજૂ કર્યો હતો. ઑક્ટોબર 1847માં એન્જલ્સે ‘સામ્યવાદના સિદ્ધાંતો’ પ્રશ્નોત્તરીના સ્વરૂપે એક હસ્તપ્રતમાં આલેખ્યા હતા. નવેમ્બર-ડિસેમ્બર 1847માં માર્ક્સ અને એન્જલ્સે ‘મેનિફેસ્ટો ઑવ્ ધ કૉમ્યુનિસ્ટ પાર્ટી’(સામ્યવાદી પક્ષનું જાહેરનામું)ની રજૂઆત કૉમ્યુનિસ્ટ લીગની બીજી કાગ્રેસમાં કરી હતી. ત્રણ તબક્કે થયેલી આ સિદ્ધાંતરચનામાં ઉત્તરોત્તર સ્પષ્ટતા વધતી ગઈ હતી.
આ મેનિફેસ્ટોમાં માર્ક્સવાદી વૈજ્ઞાનિક સમાજવાદી વિચારસરણીના મૂળતત્વનું સુસ્પષ્ટ તેજસ્વી નિરૂપણ છે. વૈજ્ઞાનિક ભૌતિકવાદના દર્શનનું, દ્વન્દ્વવાદી વિકાસના સિદ્ધાંતનું, વર્ગવિગ્રહનું અને શ્રમજીવી વર્ગના વિશ્વઇતિહાસમાંના ક્રાન્તિકારી કર્તવ્યનું તેમાં આલેખન છે.
મેનિફેસ્ટો મૂડીવાદી સમાજના અંતની અનિવાર્યતા વિશે અને શ્રમજીવી વર્ગની ક્રાન્તિના વિજય અંગે ઘોષણા કરે છે.
મેનિફેસ્ટોએ માનવના માનવ દ્વારા થતા શોષણના, યુદ્ધના, સામાજિક-રાષ્ટ્રીય દમનના અને સામ્રાજ્યવાદ દ્વારા રચાયેલી ગુલામીના અંતના માર્ગનું વર્ણન કર્યું છે.
ફેબ્રુઆરી 1848માં મેનિફેસ્ટોનું પ્રકાશન થયું ત્યારે માર્ક્સવાદની બુનિયાદ બંધાઈ ગઈ હતી.
ધનવંત ઓઝા